પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીથી ૮માસના જોડિયા ગર્ભ સાથે માતાનું પણ મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીથી ૮માસના જોડિયા ગર્ભ સાથે માતાનું પણ મોત

વડોદરા,તા.૦૪ મે ૨૦૧૯, શનિવાર

કાયમ વિવાદોમાં રહેતી ખાનગી યુનિવર્સિટી પારૃલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં શુક્રવારે બપોરે ૮ માસના જોડિયા ગર્ભ સાથે ગર્ભવતી મહિલાનું પણ મોત થયુ હતું. પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે ગર્ભવતી મહિલા અને જુડવાગર્ભના મોત થયા હોવાનો આક્ષેપ કરતા વાઘોડિયા પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મૂળ ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ પાસે ઇન્દિરાનગરમાં રહેતો પણ રોજગારી માટે વડોદરામાં સ્થાયી થયેલ આનંદ હરજીભાઇ ગોરાસા વડોદરામાં કલાલી ફાટક પાસે વુડાના મકાનમાં રહે છે અને કાપડની ફેરી (પથારો) કરીને ગુજરાન ચલાવે છે. તેની પત્ની કંચન (ઉ.૩૨) ગર્ભવતી હતી અને ૮ માસના જોડિયા ગર્ભ હતા. પરંતુ તેનુ  બ્લડ પ્રેશર હાઇ થતાં તા.૩૦ એપ્રિલ મંગળવારે કંચનને વાઘોડિયા રોડ પર લીમડા ખાતે આવેલી પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. કંચનના પતિ આનંદનો આક્ષેપ છે કે 'તા.૩૦ એપ્રિલે દાખલ કર્યા બાદ પણ કંચનનું બ્લડ પ્રેશર કન્ટ્રોલ થતુ ન હતું. ડોક્ટરો કોઇ પ્રકારની જાણ કરતા ન હતા. શુક્રવારે બ્લડ પ્રેશર વધુ હાઇ થઇ જતા તેને આઇસીયુમાં લઇ જવામાં આવી અને પછી કલાક પછી અમને કહેવામાં આવ્યુ કે માતા અને બાળકો મૃત્યુ પામ્યા છે'

ઉલ્લેખનિય છે કે આ મામલે વાઘોડિયા પોલીસે તપાસ શરૃ કરી છે. કંચનનો મૃતદેહ અને મૃત જોડિયા ગર્ભને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. 

ગર્ભવતી મહિલાના પતિનો આક્રોશ પારૃલ હોસ્પિટલ સામે ત્રણ જીવની હત્યાનો ગુનો દાખલ કરો

અમને ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યુ નથી અને મૃતદેહ સોપવા માટે કોરા કાગળો પર સાઇન કરાવી લીધી

ચાર દિવસ થયા છતાં ડોક્ટરો બીપી કન્ટ્રોલ કરી શક્યા નહીં, મૃત્યુના અડધો કલાક પહેલા કહ્યું કે ડેંગ્યુ થયો છે

કંચનના પતિ આનંદ ગોરાસાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ' તેનું (કંચનનું) બી.પી. નોર્મલ કરવા માટે ૩૦ એપ્રિલે પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરો ૪ દિવસ થયા છતા બી.પી.નોર્મલ કરી શક્યા નહી. અમને કોઇ જવાબ પણ આપતા ન હતા. કાલે (શુક્રવારે) બી.પી. વધુ ગયુ એટલે આઇસીયુમાં લઇ ગયા. શું સારવાર કરે છે એ પણ કીધુ નહી. આઇસીયુમાં અડધો કલાક પછી કહ્યું કે કંચનને ડેંગ્યુ થઇ ગયો છે. કોઇ રિપોર્ટ કાઢ્યો ન હતો છતા પણ ડેંગ્યુ છે એવુ નિદાન કર્યુ. ઉલટુ અમારી પાસેથી બધા કાગળ અને ફાઇલ લઇ લીધી પછી થોડા સમય પછી અમને કહ્યું કે માતાનું મોત થયુ છે પરંતુ જોડિયા બાળકો જીવીત છે તેને ઓપરેશન કરીને બચાવી લઇશું. થોડા સમય પછી કહ્યું કે જુડવા બાળકોના પણ મોત થયા છે. અમારા પર દુઃખનો પહાડ તુટી પડયો છતાં અમને લાશ સોપવા માટે કોરા કાગળ પર સહીઓ કરાવી લીધી અને ડેથ સર્ટિફિકેટ પણ ના આપ્યું. મોતનું કારણ પણ ના જણાવ્યું. અમારી માગ છે કે પોલીસે પારૃલ હોસ્પિટલ સામે ત્રણ જીવની હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ કરવી જોઇએ અને અમને ન્યાય અપાવવો જોઇએ'



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VILEsU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages