દહેગામ,તા 14 મે 2019, મંગળવાર
દહેગામ તાલુકામાં બેફામ ચલાવતા ડમ્પરો પર કોઇની લગામ નથી. જગ જાહેર છે કે તાલુકામાં ચાલતા ડમ્પરો કેટલી સ્પીડમાં અને કેટલી ગફલતભરી રીતે ડમ્પરો હંકારતા હોય છે. ઓવરલોડ રેતી અને કપચી ભરીને નીકળતા આ વાહનો સામે તંત્રના અધિકારીઓની રહીમ નજર રહે છે માટે કોઇ કાઇ બોલી શકતું નથી.
ત્યારે શહેર અને તાલુકામાં કેટલાય લોકોએ બેફામ બની ગયેલા આ ડમ્પરોની અડફેટે આવી અને પોતાના જીવ ગુમાવ્યા છે. બેફામ ચાલતા આ ડમ્પરો પર કોઇની લગામ નથી અને કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ભરપૂર દાદાગીરીથી હંકારતા આ ચાલકો માટે કોઇ નિયમ બનાવવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા નજીક આવેલ બસ સ્ટેન્ડમાં મોદી રાત્રે એક ડમ્પર બસ સ્ટોપની અંદર ઘુસી ગયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ડમ્પર ચાલકે ચલાવતા કાબૂ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ધડાકાભેર બસ સ્ટેન્ડમાં ઘુસી ગયું હતું અને ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ૧૦૮ને કોલ કરી સ્થાનિક દ્વારા ડ્રાઇવરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રક ડ્રાઇવરો વધુ ફેરા મારવાની લાલચમાં બેફામ ગાડીઓ હંકારે છે અને કોઇના જીવનની પરવાહ કર્યા વગર પોતાની ધૂનમાં જ ગાડીઓ ચલાવતા હોય છે. સૌથી વધુ અકસ્માત રખિયાલ રોડ, બાયડ રોડ અને ઉત્કંઠેશ્વર મહાદેવ રોડના વિસ્તારોમાં થાય છે જેમાં સેંકડો લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છે પણ આ ડમ્પરો ચલાવતા લોકો પર કોઇ કાબૂ મેળવવામાં સફળતા મળી નથી. વધુ પૈસાની લાલચમાં મોડી રાત સુધી કોઇ પણ પ્રકારના આરામ વગર આવા ફેરા મારવામાં આવે છે જેનો ભોગ બીજા લોકો બને છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે રાત્રીના સમયમાં આવા ગાડીઓવાળા બેફામ રીતે ગાડીઓ હંકારે છે અને ઓવરલોડ ભરેલી ગાડીઓ પણ ખુબ જ ગતિથી હંકારે છે. બાદમાં જેને કાબૂ નથી કરાઇ શકતી એટલે અકસ્માત થાય છે. માત્ર હાઇવે જ નહિં પણ દહેગામ શહેરમાં પણ ભીડ ભાડ વાળા રસ્તાઓમાં પણ આ ડમ્પરો બેફામ રીતે હંકારે છે અને ગામમાં પણ કેટલાય લોકો આવા ડમ્પરોની અડફેટે આવી અને મૃત્યુ પામ્યા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vUEKCi
No comments:
Post a Comment