
ગાંધીનગર, તા 14 મે 2019, મંગળવાર
રાજયમાં એકબાજુ પાણીની સમસ્યા ઉદભવી છે અને પાટનગર ગાંધીનગરમાં પાણીની કોઈ જ સમસ્યા નહી હોવાની વાતો થઈ રહી છે ત્યારે શહેરના સે-ર૪ અને રપ માં વસાહતીઓને પુરતું પાણી નહીં મળતાં ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ભાજપના સ્થાનિક કોર્પોરેટરોનો પણ વસાહતીઓએ ઉધડો લીધો હતો. આ મામલે કોંગી કોર્પોરેટરે કમિશનરને રજૂઆત કરી પાણી સમસ્યા દુર ના થાય ત્યાં સુધી ટેન્કર દોડાવવા માટે માંગણી કરી છે.
રાજ્યમાં ધીરેધીરે પાણીની સમસ્યા વકરી રહી છે અને સરકાર પાણીનો પુરવઠો પહોંચાડવા માટે બેઠકોનો દોર ચલાવી રહી છે. રાજયના પાટનગરમાં પાણીની કોઈ સમસ્યા નહીં હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવે પાણી મુદ્દે બેઠક પણ કરી લીધી છે અને સબ સલામતનો દાવો થઈ રહયો છે પરંતુ શહેરના સે-ર૪ અને રપ માં વસાહતીઓ પાણી માટે વલખા મારી રહયા હોવાનું જાણવા મળ્યું છે.
વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર અંકિત બારોટે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી છે કે આ મામલે રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પદાધિકારીઓએ જાણે કાંઈ બન્યું જ ના હોય તેમ પાણીની કોઈ સમસ્યા નથી તેવા નિવેદન કરે છે પરંતુ સત્ય તેનાથી વેગળું છે. સે-ર૪ અને રપ માં પાણીની ગંભીર સમસ્યાના કારણે મુળભુત જરૂરીયાતના કામો પણ અટકી પડયા છે.
સે-ર૪/રપ માં આવેલા હાઉસીંગ અને ફલેટની વસાહતમાં પાણી નહીં આવતાં ટેન્કરો બોલાવવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા જો સમયસર આ સમસ્યાને હલ કરવામાં નહીં આવે તો વસાહતીઓમાં રોષ ફાટી નીકળશે અને પાણીની સમસ્યા સામે ઉગ્ર આંદોલન થશે તો બીજી બાજુ મેયરના પતિ અને ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતાં લોકોએ તેમને પાણીના પ્રશ્ને રજૂઆતો કરી હતી અને ટુંક સમયમાં સમસ્યા હલ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HocYmZ
No comments:
Post a Comment