
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ સત્યની સામે શક્તિનું જ ત્રાજવું નમે છે
યમનમાં અઢી લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, માનવતાવાદ માત્ર કલ્પનાની વાત છે
ફારસની ખાડી અને ઓમાનના અખાત વચ્ચે હોર્મુજ સામુદ્રધુની આવેલી છે. ત્યાં અમેરિકાએ પોતાનું વિમાન વાહક જહાજ તૈનાત કર્યું છે. ઈરાન પર અનેક પ્રકારની નિકાસબંધી તો લાદી જ દેવામાં આવી છે ત્યારે તેનું યોગ્ય અમલીકરણ થાય તેના માટે સમુદ્રમાં નાકાબંધી પણ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે જ્યારે તમે કોઈ દેશના સમુદ્રમાં યુદ્ધ જહાજ લાંગરો તેનો સીધો અર્થ યુદ્ધ પ્રક્રિયા થાય. સરળ ભાષામાં કહીએ તો હાથ ટ્રિગર પર છે. બે દેશ યુદ્ધના ઉંબરે ઊભા છે. આ સમગ્ર રમત ખનીજતેલ માટે ખેલાઈ રહી છે.
દેવ અને દાનવ વચ્ચે કયા સમુદ્રનું મંથન કરવામાં આવતું હતું એ તો ખબર નથી, પરંતુ માનવ અને માનવ વચ્ચે જો લાંબા સમયથી કોઈ મંથન થઈ રહ્યું હોય તો તે ખનીજતેલનું મંથન. દેવો-દાનવોએ કરેલા મંથનમાંથી હીરા, માણેક અને અમૃત મેળવવાનો આશય હતો. ખનીજતેલના મંથનમાંથી માત્ર ખનીજતેલ મેળવવાનો આશય રહ્યો છે. એ જ હીરા, માણેક, મોતી અને અમૃત છે. ૨૧મી સદીની રાજનીતિ પણ ડેટા, ટેકનોલોજી વગેરેને બદલે ખનીજતેલની ફરતે ઘૂમી રહી છે અને તેના સિંઘાસન પર બેઠું છે અમેરિકા.
ક્યુબન કટોકટી વખતે સોવિયેત સંઘ પર દબાણ લાવવા અમેરિકાએ અત્યારે ઈરાનના સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલ્યું છે તેવી જ કાર્યવાહી કરી હતી. ઈરાનમાં અમેરિકાનું ખનીજતેલનું રાજકારણ દાયકાઓ જૂનું છે. ઈરાનનું તેલ ક્ષેત્ર કબજે કરવા અમેરિકાએ તેના વડા પ્રધાન મોસાદિકનો દાયકાઓ પહેલા તખ્તા પલટ કરાવેલો. તેના સ્થાને રજાશાહ પહેલવીને બસાડયો. ૧૯૪૫-૪૬માં ઈરાનના તેલક્ષેત્રો એન્ગ્લો-અમેરિકન કંપનીના હાથમાં હતા. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિમાં રજાશાહ પદભ્રષ્ટ થયો. ધાર્મિક શાસન આવ્યું. અમેરિકાના હાથમાંથી એ તેલક્ષેત્રો જતા રહ્યા.
અત્યારે સાઉદી અરેબિયા અને અબુધાબીના તેલક્ષેત્રો પર અમેરિકાનું પરોક્ષ આધિપત્ય છે. ઈરાક અને અફઘાનિસ્તાનમાં પણ છે. વેનેઝુએલાના ખનીજતેલ ક્ષેત્રો કબજામાં લેવા નિકોલા મદુરોને હટાવવા ડોનલ્ડ ટ્રમ્પ કેટલાય મહિનાઓથી કાવાદાવા કરી રહ્યા છે.
ઑબામા કાળમાં સંયુક્ત રાષ્ટ્ર તથા સુરક્ષા સમિતાના પાંચ દેશો એમ છ પક્ષકારોએ મળીને ઈરાન સાથે પરમાણું કરાર કર્યા હતા. તેમાં ઈરાનને પરમાણું બોમ્બ બનવાતા રોકવાની વાત હતી. બદલામાં દાયકાઓથી દાયકાઓથી તેના પર લદાયેલા આર્થિક પ્રતિબંધો હળવા કરવાની શરત હતી. તેવું કર્યું પણ ખરું. ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે એવો મુદ્દો ઉપસ્થિત કરેલો કે ઇરાન પરમાણું કરારમાં ઈરાનને વધારે પડતી છૂટછાટ આપવામાં આવી છે. હું સત્તામાં આવીશ તો આ કરાર રદ કરીશ.
ગત વર્ષે તેઓ ઈરાન સાથેના પરમાણું કરારમાંથી ખસી ગયા. ઈરાને તાજેતરમાં ઘોષણા કરી કે અમેરિકા પરમાણું કરારમાંથી ખસી ગયું છે ત્યારે હવે અમે પણ અમને તેની શરતોમાંથી મુક્ત કરીએ છીએ. અમે યુરેનિયમ અને હેવી વોટરનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ઈરાનના આવા નિવેદને સાઉદી અરેબિયાને ટેન્શનમાં નાખી દીધું છે અને એટલે જ તે હવે ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધે ચડવા પ્રેશર કરી રહ્યા છે. સુન્ની દેશોનું કેપ્ટન સાઉદી અરેબિયા શિયા ધાર્મિક રાષ્ટ્ર ઈરાનને લઈને જરા વધારે પડતું સંવેદનશીલ છે. તે યમનમાં હુતી વિદ્રોહીઓ સામે વર્ષોથી લડી રહ્યું છે અને ત્યાં અઢી લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. અમેરિકા ત્યાં સાઉદી અરેબિયા અને યુએઈની જેમ બોમ્બ વર્ષા નથી કરતું, પરંતુ બંને દેશોને ગુપ્તચરીય માહિતી તથા શસ્ત્રો પૂરા પાડતું રહ્યું છે.
હૂતી બળવાખોરોને ઈરાનનો સહયોગ છે અને ઈરાનને ત્યાં પરાસ્ત કરવા માટે સાઉદી અરેબિયા ત્યાંથી હટતું નથી. યમનમાંથી સાઉદી અરેબિયાનો હરિરસ ખાટો થઈ ચૂક્યો છે, પરંતુ ઈરાન સાથેની દુશ્મનાવટમાં તે લાશના ઢગલા કરવાનું બંધ કરવાનું નામ લઈ રહ્યું નથી. યમનમાં જે લોકો મરી રહ્યા છે તે આમ પબ્લિક છે. તેને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી. તેનો આમાં કોઈ વાંક-ગુનો નથી. મહિલા, બાળકો અને વૃદ્ધો પણ મરી રહ્યાં છે. દર ૧૨ મિનિટે યમનમાં એક બાળક મરી રહ્યું છે.
યુનાઇટેડ નેશન્સનો એક અભ્યાસ કહે છે કે જો યમનમાં ૨૦૨૨ સુધી યુદ્ધ ચાલશે તો મૃતકોની સંખ્યા ૪,૮૨,૦૦૦ થશે. ૨૦૩૦ સુધી ચાલશે તો મૃતકોની સંખ્યા ૧૮,૦૦,૦૦૦ થશે. સાઉદી અરેબિયા માત્ર પોતાનું વિચારે છે. યુવા પાટવીકુંવર મોહમ્મદ બિન સલમાનને લાશના ઢગલા પર રાજનીતિ કરવામાં કોઈ છોછ નથી. યમનમાં ત્રણ લાખ લોકો કોલેરાથી પીડાઈ રહ્યા છે. બાળકો સ્કૂલે જઈ શકતા નથી. આ બધા મુદ્દે વિચારનારું કોઈ નથી.
સૌપ્રથમ અમેરિકાએ ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર (ઈરાનની) સેનાને આતંકી જાહેર કરી. જવાબમાં ઈરાને તેની સંસદમાં અમેરિકી સેનાને આતંકી જાહેર કરતો ખરડો પસાર કરાવ્યો. અમેરિકાએ તેના ખનીજ તેલ પર પ્રતિબંધ મૂક્યો. ભારત, યુરોપિયન સંઘ, ચીન, જાપાન ઈરાન પાસેથી ખનીજતેલ ખરીદતા હતા, પણ અમેરિકા ખનીજતેલનો વેપાર સંપૂર્ણપણે પોતાના છત્ર હેઠળ લાવવા માગે છે. ભારતને ઈરાન પાસેથી ખનીજતેલ ખરીદવાના ફાયદા હતા, પણ આપણે અમેરિકાની શરતો સામે ઝૂકવું પડયું, કેમ કે અમેરિકાએ આપણને મસૂદ અઝહરને યુએન દ્વારા ત્રાસવાદી ઘોષિત કરવામાં મદદ કરી.
ભારતે ઈરાન પાસેથી ખનીજતેલ લેવાનું બંધ કરતા ચાબહાર પોર્ટ પરથી ભારતના વેપાર અને ઈરાન સાથેના અન્ય વ્યાપારી સંબંધો પર પણ અસર પડવાની. આ ખોટું છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારત અમેરિકાની ટોળકીનું સદસ્ય બનીને રહે એનો કોઈ વાંધો નથી, પણ એનો સરવાળે ફાયદો થવો જોઈએ. ન કે નકુસાન.
ટ્રમ્પનો મિજાજ ફરી ગયો એમાં આપણે ઈરાનનું ચાબહાર બંદર વિકસાવવાની કરેલી મજૂરીનું શું? આપણને આંતરરાષ્ટ્રીય બજારમાં ચીજોની આયાત નિકાસમાં ચાબહાર પોર્ટના કારણે જે લાભ મળવાનો હતો તે હવે મળી શકશે ખરો? આપણે જેમ ઈરાન પાસેથી ખનીજતેલ ખરીદતા તેમ ઈરાન પણ આપણી પાસેથી ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદતું.
તે એ બધું બંધ કરે તેમાં પણ આપણે નુકસાન વેઠવાનો વારો આવે. આપણને ચાર નુકસાન થાય છે. ૧) ઈરાનને આપણે ખનીજતેલના પૈસા ડોલરને બદલે રૂપિયામાં ચૂકવતા. ૨) ઈરાનનું ખનીજતેલ આપણને ગામ કરતા સસ્તું પડતું. ૩) ચાબહાર પોર્ટ પરનો આપણો અધિકાર જતો રહે તો માલના પરિવહનમાં ભારતને જે ફાયદો મળવો જોઈએ તે મળી શકશે નહીં. ૪) ઈરાન આપણી પાસેથી માલ ખરીદવાનું હતું તે પણ તે બંધ કરી દે એવી શક્યતા રહે છે.
આ ચારેય નુકસાન સરભર કરવાનો અમેરિકા આપણને શું વિકલ્પ આપશે? તે જોવાનું રહે. તે નુકસાન સરભર ન થતા હોય તો અમેરિકાની હામાં હા મિલાવવી એ ભારત માટે ખોટનો સોદો છે. એ બે દેશ વચ્ચે જે ઝઘડો હોય તે એ બંને દેશ જોવો જોઈએ. ઈરાન ભારત માટે પોઝીટીવ રહ્યું છે ત્યારે ભારતે પોતાનો ફાયદો જ જોવો જોઈએ.
ભારતના ફાયદા-નુકસાન વિશે વાત કરતા હતા તેમાં મૂળ વાત જરા બાજુ પર રહી ગઈ તેના પર પાછા આવીએ. અમેરિકાએ ઇરાનના ખનીજતેલ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેની ધાતુ નિકાસ પર પણ પ્રતિબંધિત કરી. ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા.
આજે સ્થિતિ એવી છે કે ઈરાન અને અમેરિકા યુદ્ધના દરવાજે ઊભેલા છે. બેમાંથી એક પણ દેશ જો ભૂલ કરશે તો યુદ્ધ ફાટી નીકળશે. ૧૯૮૮માં જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન વધી ગયું હતું ત્યારે પણ યુનાઇટેડ સ્ટેટ્સે ફારસની ખાડીમાં પોતાનું યુદ્ધ જહાજ લાંગર્યું હતું, એટલું જ નહીં ભૂલથી ઈરાનના એક યાત્રિક વિમાન પર ગોળો દાગી દીધો અને તેમાં બેસેલા ૨૯૦ યાત્રીઓ મરી ગયેલા. નાનકડી ભૂલ બંને દેશને યુદ્ધમાં હોમી દેશે.
અમેરિકાનો એક સર્વે કહે છે કે અમેરિકાની પ્રજા ઈરાન સાથેનું યુદ્ધ ઈચ્છતી નથી. તેઓ કોઈ સાથે યુદ્ધમાં પડવા માગતા નથી. તેમનું કહેવું છે કે ઈરાક સામેના યુદ્ધથી અમેરિકાને છ ખરબ ડોલરનું નુકસાન ગયેલું. એટલા ડોલર જો અમેરિકાના વિકાસમાં ખર્ચ કરવામાં આવ્યા હોત તો અમેરિકાની શકલ-સૂરત બદલાઈ ચૂકી હોત.
ઓછા તો ઓછા પણ ગરીબ તો અમેરિકામાંય છે. કરજદારો તો અમેરિકામાંય છે. સમસ્યાઓ ત્યાંય છે. અમેરિકાની જનતા માને છે કે ટ્રમ્પ સરકારે યુદ્ધ પાછળ પૈસા ખર્ચવાને બદલે વિકાસ પાછળ ખર્ચવા જોઈએ. ટ્રમ્પ તેમનું સાંભળે નહીં એ વાત અલગ છે. અમેરિકાનું વાર્ષિક બજેટ એક ખરબ ડોલરનું છે. ઈરાક યુદ્ધના ખર્ચમાંથી અમેરિકાના છ બજેટ બની ગયા હોત.
દાયકાઓથી અમેરિકા ખનીજતેલ માટે જે રાજનીતિ રમી રહ્યું છે તે જોતા લાગે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં માનવતાવાદ અને નૈતિક મૂલ્યોનું કોઈ સ્થાન નથી. ત્યાં તો એક જ મંત્ર ગૂંજે છે, શક્તિ મેવ જયતે. બળિયાના બે ભાગ. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આ જ બધું ચાલતું હોય ત્યારે આપણે કંઈ એવી અપેક્ષા નથી રાખતા કે ભારત સત્યનો ઝંડો ઊંચકીને ફરે, પણ સાથોસાથ એ પણ જોવું જોઈએ કે અમેરિકાના જૂથમાં સામેલ થવાથી ઈરાન સાથેના વ્યાપારમાં ભારતને એટલું મોટું નુકસાન તો નથી થઈ જતું ને કે જે સરભર ન થઈ શકે.
બર્મિંઘહામ યુનિવર્સિટીના રાજનીતિના પ્રોફેસ સ્કોટ લુકાસ કહે છે કે ઈરાન અમેરિકા સામે લડવા માગતું નથી. તે આને આત્મહત્યા માને છે. તે જાણે છે કે જો યુદ્ધ થાય તો તે અમેરિકા સામે ટકી શકે તેમ નથી.
ન્યુયોર્ક મેગેઝિનના પત્રકાર હિદર હલબર્ટે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન બંને યુદ્ધ ટાળવા માગશે, પણ ડોનલ્ડ ટ્રમ્પ ઇરાન વિરોધી જ્હોન બોલ્ટનની વાતમાં આવી જશે તો યુદ્ધ નિશ્ચિત છે.
હોય નહીં
દક્ષિણ કોરિયામાં પ્રતિ એક લાખની વસ્તીએ ૨૭૧ એટીએમ
ટેકનોલોજીને કારણે વધુને વધુ લોકો સુધી બેન્કિંગ સુવિધા પહોંચી રહી છે. ત્યારે જાણવું જોઈએ કે કયા દેશમાં એટીએમની સંખ્યા કેટલી છે. જેટલા એટીએમ વધુ એટલી બેંકિંગ સુવિધા વધારે સારી. વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ એટીએમ દક્ષિણ કોરિયા પાસે છે. પ્રતિ એક લાખ વ્યક્તિ ૨૭૧ એટીએમ. કેનેડામાં દર એક લાખ વ્યક્તિ દીઠ ૨૨૭ એટીએમ છે. અમેરિકામાં એક લાખની વસ્તીએ ૧૭૩ એટીએમ છે.
રશિયામાં ૧૬૩ છે. બ્રિટનમાં ૧૨૮ છે. બ્રાઝિલમાં ૧૦૬ અને ચીનમાં ૮૧ છે. ભારતમાં દર એક લાખની વસ્તીએ ૨૨ એટીએમ છે. નાઇજિરિયામાં ૧૬ અને પાકિસ્તાનમાં દર એક લાખની વસ્તીએ ૧૦ એટીએમ છે. ભારત પાકિસ્તાન કરતા આગળ છે, પરંતુ આપણે આપણી તુલના પાક સાથે કરવાને બદલે ચીન, અમેરિકા સાથે કરી દેશમાં ઓટોમેટિક ટેલર મશીન વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.
આજની નવી જોક
છગનઃ હમણા રાતે ઊંઘ નથી આવતી.
મગનઃ રાતે ટેન્શન લઈને સૂતો હોઈશ એટલે એવું થતું હશે.
છગનઃ એટલે? તારું કહેવું એમ છે કે હું લીલીને પિયર મોકલી દઉં!?
મગનઃ સહી પકડે હૈ!
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EzFUrp
No comments:
Post a Comment