મહેસાણા,તા.25 મે 2019, શનિવાર
મહેસાણા શહેરની સાથે જિલ્લાભરના ટયુશન ક્લાસીસ, શાળાઓમાં ફાયર સેફ્ટીની શું પરિસ્થિતિ છે? તે ચકાસવા માટે જિલ્લા કલેક્ટરે આજે ૪૦ ટીમો થકી ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મોટાભાગના ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. હજારો, લાખોની ફી લઈ વર્ષોથી ધંધો કરતા આવા તત્વો સામે રાજ્ય સરકારે કડક પગલાં ભરવાની સુચના આપી છે. ત્યારે મહેસાણાના વિદ્યાર્થીઓ ઉપર અત્યાર સુધી જાનનું જોખમ રહેલું છે. આ બાબતે પાલિકાના ફાયર તંત્રથી માંડી આવી બિલ્ડીંગોને મંજુરી આપતી પાલિકા સંપૂર્ણપણે જવાબદાર છે. આ તમામ સામે કડક પગલાં ભરાશે તેવી કલેક્ટરે બાંહેધરી આપી છે.

સુરતમાં ગઈકાલે બનેલી ગોઝારી ઘટના બાદ આજે અચાનક મહેસાણાના ટયુશન સંચાલકો સફાળા જાગી ગયા હતા. શનિવારની રજા હોવાછતાં પાલિકા કચેરીએ ટયુશન સંચાલકો ફાયર સેફ્ટી માટે પહોંચી ગયા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસવડાને લેખિતમાં આ બાબતે આવેદનનું નાટક ભજવ્યું હતું. આ બાબતે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું કે હાલ રાજ્ય સરકારના કડક આદેશના પગલે ૪૦ ટીમો બનાવી છે. જે સવારથી જ ટયુશન સંચાલકો, ખાનગી શાળાઓ, હોસ્પિટલો, બિલ્ડીંગોની ચકાસણી કરી રહી છે. જેમાં ફાયરનો ખાસ રોલ છે. આ તમામનો રિપોર્ટ આવ્યા બાદ સીલ મારવાનો દોર શરૃ થશે. જેમની પાસે આવી સુવિધા નહી હોય તેમને સૌ પ્રથમ ફાયરથી લઈ તમામ સુવિધાઓ માટે નોટીસો આપવામાં આવશે. ત્યારબાદ પણ જો આ લોકો સમય મર્યાદામાં ફાયર સેફ્ટી નહિ વસાવે તેમને સીલ મારી દેવામાં આવશે તે નક્કી છે.
મહેસાણા જિલ્લાની મોટાભાગની ખાનગી શાળાઓ, ટયુશન સંચાલકો પાસે આવા કોઈ સાધનો નથી તેવું ફાયરના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એકથી બે સંસ્થાને બાદ કરતાં આવી સુવિધા કોઈની પણ પાસે નથી. જેથી હાલ જોવા જઈએ તો મહેસાણામાં અભ્યાસ કરતા તમામ બાળકો ઉપર મોત મંડળાઈ રહ્યું છે. સુરતની ઘટના બની એટલે આટલો ભોપાળો બહાર આવ્યો છે. જો આવી ઘટના મહેસાણામાં બની હોત તો બાળકોની શું હાલત થઈ હોત તે વાલીઓ માટે હવે વિચારવા જેવું છે.
ટયુશન સંચાલકોનો પ્રમુખ પોતે જ અજાણ!
મહેસાણા તાલુકા ટયુશન સંચાલકના અધ્યક્ષ અરવિંદ પટેલે કહ્યું કે હાલ તપાસ ચાલુ જ છે. અમે સવારે જ આ બાબતે જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી છે કે ફાયર સેફ્ટી માટે અમારે શું કરવું જોઈએ! આમ અધ્યક્ષ પોતે અત્યાર સુધી ફાયર સેફ્ટી બાબતે અજાણ હતા. મહેસાણામાં ૪૦ થી વધુ ટયુશન ક્લાસીસો આવી રીતે ચાલી રહ્યા છે. હવે તંત્ર આ બધાની સામે કડક પગલાં ભરે તે જરૃરી બન્યું છે.
ફાયર સેફ્ટી બાદ મેદાનોની તપાસ થશે
આવા ટયુશન સંચાલકો, શાળાઓ, હોસ્પિટલો બાદ ખાનગી શાળાઓ પાસે મેદાન છે કે કેમ? તે અંગે તપાસ શરૃ કરવાની છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું. તમામ પાસે મેદાન હોવું જરૃરી છે. જે શાખા પાસે મેદાન નહિ હોય તેમની પણ મંજુરી રદ્દ કરવામાં આવનાર છે.
વિદ્યાર્થીઓને શિક્ષા આપનારા શિક્ષકો રજા અંગે અજાણ!
મહેસાણા નગરપાલિકા સહિત મોટાભાગની સરકારી કચેરીઓ છેલ્લા શનિવારને લીધે રજા હોય છે. આ સામાન્ય વાત છે પણ મહેસાણાના ટયુશનીયા સંચાલકો રજાના દિવસે પાલિકા કચેરી પહોંચી ગયા હતા. હવે આવા શિક્ષકો બાળકોને કેવું શિક્ષણ આપતા હશે? તે વિચારવા જેવું છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K37oJD
No comments:
Post a Comment