સાદરા-અલુવા વચ્ચે બ્રીજના અભાવે ગ્રામજનોના નાણાં-સમયનો વ્યય..! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

સાદરા-અલુવા વચ્ચે બ્રીજના અભાવે ગ્રામજનોના નાણાં-સમયનો વ્યય..!


- પુલ નહીં હોવાથી ગ્રામજનોને અવર જવર કરવામાં રપ થી ૩૦ કિ.મી.નું અંતર કાપવાની નોબત આવી

ગાંધીનગર, તા. 2 મે 2019, ગુરુવાર


ગાંધીનગર જિલ્લાના સાદરા થી સાબમરતી નદી ઉપર સામે છેડે આવેલાં અલુવા વચ્ચે પુલ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે છે પરંતુ ક્યાં કારણોસર કામગીરી શરૂ કરવામાં આવતી નથી. તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે અને સાદરાથી અલુવા તેમજ વિજાપુર - માણસા તરફ અવર જવર કરવા માટે ગ્રામજનોને ૨૫ થી ૩૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જો સત્વરે આ કામગીરી શરૂ કરવામાં આવે તો ગ્રામજનોને ભોગવવી પડતી હાલાકીઓનો અંત આવશે અને અવર જવરમાં સરળતાં રહેશે.

જિલ્લાનું સાદરા ગામ સાબરમતી નદીના તટે વસેલું છે આ ગામમાં વિદ્યાપીઠ તેમજ અન્ય શાળા - કોલેજ આવેલી છે અને તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યાં છે તો બીજી તરફ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં વેપાર-ધંધા અર્થે ગાંધીનગર તેમજ માણસા વિજાપુર તરફ અવર જવર કરી રહ્યાં છે. 


પરંતુ ગ્રામજનોને વાયા ચિલોડા થઇને ગાંધીનગર - માણસા અને વિજાપુર તરફ જવું પડે છે. નદીના સામે કાંઠે આવેલાં અલુવા ગામના લોકોની પણ આ જ પરિસ્થિતિ હોવાથી આ વિસ્તારમાં પુલ બને તો ગ્રામજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે તેમ છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા થોડા સમય અગાઉ સાદરા - અલુવા વચ્ચે પુલ બનાવવાની મંજુરી પણ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે અવાર નવાર અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે પરંતુ કામગીરી શરૂ કરવામાં નહીં આવતાં બંને તરફથી અવર જવર કરતાં ગ્રામજનોને વાયા - ચિલોડા ગાંધીનગર થઇને મુસાફરી કરવી પડી છે.

જેના પગલે રપ થી ૩૦ કિ.મી.નું વધારાનું અંતર કાપવું પડી રહ્યું છે અને સમયનો પણ વ્યય થાય છે જેથી સત્વરે આ પુલ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ રહેવર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી છતાં હજુ સુધી કોઇ કામગીરી નહીં થતાં બંને કાંઠે આવેલાં ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સત્વરે નિર્ણય લેવામાં આવે તો ગ્રામજનોને અવર જવર કરવામાં સરળતા પ્રાપ્ત થઇ શકે અને સમયનો પણ વ્યય અટકશે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnH0xt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages