
રાષ્ટ્રપતિ નિવૃત થાય ત્યારે દેશમાં એમની પસંદગીની જગ્યાએ એક ભવ્ય બંગલો એમને આપવામાં આવે છે. એક વખતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં સંખ્યાબંધ બેડરૂમનો બંગલો ફાળવાયો છે. ભૂતકાળમાં શ્રી વેંકટરામન રાષ્ટ્રપતિપદેથી નિૃત થયા ત્યારે તામિલનાડુમાં એક ખાસ બંગલો એમને માટે ખરીદવામાં આવ્યો હતો. આ બંગલામાં રહેવા જવા માટે દિલ્હીથી એક ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો ખર્ચ પણ કરોડો રૂપિયામાં થયો હશે.
હાલના રાષ્ટ્રપતિને બંગલો આપવાની આ પ્રથા તદ્દન ખોટી છે. પ્રજાના ખર્ચે નિવૃત્તિ પછીનું જીવન વિતાવવાને બદલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ આત્મ-નિર્ભર બનીને બાકીનો સમય વિતાવવો જોઈએ. દિલ્હીમાં અને બહાર આમ આ રીતે બંગલા ફાળવતી વખતે એ વાત ભૂલી જવાય છે કે આ દેશના કરોડો માણસો પાસે બિલકુલ રહેવાનું ઘર જ નથી. મુંબઈ અને દિલ્હીમાં હજારો લોકો કાં ઝૂંપડાંમાં રહે છે કાં ફૂટપાથ ઉપર પડયા રહે છે.
બીજી બાજુ રાષ્ટ્રપતિ જ નહીં પણ પ્રધાનો, સંસદસભ્યો અને રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ મહેલ જેવા મકાન મળે છે. એટલું જ નહીં પણ નોકર-ચાકર ઉપરાંત વિમાનમાં પ્રવાસ અને ટેલિફોનની પણ સગવડ એમને આપવામાં આવે છે. આ બધાનો સરવાળો કરીએ તો કુલ રકમ અબજોની થવા જાય છે. સંસદ સભ્યો દર પાંચ-દસ વર્ષે પોતાના પગાર-ભથ્થા અને બીજી સગવડોમાં વધારો કર્યે જ જાય છે.
સુપ્રિમ કોર્ટે દરેક રાજકારણીને સંસદ અને વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે એની શૈક્ષણિક લાયકાત અને મિલકત બતાવવાનું ફરજિયાત બનાવ્યું ત્યારે એ દરખાસ્તને સંસદમાં આ જ રાજકીય પક્ષોએ સર્વાનુમતે નકારી કાઢી હતી. આવી સર્વાનુમતિ જો દેશના નિર્માણના બીજા ખરડાઓમાં દર્શાવાય તો દેશની કાયાપલટ થઈ જાય.
આમ મોટા હોદ્દા પર બેઠેલા રાજકારણીઓ દેશની તિજોરી વ્યવસ્થિત રીતે લૂંટી રહ્યા છે. પણ આ લૂંટ તો કાયદેસરની છે. ભૂતપૂર્વ નાણાંપ્રધાન જશવંત સિંઘે કહ્યું તેમ દેશની બેંકોમાંથી લોનો મેળવીને ભરપાઈ ન થઈ જાય એનો કુલ આંકડો ૮૩,૦૦૦ કરોડનો થાય છે. એક અંગ્રેજી અખબારે લખ્યું છે તેમ દેશનો નાગરિક થોડા લાખ રૂપિયા ચોરે તો એ ચોર કહેવાય. પણ થોડા હજાર ચોરે તો એને ઉદ્યોગપતિ કહેવાય. નાણાંપ્રધાને પોતે કહ્યું તેમ આ દેવું નથી પણ ખુલ્લી લૂંટ છે.
જ્યારે એક સભ્યે એમ કહ્યં કે વડાપ્રધાનના સલાહકાર મંડળના એક સભ્ય પણ આમાં સંડોવાયેલા છે ત્યારે નાણાંપ્રધાનનો જવાબ હતો કે આની તપાસ ચાલી રહી છે. અફસોસની વાત એ છે કે સંખ્યાબંધ કંપનીઓ ઉપર અબજો રૂપિયાનું દેવું હોય છે છતાં એમના માલિકોને કોઈ આર્થિક પ્રશ્નો હોતો નથી.
ભૂતકાળમાં ઉદ્યોગોના એક પ્રતિનિધિમંડળે કેટલીક નબળી બેંકોને બંધ કરી દેવાની ભલામણ કરી ત્યારે ખબર પડી કે દેવાદારમાં કેટલાક લોકો તો એ સમિતિના સભ્યો જ છે, ત્યારે એ ભલામણને અભેરાઈએ ચડાવી દેવામાં આવી. વર્ષોથી સંખ્યાબંધ જાહેરક્ષેત્રની બેંકો ખોટ કરી રહી છે અને એનું કારણ અબજો રૂપિયાનું આ ખોટું દેવું જ છે. આ દેવું હવે આપણે ત્યાં એવી જંગી કક્ષાએ પહોંચ્યું છે કે, એને રોકવાના તાત્કાલિક પગલાં ન લેવાય તો સમગ્ર અર્થતંત્રને એ તોડી નાખે.
જાપાન ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયા અને હવે અમેરિકા પણ આ દૂષણથી પીડાઈ રહ્યું છે. આપણા દેશમાં આ દૂષણને રોકવા માટેનો એક ખરડો સંસદમાં રજૂ થઈ ગયો છે. આ ખરડાની જોગવાઈ મુજબ લોન ભરપાઈ નહીં કરનારી કંપનીઓના વહીવટ જરૂર પડે સંભાળી લેવાની સત્તા આપવામાં આવી છે. જો કે કેટલીક ચેમ્બરોએ આમાં હેતુપૂર્વક અને નિર્દોષતાથી નહીં ભરાતી લોનો વચ્ચે ફરક પાડવો જોઈએ એવી દલીલ કરી છે પણ એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે તમારા ગ્રાહકો વચ્ચે પણ આવો ભેદ કરશો ત્યારે ચેમ્બર ચૂપ થઈ ગઈ હતી.
અલબત્ત, બધી જ કંપનીઓ આ શ્રેણીઓમાં આવતી નથી. પણ થોડી કંપનીઓની ભૂલને લીધે આખું કોર્પોરેટ ક્ષેત્ર બદનામ થાય છે. સાચી વાત એ છે કે આવી લોનો મંજૂર થાય ત્યાર પછી આવવાની નથી એની અધિકારીઓને ખબર જ હોય છે. આવી ઠંડી નીતિ આપવામાં આવી એટલે જ ભરપાઈ નહીં થયેલી રકમનો આંકડો આટલો મોટો થઈ ગયો. આમાંથી મોટો ભાગની કંપનીઓ બહુ સદ્ધર હોય છે અને ધારે તો લોનો ભરપાઈ કરી શકે એવી એમની સ્થિતિ હોય છે.
આપણા દેશમાં જાહેરક્ષેત્રની જે માયાજાળ વિસ્તરી ચૂકી છે એને કારણે અબજો રૂપિયા એમાં રોકાયેલા પડયા છે. દેશમાં ઠેર-ઠેર મોટી મોટી હોટલોની માયાજાળ ફેલાયેલી છે. હમણાં એવી માહિતી બહાર આવી હતી કે કેન્દ્રના એક પ્રધાન માટે પટણાની એક હોટલમાં કાયમ માટે બે ડઝન જેટલી રૂમ અનામત રાખવામાં આવી હતી. આવી રીતે ઠેર-ઠેર પ્રધાનો અને સંસદસભ્યોના નામે આખી હોટલો બુક થાય છે. એના એક રૂમનું ભાડુ હજારો રૂપિયાનું થવા જાય છે.
સદ્નસીબે હવે આ સરકારી હોટલો અને બીજી જાહેર કંપનીઓમાં ખાનગીકરણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. એમાંથી સરકારને અબજો રૂપિયા મળવાની ધારણા છે. મુશ્કેલી એ છે કે સરકાર એક રસ્તે નાણાં મેળવે છે અને બીજે રસ્તે એ નાણાં ખર્ચી પણ નાખે છે. જો આ પ્રવાહ રોકીને ખરેખર બચત કરવામાં આવે તો અર્થતંત્રની કાયાપલટ થઈ જાય અને આટલા ભારે કરવેરા નાખવા પણ ન પડે.
દેશમાં વીજળીના ભાવ સતત વધતા જ જાય છે. એ જ રીતે બસનાં ભાડાં પણ સતત વધે છે. કેટલાંય રાજ્યોમાં દેવા હેઠળ કચડાયેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. દેશમાં માત્ર ૭૪ હજાર વ્યક્તિઓ વાર્ષિક દસ લાખ રૂપિયા કમાય છે. આવકવેરો ક્યા સિનેમા એકટર પાસેથી કેટલો બાકી છે એના આંકડા અવારનવાર રજૂ થાય છે. પણ એમને કોઈ પ્રકારની આર્થિક કે સામાજિક શિક્ષા થતી નથી. એ જ રીતે ઢગલાબંધ રાજકારણીઓ પણ કોઈ જાતના વેરા ભરતા નથી.
એક સંસદ સભ્યને ૧૫ હજાર ટેલિફોન કોલ મફત કરવાની સગવડ હોય છે. આટલા કોલ કરવા માટે રોજ વીસથી પચ્ચીસ મિનિટનો સમય લાગે, પણ આ સંસદસભ્ય દેશના અત્યંત ગંભીર પ્રશ્નોની ચર્ચા માટે સંસદમાં હાજર પણ રહેતા નથી. રાજ્યોની વિધાનસભાઓ તથા સંસદની ચૂંટણી કેટલીકવાર છાશવારે યોજાતી હોય છે. ચૂંટણી પછી જે નવી સરકાર આવે એ પહેલાં તો ઝપાટાબંધ બદલીઓ કરે છે. પરિમામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. એટલું જ નહીં પણ વહીવટમાં પણ ભારોભાર વિલંબ થાય છે.
આવી રીતે સામુહિક બદલીઓ ન થાય તો જ વહીવટ સુધરે અને ગરીબ દેશના પૈસા પણ બચે. પણ આપણા દેશનું રાજકારણ જે દિશામાં વળાંક લઈ રહ્યું છે એ જોતાં એમાં કોઈ ફેરફાર થવાની આશા રાખવી નકામી છે. માત્ર સંસદ અને વિધાનસભા જ નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સુધરાઈઓ તથા પંચાયતોમાં પણ સતત પક્ષપલટા અને રાજ ખટપટ ચાલતી રહે છે. પરિણામે, પ્રજાકીય કામો માટે સમય જ રહેતો નથી. રાષ્ટ્રપતિથી માંડી સુધરાઈ સભ્ય સુધી બધા જ રાજકારણીઓ દેશની સંપત્તિ ઉડાવી દેવામાં જ મશગૂલ છે.
પરિણામે ધીમે ધીમે સામાન્ય માણસનો વિશ્વાસ લોકશાહીમાંથી જ ઊઠતો જાય છે. આપણે ત્યાં એવું નથી કે સારા અને પ્રમાણિક નેતાઓની ખોટ છે. રાષ્ટ્રપતિપદે બિરાજમાન મોટા ભાગના નેતાઓ બીજી રીતે અત્યંત શેદ્ધ અને પ્રમાણિક હોય છે. જો કે એમાં પણ ડો. રાધાકૃષ્ણન્ અને ઝાકીર હુસેન જેવા માણસોની હવે ખોટ સાલે છે. એ બધા નેતાઓ તદ્દન સાદા અને કરકસરવાળા હતા. આવી નેતાગીરી ફરીથી આપણને મળે એવું ઈચ્છીએ.
અબજો રૂપિયાની ચોરી કરીને ભાગી ગયેલા શ્રી વિજય માલ્યા અને નિરવ મોદી હજુ સુધી હાથમાં આવ્યા નથી. કાળાનાણાની આ સંતાકૂકડી ચાલતી જ રહે છે. જે દાઉદ ઇબ્રાહીમથી શરૂ થયેલી છે. તાજેતરમાં શાહરૂખને ચમકાવતી ફિલ્મ 'રઈસ' રજૂ થયેલી જેમાં લતીફની વાર્તા હતી. આ જ રીતે વડોદરાનો રાજુ રીસાલદાર પણ મહા ગીલીન્ડર હતો. તામીલનાડુનો વિરપ્પન મહાચંદનચોર હતો જે એન્કાઉન્ટરમાં માર્યો ગયો. એ જ રીતે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર દરરોજ કરોડો લીટર દારૂની હેરાફેર થાય છે.
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે એ ભલામણ કરીને જેમનું વિદેશ રોકાણ લંબાવ્યું અને પોર્ટુગલ મોકલ્યો એ લલીત મોદી પણ અત્યારે વિદેશ નાસતા ફરે છે આમ આપણે ગરીબ અને બેકાર દેશ છીએ છતાં રોજના લાખો અને કરોડોના ગોટાળા થતાં જ રહે છે.
એલ.સી.બી. જેવું ખાતું દરરોજ અમલદારોને પકડે છે પણ એ રકમ બહુ નાની હોય છે અને સરકારી ચોપડે બતાવવા પૂરતી મર્યાદીત હોય છે. તમે બેંકમાંથી લોન લીધી હોય અને મામૂલી રકમ ની હોય અને તમે એકાદ બે હપ્તા મોડા ભરો તો જેલમાં જાવ. અને લલીત મોદી, નીરવ મોદી કે વિજય માલ્યા જેવા મોટા મગરમચ્છ હો તો તમારો કોઈ વાળ વાંકો ન કરે. અત્યારે બે લાખ કરોડ જેટલી જંગી રકમ બેંકમાં ચડત છે અને મોટાભાગની બેંકો ખોટનો વેેપાર કરે છે. આ બધું આપણે ક્યાં સુધી ચાલવા દેવું ?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X6830E
No comments:
Post a Comment