મુંબઈ, તા. 14 મે, 2019, મંગળવાર
કપાસના વધી રહેલા ભાવ સામે ફેબ્રિકના ખર્ચને ટકાવી રાખવા દેશની સ્પિનિંગ મિલોએ મેન-મેઈડ ફાઈબરનો ઉપયોગ વધારી દેતા સિન્થેટિક ટેકસટાઈલ ખેલાડીઓને મોટું બળ મળ્યું છે. વર્તમાન વર્ષમાં કપાસનું ઉત્પાદન ઓછું રહેવા ધારણાં મુકાઈ રહી છે.
ફેબ્રિક મિકસમાં મેન-મેઈડ ફાઈબરનો ઉપયોગ છેલ્લા કેટલાક મહિનાથી ૪૦ ટકા પરથી વધી ૪૫ ટકા સુધી પહોંચી ગયો હોવાનું ઉદ્યોગના સુત્રો અંદાજ મૂકી રહ્યા છે. ફેબ્રિક મિકસમાં કપાસનો ઉપયોગ ૬૦ ટકા પરથી ઘટી ૫૫ ટકા થયો હતો.
આ ફેરબદલ છતાં બ્લેન્ડેડ ફેબ્રિકસમાં વૈશ્વિક સ્તરે મેન-મેઈડ ફાઈબરના થતાં સરેરાશ ૭૦ ટકા ઉપયોગની સરખામણીએ ભારત ઘણું પાછળ છે. છેલ્લા એક મહિનામાં કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૧૮૦૦ પરથી વધી રૂપિયા ૧૩૨૦૦ પર પહોંચી ગયા છે આની સરખામણીએ મેન-મેઈડ ફાઈબર ૩૫થી ૪૦ ટકા સસ્તા પડે છે એમ ઉદ્યોગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ટેકસટાઈલ બ્લેન્ડસમાં કુદરતી ફાઈબર્સ કરતા મેન-મેઈડ ફાઈબરનો વધુ હિસ્સો રાખવાના વૈશ્વિક ટ્રેન્ડ સાથે ભારત પણ તબક્કાવાર કદમ મિલાવી રહ્યું છે. આને કારણે ટેકસટાઈલની નિકાસમાં વધારો થશે, ખાસ કરીને સ્પોર્ટસવેઅર સેગમેન્ટમાં જેમાં, ભારત લગભગ નહીંવત સ્થાન ધરાવે છે અને નાના દેશોએ મોટો બજાર હિસ્સો મેળવી લીધો છે.
કેઝયુઅલ અને સ્પોર્ટસવેઅર માટેની માગમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા વપરાશકારોની પસંદગી કપાસમાંથી પોલિયેસ્ટર જેવા મેન-મેઈડ ફાઈબર્સ તરફ વળી રહી હોવાનું પણ સુત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશમાં કપાસના વાવેતરમાં થઈ રહેલા ઘટાડા પણ આ માટે કારણભૂત હોવાનું મનાય રહ્યું છે. સિન્થેટિક ટેકસટાઈલ ખેલાડીઓ દ્વારા તાજેતરમાં ક્ષમતામાં કરાયેલા વધારા ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિયેસ્ટર માટેની માગ વધી રહી હોવાના સંકેત આપે છે.
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ૨૦૧૮-૧૯ના વર્ષમાં કપાસનું ઉત્પાદન ૩.૧૫ કરોડ ગાંસડી રહેવાનો અંદાજ મૂકયો છે જે ગયા વર્ષના ૩.૬૫ કરોડ ગાંસડીની સરખામણીએ ૧૪ ટકા નીચું છે. ઉત્પાદન અંદાજ નીચા મુકાતા કપાસના ભાવમાં તાજેતરમાં વધારો થયો હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJ6C8d
No comments:
Post a Comment