
ભારતીય મતદારોએ ફરીવાર નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે અને હવે મિસ્ટર મોદીની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ રહી છે. પરિણામો પછી વડાપ્રધાને કરેલી વાતોનો એક સાર એ હતો કે કાર્ય પ્રણાલિકા અને નિર્ણયમાં કદાચ તેમનાથી કોઈ ભૂલ થઈ શકે પરંતુ તેમની ભાવના, નિષ્ઠા અને દાનત ઉચ્ચ સ્તરના જ હશે. જો કે આ વાત તેમણે ન કહી હોત તો પણ ચાલત, કારણ કે એમ માનીને જ તો પ્રજાએ એમને મત આપ્યા છે.
નવી એનડીએ સરકાર સામે અનેક પડકારો છે, પરંતુ સરકારમાં શાસક પક્ષના સાતત્યને કારણે એ સમસ્યાઓને પહોંચી વળવાનું કામ આસાન બની જાય છે. જે વિશ્વાસ અને ઉમળકાથી પ્રજાએ ભાજપ અને તેના સાથીદારોને મત આપ્યા છે તેનો પ્રત્યુત્તર પોતાના ઉમદા લોકસેવાના કાર્યોથી ભાજપે આપવો પડશે. નહેરુ યુગ પછી કોઈ વડાપ્રધાનના પક્ષમાં મતનો મહાનદ વહાવીને મજબૂત અને સ્થિર સરકાર માટે પ્રજાએ પોતાનો અવાજ વ્યક્ત કર્યો છે.
ભાજપે પોતાની જ તાકાત પર એક કાર્યકાળ પૂરો કરીને બીજી વખત સત્તામાં આવનાર પ્રથમ બિનકોંગ્રેસી પાર્ટી હોવાનું ગૌરવ મેળવી લીધું છે. છેલ્લા પાંચ વરસમાં સત્તાધારીઓ પર વિપક્ષે અનેક આક્ષેપો કર્યા છતાંય લોકોનો સરકાર પરથી ભરોસો ઉઠી ગયો નથી, એની ખાતરી પરિણામોએ આપી છે, અને ખાતરી કરાવી છે. છતાં ભાજપ માટે આ પુનરાવર્તિત સફળતા મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે ફરી વાર સાંપડેલી તક છે.
મિસ્ટર મોદીનો ચહેરો ભારતીય પ્રજાની આશાનું હજુય કારણ અને કિરણ બન્ને છે. વિરોધ પક્ષોની કંગાળ માનસિકતા અને નળિયાથી તળિયા સુધીના ભારત વિશેનું અજ્ઞાાન તેમને ભારે પડયું છે. ભારતીય રાજકારણને વાકછટાનો મનોવ્યાપાર બનાવવાની દિશામાં મોદીના ચૂંટણી પ્રચાર વ્યાખ્યાનો રાજ્યશાસ્ત્રનો કોઈ પણ ભાવિ વિદ્યાર્થી માટે એક મહત્વની આધાર સામગ્રી બની જશે.
લોકોના દિલ અને દિમાગ સુધી પહોંચવાની જે કળા મિસ્ટર મોદી પાસે છે તે વિશિષ્ટ છે, વળી એ કળાને તેઓ સતત અપડેટ કરતા રહે છે. એક સામાન્ય એકિઝકયુટિવ મિટિંગમાં પણ એકમતી સાધવાનું કામ અઘરું હોય છે ત્યારે આખા દેશને ધ પાઇપર (વાંસળીવાળો)ની જેમ પોતાના સ્વર પાછળ તાણી જવાનું કામ આસાન નથી, એ માટે જે કંઇ જોઈએ તે તમામ ક્ષમતા મોદીની વાણીમાં વિદ્યમાન હોય છે. કોંગ્રેસના નેતાઓ જ્યારે વિશાળ સભાને સંબોધન કરે છે ત્યારે તેમનો તાર લોકચિત્ત સાથે જોડાતો નથી. આ વખતના ચૂંટણી પરિણામોએ કેટલાક પ્રાદેશિક પક્ષોની સાન ઠેકાણે લાવવાનું પણ કામ કર્યું છે.
આ પ્રાદેશિક પક્ષો ક્યારેક ભારતથી અલગ જ ભોમકા પર વિહાર કરતા હોવાના ખ્યાલમાં રાચવા સુધી પહોંચી જાય છે. મમતા બેનરજીનું જે વૈચારિક પતન થયું જેને કારણે એણે અનિષ્ટ તત્વોને છુટ્ટો દોર આપ્યો એ બંગાળની સાથે સમગ્ર દેશે પણ જોયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના પાયા ઊંડા થયા છે.
ભાજપને એક પણ બેઠક ન મળે એ માટે આકાશ પાતાળ એક કરનારા મમતા પાસેથી અઢાર બેઠકો આંચકીને ભાજપે જે પોલિટિકલ ક્રેડિટ મેળવી છે તે ભારતભરના અન્ય રાજ્યોના વિજયની લગોલગ છે. તૃણમુલ કોંગ્રેસે મેળવેલી બાવીસ બેઠકો કઈ રીતે મેળવી છે તે પણ સહુ જાણે છે. આ વખતે ભાજપે બંગાળમાં જે ધમાસાણ મહામંથન કર્યું એને કારણે મમતા બેનરજીના ભવિષ્ય પર ધુમ્મસ છવાઈ ગયું છે.
આ વખતની નવી ઇનિંગમાં એનડીએ પાસેથી દેશની અપેક્ષાઓ વધશે. હવે ખુદ ભાજપ અને પ્રજા બંને સમજે છે કે કોઈ ચમત્કારને અવકાશ નથી. આયોજન, મહેનત, સોફટવર્ક અને હાર્ડવર્ક તથા આર્થિક સભાનતાથી એક એક ડગલું ભરીને જ વિકાસનો પહાડ સર કરી શકાશે. મોદીના પુનરાગમનથી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનું હવે સાતત્ય જળવાશે, એમાં વધુ નાણાંની ફાળવણી પણ થશે અને જે ગ્રામીણ ગરીબ મતદારોને મોદીએ પોતાના પ્રભાવમાં સમાવી લીધા છે તેમના સુધી કેન્દ્ર સરકારની હૂંફ પહોંચી શકશે.
નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર દેશની તમામ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા અને સ્વાયત્તતાની પુનઃસ્થાપનાનો છે, જો એ કામ પણ તેઓ કરી શકશે તો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં તેમને વધુ એક ઉચ્ચ આસન અને સન્માન પ્રાપ્ત થશે. આટલી બધી ચિક્કાર બહુમતી અને પ્રજાનો આટલો પ્રેમ મળે એ શાસકે પછી કોઈ પણ સંસ્થાની સ્વાયત્તતા કે સ્વતંત્રતાથી ગભરાવાની શી જરૂર ?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X68nMU
No comments:
Post a Comment