
ધોરાજી, તા. 5 મે 2019, રવિવાર
ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી, માણાવદર, કુતિયાણા, ઉપલેટા વિગેરે ૬૦ ગામોમાં પીવા માટે નર્મદાનું પાણી આપવાની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન આજે રવિવારની રજામાં શરૂ કરતા તંત્ર ધંધે લાગ્યું હતું. જો કે, તાબડતોબ લેખિત ખાતરી અપાતા છ કલાકમાં પારણા કરી લીધા હતા.
આ બાબતે ધારાસભ્યએ જણાવેલું કે, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર તાલુકાના ૬૦ ગામોમાં ભાદર-૨ ડેમનું દુષિત પાણી આપવામાં આવે છે. નર્મદા યોજનાની લાઈન નંખાઈ ગયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી સરકારમાં રજુઆત કરવા છતાં તંત્રે કોઈ ધ્યાન નહીં આપતા આ વિસ્તારના લોકોને પ્રદુષિત પાણી પીવાનો સમય આવતા, જેના વિરોધમાં આજે નર્મદાના પીવાનું પાણી આપવા બાબતે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સરકારે ૬૦૦ કરોડની નર્મદાની બલ્ક પાઈપલાઈનની યોજના બનાવી છે અને અત્યારે કાળઝાળ ગરમીમાં પાણીની જરૂરિયાત છે ત્યારે પાણી ન આપે અને પ્રજાને નાછૂટકે ભાદર-૨નું કલર કેમિકલવાળુ પીવું પડે જે બાબતે ફરિયાદ આવતા આંદોલન કરવું પડે છે. અગાઉ સરકારને આ બાબતે લેખિતમાં જાણ કરી છે, જેનો કોઈ જવાબ નહીં આવતા નિર્ધારીત સમયે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યં છે અને જ્યાં સુધી નર્મદાનું પાણી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આજે રવિવારના ઉપવાસ આંદોલનમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, વોટર વર્કસના ચેરમેન સહિતના સુધરાઈ સભ્યો, કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, મુસ્લિમ સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો વિગેરેએ ઉપવાસ છાવણીમાં ટેકો જાહેર કર્યો હતો.
ધોરાજીના ધારાસભ્યએ નર્મદાના પાણીના પ્રશ્ને સવારના ૧૧-૦૦ વાગે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપતા જણાવેલું કે, ધોરાજી તાલુકાના ૩૦ ગામોને શનિવારથી પાણી મળતું થઈ ગયું છે અને ઉપલેટા, કુતિયાણા, માણાવદરને દસ દિવસમાં નર્મદાનું પાણી મળતું થઈ જશે. ખાત્રી આપતા અધિકારીઓની હાજરીમાં કોંગી ધારાસભ્યએ છ કલાકમાં જ પારણા કરી લઈને આમરણાંત ઉપવાસ આંદોલન સમેટી લીધું હતું.
ઉપવાસ આંદોલન સાવ નર્યુ નાટકઃ ભાજપ
ધોરાજીમાં આજે કોંગી ધારાસભ્ય લલીત વસોયાએ નર્મદા નીરનાં પ્રશ્ને કરેલા ઉપવાસ આંદોલનને ભાજપે નર્યુ નાટક ગણાવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ જણાવ્યું કે ભાજપ સરકારે પાણીનો પ્રશ્ન ઉકેલવા કવાયત હાથ ધરી જ છે. ધોરાજી તાલુકાના ૩૦ ગામોને તો નર્મદાનું પાણી મળતું પણ થઈ ગયું છે અને અન્ય ગામોને થોડા જ દિવસોમાં મળવા લાગશે. જેનો ખોટો જશ ખાટવા માટે કોંગી ધારાસભ્યએ ઉપવાસ આંદોલનનું નાટક કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jlb0pZ
No comments:
Post a Comment