
ભાવનગર, 05 મે 2019, શનિવાર
સુરતમાં સર્જાયેલ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત વસતા પાંચ પટેલ પરિવારના કુળદીપક અને વ્હાલના દરિયા સમી દિકરી પણ ભોગ બનતા ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઇ છે. પુત્રના મોતના સમાચાર સાંભળી એક પરિવારના પિતા અને ભાઇ પણ આઘાતમાં સરી પડતા હોસ્પિટલ ખસેડવા પડયા હતા. મૃતકોમાં મુળ ગારિયાધાર પંથકના બે, પાલિતાણા પંથકના એક, તળાજાના બપાડાના એક અને નારીના એક પટેલ પરિવારે જુવાનજોધ દિકરા-દિકરી ગુમાવ્યા છે.
સુરતના સરથાળામાં બનેલી દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના મુળ વતની અને હાલ સુરત એવા પાંચ પરિવારોએ દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે. ભાવનગરના નારી ગામના વતની અને હાલ સુરત મોટા વરાછામાં રહેતા ઇશ્વરભાઇ (દિનેશભાઇ) ખીમજીભાઇ ડોંડાનો પુત્ર રૃદ્ર ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે સરથાળા તક્ષશીલા ટયુશન ક્લાસમાં તે ગયો હતો અને આગ લાગતા રૃદ્ર ડોંડાનું મોત થતા અરેરાટી પ્રસરી ગઇ હતી. આ બનાવની જાણ થતા ઇશ્વરભાઇ અને રૃદ્રના ભાઇ આઘાતમાં સરી પડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડયા હતા.
ગારિયાધારના મુળ વતની અને હાલ સરથાળા જકાતનાકા પાસે રહેતા પરેશભાઇ મનજીભાઇ કાત્રોડીયાનો પુત્ર નિસર્ગ પણ ટયુશન ક્લાસમાં ગયો હતો અને દુર્ઘટનામાં કાળનો કોળીયો બનતા તેનો મૃતદેહ જ ઘરે આવ્યો હતો. કુળદીપકના મૃત્યુની ઘટનાથી બંને પટેલ પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઇ ગઇ છે. આ ઉપરાંત ગારિયાધારના જ વતની અને હાલ વરાછા રોડ ચીકુવાડી ખાતે રહેતા દિનેશભાઇ કેવડીયાની 17 વર્ષની દિકરી પણ આ ઘટનામાં ભોગ બની છે. યશ્વી કેવડીયા ટયુશન ક્લાસમાં ગઇ હતી અને આગમાં કાળનો કોળીયો બની હતી.
આ જ રીતે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નેસડી ગામના વતની અને લાંબા સમયથી સુરત સ્થાઇ થયેલા રમેશભાઇ લાઘાભાઇ ખડેલા પરિવારની યેશાનું પણ 24 મેની દુર્ઘટનામાં મોત થયું છે. આ ઉપરાંત તળાજાના બપાડા ગામના મુળ વતની અને સુરત સ્થિત રમેશભાઇ કાળુભાઇ બલરની દિકરી રૃમી બલરનું પણ આ કાળજુ કંપાવનારી ઘટનામાં મોત થતા બલર પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઈ છે. આમ ભાવનગર જિલ્લાના મુળ વતની અને હાલ સુરત સ્થિત પાંચ પટેલ પરિવારોએ બે પુત્ર અને ત્રણ દિકરીઓ આ ઘટનામાં ગુમાવતા વતનના તેમના સબંધી પરિવારોમાં પણ ગમગીની પ્રસરી ગઇ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30K2RBJ
No comments:
Post a Comment