
રાજકોટ, તા. 5 મે 2019, રવિવાર
પડધરી તાલુકાના ખોડાપીપર ગામમાં રહેતી રંજન નામની ૩૦ વર્ષીય પરિણીતાને તેના પતિ ડાહ્યા ગાગજી ચૌહાણે સાડીથી ગળેટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને કારણે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, સાત વર્ષના લગ્નગાળા દરમ્યાન પતિ ડાહ્યા, સાસુ અને નણંદ શાંતિબેન દ્વારા રંજનબેનને મેણાંટોણાં મારીને મારઝૂડ કરવામાં આવતી હતી. સાસરિયાના અત્યાચારથી કંટાળીને પરિણીતા જીલરિયા ગામે આવેલા તેના માવતરના ઘરે પણ અવારનવાર ચાલી જતી હતી, એ બાબતે પણ તેના પતિને સખત વાંધો હતો.
શનિવારે વહેલી સવારે પતિ તેના બે બાળકો ગૌતમ(ઉ.વ.૫) અને સમીર(ઉ.વ.૩) સાથે અન્ય ઓરડામાં સૂતો હતો. ત્યારે પતિએ બીજા ઓરડામાં સૂતેલી પત્નીને સાડીથી ફાંસો દઈ દીધો હતો. સવારે દસ વાગ્યા દરમ્યાન ડાહ્યાએ પોલીસને ફોન કરીને એવી જાણ કરી હતી, કે તેની પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો લીધો છે. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મૃતદેહ નીચે પડયો હતો. લટકીને ટૂંપો ખાધાના કોઈ ચિહ્ન જોવા મળ્યા નહોતા.
બીજી તરફ મૃતકના ભાઈ અશોક ડાહ્યા ખુમાણે પણ તેની બહેનને બનેવી, સાસુ અને નણંદે મોતને ઘાટ ઉતારી દીધાનો આરોપ મૂકતા પોલીસે તેની ફરિયાદ આધારે ખૂનની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પીએસઆઈ જે.વી. વાઢિયા, રાઇટર યુવરાજસિંહ દ્વારા પુરાવવા એકત્ર કરવા તપાસ આગળ વધારવામાં આવી હતી.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J4DNjp
No comments:
Post a Comment