રૂા.90 હજારથી રૂા.1.50 લાખ આવકના દાખલા મામલતદાર કચેરીમાં કેવી રીતે બન્યા ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

રૂા.90 હજારથી રૂા.1.50 લાખ આવકના દાખલા મામલતદાર કચેરીમાં કેવી રીતે બન્યા ?


- ગયા વર્ષે આવકના બોગસ દાખલાના કિસ્સામાં ૨૨૦૦ પ્રવેશ રદ થયા હતા આ વર્ષે ટાઉટોની સાઠગાઠમાં ઓછી આવક બતાવી ઓરિજનલ દાખલા મેળવાયા છે !

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 13 મે 2019, સોમવાર

રાઇટ ટુ એજયુકેશન એકટ (આરટીઇ)  હેઠળ પ્રથમ તબક્કામાં સુરત શહેરમાં ૮૦૦૦ વિદ્યાર્થીઓને ધો-૧ માં ફાળવાયેલા પ્રવેશમાંથી કેટલાક વાલીઓ ગરીબી રેખાની નીચે આવતા ન હોવા છતા રૂા.૯૦,૦૦૦ થી લઇને રૂા.૧,૫૦,૦૦૦ સુધીની મર્યાદામાં આવકની એફીડેવીટ રજુ કરીને શાળામાં બાળકોનો પ્રવેશ લીધો હોવાથી માલેતુજારોની આવકના દાખલા કેવી રીતે બન્યા તે એક તપાસના વિષય બન્યો છે.

આરટીઇ હેઠળ ધો-૧ માં પ્રવેશ માટે શહેરી વિસ્તારમાં વાલીની આવક રૂા.૧.૫૦ લાખ સુધીની અને ગ્રામીણ વિસ્તારમાં રૂા.૧.૨૦ લાખની નક્કી કરાઇ હતી. શહેરી વિસ્તારમાં જે દોઢ લાખની આવક મર્યાદા નક્કી કરાઇ છે. તે જોતા મહિનાના રૂા.૧૨,૫૦૦ પગાર હોય તેને પ્રવેશ મળી શકે છે.

આ આવકની મર્યાદા જોતા મામલતદાર કચેરીમાંથી આટલી આવકના દાખલો કઢાવવો પડતો હોય છે. આથી આટલી ઓછી આવકનો દાખલો મેળવવો માલેતુજારો માટે અશકય હોવાથી ગત વર્ષે ૨૦૧૮ માં ટાઉટો સાથે મેળાપીપણામાં આવકના બોગસ દાખલા બનાવી પ્રવેશ મેળવ્યો હતો.

પણ આ કૌભાંડ પકડાઇ જતા ૨૨૦૦ જેટલા પ્રવેશ રદ્ કરાયા હતા. આ વર્ષે બોગસ દાખલાના કારણે પ્રવેશ નહી રદ્ થાય તે માટે વાલીઓએ  ઉસ્તાદી વાપરીને બોગસ આવકના દાખલાને બદલે ટાઉટો સાથે મળીને ઓછી આવકનો ઓરીજનલ દાખલો મેળવ્યો છે. તેથી આવા કિસ્સામાં પ્રવેશ રદ કઇ રીતે કરવો તે પ્રશ્ન ઉભો થયો છે.

બીજી બાજુ રૂા.૯૦,૦૦૦ થી રૂા.૧.૫૦ લાખની આવક બતાવીને શાળામાં પ્રવેશ લેવા જાય છે ત્યારે તેમના પહેરવેશ અને જે ગાડીઓમાં આવે છે તે જોઇને જ સંચાલકોને એવુ લાગે છે કે આ વાલીની આવક વર્ષની નહીં પણ મહિનાની હોય એવુ લાગે છે. આથી સંચાલકોએ જેટલા પ્રવેશ આરટીઇ હેઠળ મળ્યા છે.

તે તમામ પ્રવેશ અંગે જાતે વેરીફિકેશન શરૂ કર્યુ છે. અને આ વેરીફિકેશનમાં એક જ વાત સામે આવે છેકે લાખોના બંગલામાં રહેતા અને સુખ સુવિધા ભોગવતા આ વાલીઓને મામલતદાર કચેરીમાંથી આટલી ઓછી આવકનો દાખલો કેવી રીતે મળી જાય છે ? તે તપાસનો વિષય બન્યો છે.

આ સિસ્ટમ સુધારવાની માંગ ઉઠી છે કેમકે માલેતુજારો ઓછી આવક બતાવીને મનગમતી શાળામાં પ્રવેશ મેળવી લે છે. અને મધ્યમવર્ગીય પરિવારના સંતાનોને ફટકો પડે છે. જેથી આવકના દાખલા કેવી રીતે મેળવાયા તેની તપાસ કરવા માંગ ઉઠી છે.

૪૦ સ્કૂલમાં માલેતુજાર વાલીઓએ ગરીબ બનીને બાળકોને પ્રવેશ અપાવ્યો

આરટીઇ હેઠળ સુરતની સ્કૂલોમાં ફાળવાયેલા ૮,૦૦૦ પ્રવેશ સામે શાળાં સંચાલકમંડળે લડત શરૂ કરી

રાઇટ ટુ એજયુકેશન એકટ (આરટીઇ)  હેઠળ ધો-૧ માં નોન ગ્રાન્ટેડ શાળામાં વિનામૂલ્યે પ્રવેશને લઇને ઉઠેલી ફરિયાદમાં શાળા સંચાલકો દ્વારા શરૂ થયેલી તપાસમાં પ્રારંભિકમાં સુરતની ૪૦ જેટલી નામાંકિત સ્કુલોમાં ઓછી આવકના મામલતદારના સર્ટિફિકેટ રજુ કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવ્યુ છે. જેની સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે.

સુરત શહેરમાં ૮૦૦૦ જેટલા આરટીઇ હેઠળ ધો-૧ માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવાયા છે.

આ પ્રવેશને શાળા સંચાલક મડળોએ લડત શરૂ કરી છે. સંચાલક મંડળના આગેવાનો જણાવે છે કે હકીકતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પ્રવેશ મળવો જોઇએ. તેના કરતા મામલતદાર કચેરીમાંથી ઓછી આવકનું સર્ટિફિકેટ લાવીને બની બેઠેલા માલેતુજાર ગરીબો જ પ્રવેશ લઇને ગરીબોનો હક છીનવી રહયાં છે.

જેની સામે સંચાલક મંડળે ઉપાડેલી લડતમાં પ્રારંભિક તબક્કામા તપાસ દરમ્યાન ૪૦ જેટલી સ્કુલોમાં બની બેઠેલા ગરીબ માલેતુજારોના દિકરાઓએ પ્રવેશ મેળવ્યો છે. જેની સામે શાળા સંચાલકો દ્વારા તપાસ થઇ રહી છે.અને તપાસ બાદ જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ આપીને આવા પ્રવેશો અંગે કાર્યવાહી કરવા રજુઆત કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ દરેક વાલીને પોતાનું સંતાન મનગમતી શાળામાં ભણે તે માટે પ્રયાસો કરતા હોય છે. પરંતુ શાળાઓમાં પ્રવેશ ના મળતા આ ટુકો રસ્તો અપનાવીને પ્રવેશ મેળવીને તેમના સંતાનની જ કારર્કિદી સામે સવાલો ઉભા કરે છે.

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે

પુણામાં ગરીબ પરિવાર ૧૨ બાળકોને ધો-૯માં સુમન સ્કૂલમાં પ્રવેશનો ઇન્કાર

ગરીબ પરિવારના બાળકોને કહી દેવાયું તમારી ટકાવારી ઓછી છેઃ સેવા સદન પર વાલીઓ સાથે મોરચો

રાજ્ય સરકારની ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની ગુજરાત સરકારની વાતો વચ્ચે પુણા ગામમાં ધોરણ-૮ પાસ થઇ ચુકેલા ૧૨ વિદ્યાર્થીઓના માર્કેસ ઓછા આવતા ધોરણ-૯માં પ્રવેશ નહી અપાતા સેવાસદન પર મોરચો માંડયો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, પૈસાના જોરે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવી રહયો છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા પીર ફળીયાની પ્રાથમિક શાળાના ધો-૮માં પાસ થઇ ચુકેલા ગરીબ-આદિવાસી પરીવારના ૧૨ વિદ્યાર્થીઓને સુમન શાળામાં ધો-૯માં પ્રવેશ મળ્યો નથી. શરૂઆતમાં તેમા પ્રવેશ ફોર્મ સ્વીકારી લેવાશે તેમ આચાર્યએ કહયુ ંહતું. પણ બાદમાં ટકાવારી ઓછી છે તેથી પ્રવેશ નહી મળે તેમ સ્પષ્ટ વિદ્યાર્થીઓને જ કહી દેવાયું હતું. 

ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થતા બીટીએસ સેનાની આગેવાનીમાં જિલ્લા સેવા સદન ખાતે મોરચો મંડાયો હતો. વાલીઓએ હૈયાવરાળ ઠાલવી હતી કે, એક તરફ ગુજરાત સરકાર સરકારી શાળાઓમાં શિક્ષણ નું સ્તર ઊંચું લાવવાની વાત કરે છે ત્યાં બીજી તરફ આવા ગરીબ વર્ગના બાળકોને ટકાવારી ઓછી છે તેવું કહીને પ્રવેશ જ અપાતો નથી. જેથી બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે.




from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ViXqWA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages