
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 મે સોંમવાર
અઠવાગેટ ખાતેના સરદાર બ્રિજ ઉપર આજે સવારે એક કારમાં આગળના ભાગે અચાનક આગ લાગી ગઇ હતી. થોડી જ વારમાં આગ એટલી પ્રસરી ગઈ હતી કે કાર ભડભડ સળગવા લાગી હતી. ત્યારે કારમાં સવાર પિતરાઇ બહેનો સમયસૂચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતા બચી ગયા હતા. ઘટનાને પગલે બ્રિજ ઉપર ચક્કાજામ થઇ ગયો હતો.
ફાયર બ્રિગેડ વિભાગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણમાં ડીમાર્ટ પાસે રહેતા અને અઠવાલાઇન્સની કૉલેજમાં પીએચ.ડી કરી રહેલા દર્શનાબેન જગીવાલા (ઉ.વ-૩૮) આજે સવારે ૧૧ વાગ્યે પોતાની કારમાં પિતરાઇ બહેન સેજલને ઘોડદોડ પર મુકવા જઇ રહયા હતા. સરદાર બ્રિજના છેડે અઠવાગેટ ફલાયઓવર પાસે કારના આગળના ભાગથી ધુમાડો નીકળવા લાગતા સેજલબેનને દુર્ગંધ આવતા કારને સાઇડમાં રોકવા કહયું હતું. તે વેળા જ એક વાહનચાલકે પણ ધુમાડો નીકળતો હોવાનું કહયું ત્યાં તો એન્જિનનો ભાગ ભડભડ સળગવા લાગ્યો હતો.
સમયસૂચકતા વાપરી બંને બહેનો કારમાંથી ઉતરીને દુર જતા રહયા હતા. કારની પાછળ આવતા વાહનો પણ થંભી ગયા હતા. જેથી બ્રિજ પર ચક્કાજામ થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા મજુરા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડયા હતા. જોકે, ટ્રાફિકજામને કારણે તેમને સળગતી કાર સુધી પહોંચવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
કારની આગ જોકે૨૦ મિનિટમાં બુઝાવી દેવાઇ હતી. કારમાં આગથી જરુરી કાગળો અને સામાન બળી ગયો હતો. બેટરીના વાયરને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આગ બાદ ટ્રાફિક જામ થતાં કેટલાક ટુ-વ્હીલર ચાલકો વાહનો ઉંચકીને ડિવાઇર કુદાવીને રોંગ સાઇડથી ગંતવ્ય સ્થળે રવાના થતા જોવા મળ્યા હતા.
બ્રિજ પર ચક્કાજામ થતા ફાયર બ્રિગેડ પણ લાચારઃ અડાજણની ટીમ પહોંચી શકી નહી, મજુરાની ટીમ જેમતેમ પહોંચી
અડાજણ બ્રિજ ઉપર પીક અવર્સ દરમિયાન કોઇ દુર્ઘટના બને તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ કઇ રીતે બચાવકાર્ય માટે પહોંચી શકે ? તે પ્રશ્ન પણ આજની ઘટના બાદ ઉઠયો છે. કાર સળગ્યા બાદ બ્રિજ પર ચક્કાજામ થઇ ગયો હતો. આગનો કોલ તુરંત ફાયરબ્રિગેડને કરી દેવાયો હતો.
નજીકના અડાજણ ફાયર સ્ટેશનની ગાડીઓ નીકળી ગઇ પણ બ્રિજ જામ થઇ ગયો હોવાથી ઘટનાસ્થળે પહોંચી જ શકી નહોતી. જેથી મજુરા ફાયર સ્ટેશનને કોલ કરતા ગાડીઓ વનિતા વિશ્રામ પાસેથી ફલાયઓવર તરફી બ્રિજ પર પહોંચવા નીકળી. પણ રોંગ સાઇડથી જવા છતાં ઘટનાસ્થળે પહોંચતા અડધો કલાકથી વધુ સમય લાગ્યો હતો.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30lUHzx
No comments:
Post a Comment