અમદાવાદ,સોમવાર
ગુજરાત યુનિ.કેમ્પસમાં આવેલા ટાવર બિલ્ડીંગમાં કુલપતિની ઓફિસ છે.આ ઓફિસ લોબીને થોડા સમય પહેલા જ રીનોવેશન સાથે સેન્ટ્રલાઈઝડ એસી ઓફિસ-લોબી બનાવાઈ છે ત્યારે સવારથી એક સાથે ચાલી રહેલા ૩૧ એસીને લઈને પાવર લોડને લીધે એમસીબીમાં શોર્ટ સર્કિટથી મોટો ભડાકો થયો હતો.જેને પગલે મોટી આગ લાગવાની સંભવિત ઘટનાના ડરથી નાસભાગ મચી હતી.જો કે કોઈ પણ જાનહાની કે મોટી નુકશાની થઈ નથી.
સુરતના કોચિંગ ક્લાસીસમાં લાગેલી આગની ઘટનાને પગલે હાલ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સઘન તપાસ ચાલી રહી છે અને આગની ઘટનાને લઈને એક ડરનો માહોલ પણ ફેલાયો છે ત્યારે રાજ્યની સૌથી જુની અને મોટી સરકારી યુનિ. એવી ગુજરાત યુનિ.માં કુલપતિ લોબીમાં શોર્ટ સર્કિટથી મોટો ભડાકો થયો હતો અને જેને પગલે નાસભાગ મચી હતી.બપોરના ૪ વાગ્યની આસપાસ કુલપતિ ઓફિસ લોબીમાં આવેલા મેઈન સ્વીચ બોર્ડમાં એકાએક શોર્ટ સર્કિટ થતા ભડાકો થયો હતો અને વાયરો બળી રહ્યા હોવાની ગંધ આવતા વીસી લોબીનો સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને સ્વીચ બોર્ડ ખોલીને જતા તેમા વાયરો એક સાથે અથડાતા મોટો ભડકો થયો હતો અને થોડી આગ લાગી હતી પરંતુ તરત જ સ્ટાફ જ દ્વારા ફાયર સેફટીના સાધનો દ્વારા બળતો વાયરોને ઓલવી દેવાયા હતા.પરંતુ ફાયર એક્સટિંગ્શર (અગ્નિશામક યંત્ર)થી વાયરોમાં લાગેલી આગ ઓલવવા જતા સમગ્ર ઓફિસ લોબીમાં ભારે ધુમાડો ફેલાયો હતો.
આ ઘટનાને પગલે વીસી ઓફિસ લોબી નજીક સીન્ડીકેટરૃમમાં ચાલી રહેલા પ્રોફેસરો માટેના ઈન્ટરવ્યુમાં પણ થોડી ખલેલ પડી હતી અને ઉમેદવારો તેમજ એક્સટર્સ સહિતના તમામ સ્ટાફને નીચે ગ્રાઉન્ડ ફલોર પર અન્ય ઓફિસરમાં બેસાડવામા આવ્યા હતા.મહત્વનું છે કે પ્રોફેસરોની વિવિધ પોસ્ટમાં કેટલીક વિવાદીત પોસ્ટ માટેના ઈન્ટરવ્યુમાં વિવાદિત ઉમેદવારો પણ હતા અને જેઓનું પહેલેથી ફિક્સ થયુ હોવાની ચર્ચા વચ્ચે ઈન્ટરવ્યુમાં કંઈક રંધાઈ રહ્યુ હોવાની ગંધ આવી રહી હતી ત્યારે બીજી બાજુ વાયરો બળવાની ગંધ આવતા જ યુનિ.માં એ કહેવત સાબીત થઈ ગઈ કે આગ વગર ધુમાડો ન નીકળે. જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ નુકશાની થઈ ન હતી અને કોઈ પણ જાન હાની પણ થઈ ન હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YUiGnU
No comments:
Post a Comment