
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 4 મે 2019, શનિવાર
ડીંડોલી મણીનગર સોસાયટીમાં રહેતા યુવાનને આજે બપોરે તેના બે મિત્રો ખરવાસા કેનાલ રોડ નજીક ઝુપડપટ્ટીમાં લઈ ગયા હતા અને ત્યાં તેના ઉપર હુમલો કરી ચપ્પુના આઠ ઘા ઝીંકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના બે મિત્રોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં ડીંડોલી મણીનગર સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય મિન્ટુ સુભાષચંદ્ર મિશ્રાને આજે બપોરે તેના જ બે મિત્રો રાહુલ ઉર્ફે સેન્ડી અને બબલુ ઉર્ફે બબલી તેના ઘરેથી જ સાથે લઈને નીકળ્યા હતા. ત્રણેય ખરવાસા ગામ કેનાલ રોડ શંકર ભગવાનના મંદિર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા અને ત્યાં સાથે બેસી જમતા હતા તે સમયે રાહુલ ઉર્ફે સેન્ડી અને બબલુ ઉર્ફે બબલીએ મિન્ટુ ઉપર ચપ્પુ વડે હુમલો કરી પગ અને પેટમાં આઠ જેટલા ઘા ઝીંકી દીધા હતા અને ભાગી છૂટયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત મિન્ટુને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં સચીન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મિન્ટુની હત્યા કરનાર તેના બે મિત્રોની અટકાયત કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બંને પાંચ વર્ષ અગાઉ ઉધના પોલીસ મથકની હદમાં હત્યાના ગુનામાં ઝડપાયા હતા. પોલીસ હાલ હત્યાના કારણ અંગે કશું જણાવતી નથી. પરંતુ આંતરીક વિખવાદમાં બંને મિત્રો તેને દારૂ પીવડાવવા માટે ત્યાં લઇ ગયા હતા અને બાદમાં રહેંસી નાખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુ તપાસ સચીન પીઆઇ મચ્છાર કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/306CjKO
No comments:
Post a Comment