ભાદર ડેમમાં જળ જથ્થો દર્શાવતી લેવલ પટ્ટી જ એકાએક થઈ ગાયબ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

ભાદર ડેમમાં જળ જથ્થો દર્શાવતી લેવલ પટ્ટી જ એકાએક થઈ ગાયબ



જેતપુર,તા. 3 મે 2019, શુક્રવાર

સૌરાષ્ટ્રનો બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં જળરાશી સરકારી આંકડાઓ કરતા ઓછી છે. આ જળરાશીની ખરી વાસ્તવિકતા પ્રજા સમક્ષ આવે તો ઉહાપોહ મચી જાય તેમ હોય ખરી વાસ્તવિકતા પ્રજા સમક્ષ ન આવે તે માટે હયાત જળરાશી કરતા વધુ જળરાશી સરકારી આંકડાઓમાં બતાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ શંકા દ્રઢ એટલા માટે વધુ બને છે કે ડેમમાં પાણીનો જથ્થો દર્શાવતી લેવલ પટ્ટી જ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ થઈ ગઈ છે.

ઇ.સ.૧૯૬૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઈના હેતુથી બનાવેલો ભાદર ડેમ ૩૪ ફુટની ઊંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૦ એમસીએફટીની છે. છેલ્લા ૫૬ વર્ષથી અડીખમ ઉભેલો આ ડેમ અત્યાર સુધીમાં ૨૨ વખત ઓવરફલો થયો છે. 

આ ડેમ જેતપુર, રાજકોટ, રાજકોટ રુડા, અમરનગર જૂથ યોજના ખોડલધામ, તેમજ વીરપુર સહિતના ગામોની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પુરુ પાડે છે. આમ, તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ૭૯ કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ત્રણ જિલ્લાના ૪૬ ગામોની ૩૬૮૪૨ હેકટર જમીનને પણ સિંચાઈનું પાણી પુરુ પાડે છે.

હાલ બરાબરનો ઉનાળો તપ્યો છે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે. જેમાં ભાદર ડેમમાં હાલ ૩૩૮ એમસીએફટી પાણીનો જથ્થો હોવાનું અને તે લગભગ ૧૫ જુન સુધી ચાલશે તેમ ડેમ સાઈટ પરના ઇજનેર સી.કે. નાઘેરાએ જણાવ્યું હતું. એટલે કે સરકારી આંકડાઓ મુજબ ચોમાસાના આગમન સુધીનો પાણીનો જથ્થો ડેમમાં હયાત છે.

પરંતુ ડેમ સાઈટ પર જઈ ખરી વાસ્તવિકતા જોતા ડેમમાં કેટલો પાણીનો જથ્થો છે તે કોઈ પણ સરકારી અધિકારીને પુછયા વગર જાણવું હોય તો ડેમમાં જેતપુરની મુખ્ય નહેર પાસે એક લેવલ પટ્ટી આવેલ હતી. પરંતુ ત્રણેક દિવસ પૂર્વેથી આ લેવલ પટ્ટી ત્યાંથી ગુમ થઈ ગઈ છે.

જેથી ડેમમાં પાણીનો કેટલો જથ્થો છે તે સરકારી આંકડાઓ કહે તે મુજબ જ માનવું પડે આ લેવલ પટ્ટી દુર કરવાનું કારણ અંગે જાણવા મળતી વિગત મુજબ ડેમમાં હયાત પાણીનો જથ્થો લગભગ ૩૧મે સુધી જ માંડમાંડ ચાલે તેમ છે અને જેતપુર શહેરને તો ડેમમાં ધોરીયા કરીને નગરપાલિકાની નહેર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેથી ડેમમાંથી પાણી મેળવતા શહેરો-ગામોની ૨૨ લાખ જેટલી પ્રજામાં અત્યારથી ઉહાપોહ ન થાય અને સરકાર સામે કોઈ પડકાર ન સર્જે તે માટે પાણીનો જથ્થો હયાત કરતા વધુ બતાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DN0hkt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages