
રાજકોટ, તા. 3 મે 2019, શુક્રવાર
૪૦ ફુટ રોડ પર શ્યામલ સિટી સોસાટીમાં બ્લોક નંબર એ/૪૨ માં રહેતા અને પટેલ નગરમાં કારખાનું ધરાવતાં વિપુલ કિશોરભાઈ વેકરીયાનાં મકાનમાં પરિવારનાં દસ સભ્યોને ઉંઘતા રાખી ૧૩.૯૨ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
પોલીસે જણાવ્યું કે ગઈ તા.૨૫મીએ રાત્રે વિપુલભાઈ અને તેનાં પરિવારનાં દસેક સભ્યો જુદા જુદા રૂમમાં સૂતા હતા ઉપરનાં માળે આવેલા રૂમમાં તેનાં પિતાં સૂતા હતાં. ત્યારે બીજા રૂમનો દરવાજો ખુલ્લો હતો બાજુનાં મકાનની અગાશી પર જઈ તસ્કરો તેનાં સીડી રૂમમાંથી નીચે આવી બીપીનભાઈ જે રૂમમાં સૂતા હતા ત્યાં કબાટની તિજોરીમાંથી ધંધા માટે રાખેલા ૧૨ લાખ ચોરી ગયા હતાં. તેનાં રૂમમાં એરકન્ડીશનર ચાલુ હતું આમ છતાં દરવાજો બંધ નહી કરતાં તસ્કરોને દોડવું હતું ને ઢાળ મળી ગયા જેવા સ્થિતિ સર્જાઈ હતી. વળી તેની ઉંઘ પણ ઉડી ન હતી.
તસ્કરો ટેબલનાં ખાના પરથી મળી કુલ ચાર મોબાઈલ, ટેબલનાં ડ્રોઅરમાંથી ૧.૫૦ લાખનો ૧૧ તોલાનો સોનાનો ચેન મળી કુલ ૧૩.૯૨ લાખની મતા ચોરી ગયા હતાં. જે અંગે જે તે વખતે તાલુકા પોલીસે અરજી લઈ લીધી હતી. તેનાં આધારે આજે ગુનો દાખલ કર્યો હતો. આસપાસમાંથી પોલીસને તસ્કરોનાં સીસીટીવી ફુટેજ નહીં મળતાં મુશ્કેલી સર્જાઈ છે. તાલુકા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલવા દોડધામ જારી રાખી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WvV8EI
No comments:
Post a Comment