(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 26 મે 2019, રવિવાર
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાની ઝુંબેશ હવે મોતનું કારણ બની રહી છે. ટેરેસ પર બનેલા ડોમ સહિત જોખમી બિલ્ડીંગને કાયદેસર કરી દેવામાં આવ્યા છે. ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ કાયદેસર કરેલા આવા જોખમી બિલ્ડીગ નિર્દોષ માટે મોતનું કારણ બની રહી છે. ઈમ્પેક્ટ ફીની ઝુબેશ ચાલતી હતી ત્યારે વધુમાં વધુ અરજી થાય તેવો પ્રયાસ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને વધુ અરજી થઈ તેનું ગૌરવ પણ લેવામા આવતું હતું. ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા માટે ઝુંબેશ ચલાવાતી હતી પરંતુ હવે આ ઝુંબેશ નિર્દોષના મોતનું કારણ બનતાં જોખમી બિલ્ડીંગને કાયદેસર કરવા સામે પ્રશ્ન ઉભા થયા છે.
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીના કાયદાનો અમલ શરૂ કરાયો ત્યારે સુરત મ્યુનિ. વિસ્તારમાં ગુજરાતમા સૌથી વધુ ઈમ્પેક્ટ ફી હેઠળ અરજી થઈ હતી. જેમાં સૌથી વધુ અરજી સુરતના વરાછા ઝોનમા સવા લાખ કરતાં વધુ થઈ હતી. અરજીની આખરી તારીખ હતી ત્યારે નાના ટેમ્પોમાં અરજીની ફાઈલ લાવવામાં આવી ત્યારે રાજકારણીઓઓ લોકોના ગેરકાયદે બિલ્ડીંગને કાયદેસર કરાવી આપવાનું ગૌરવ લેતા હતા.
વરાછા વિસ્તારમાં સવા લાખથી વધુ મિલ્કતને ઈમ્પેક્ટ ફી હેઠળ કાયદેસ કરી આપવામાં આવી છે જેમાંથી મોટા ભાગની મિલ્કતમા ટેરેસ પર ડોમ કે ગેરકાયદે બાંધકામ છે. તક્ષશિલા આર્કેડની દુર્ઘટના બાદ ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુર કરાયેલા આવા જોખમી બાંધકામ સામે પ્રશ્ન ઉભો થયો છે.
સરકારના ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ વરાછા વિસ્તારમાં જ સવા લાખ જેટલી ફાઈલ મંજુર થઈ છે તેમાં આવા જોખમી બાંધકામના કારણે લોકોની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે. સરકાર અને મ્યુનિ. તંત્ર આવા જોખમી બિલ્ડીંગોને કાયદાની ગાઈડ લાઈન પ્રમાણે મંજુર કરી દીધા છે પરંતુ હવે લોકો માટે આ બિલ્ડીંગ જીવતા બોમ્બ બની ગયા હોવાથી આવા બિલ્ડીંગ સામે શું પગલાં ભરવા તે મોટો પ્રશ્ન બની ગયો છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VPKTdp
No comments:
Post a Comment