પાણી સહિતની માંગણી મુદ્દે ડાંગ કલેકટર કચેરીનો ઘેરાવ કરતી ભીલીસ્તાન ટાયગર સેના - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

પાણી સહિતની માંગણી મુદ્દે ડાંગ કલેકટર કચેરીનો ઘેરાવ કરતી ભીલીસ્તાન ટાયગર સેના


- આવેદનપત્ર આપ્યાનાં સપ્તાહ બાદ પણ વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરતા સરકારની હાય...હાય બોલાવી

વાંસદા, તા. 13 મે 2019, સોમવાર

ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે તા.૮-પ-૧૦નાં રોજ પીવાનાં પાણી સહિત વિવિધ મુદ્દાઓની માંગણી સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એક સપ્તાહનો સમય વિતવા છતાં માંગ નહીં સંતોષાતા સોમવારે ભીલીસ્તાન ટાયગર સેનાએ કલેકટર કચેરીનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર પોકારતા ડાંગ જિલ્લા પોલીસ સહિત અધિકારીઓમાં દોડધામ મચી છે.

મળતી માહિતી અનુસાર તા.૮-૫-૧૯નાં રોજ ભીલીસ્તાન ટાયગર સેના ડાંગનાં પ્રમુખ રાકેશ પવાર અને કાર્યકરોએ ડાંગમાં પીવાનાં પાણીની તંગી નિવારવા સહિત વિવિધ નવ મુદ્દાઓની માંગ સાથે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓની માંગ નહીં સંતોષાય તો તા.૧૩-૫-૧૯નાં રોજ જલદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

એકાદ સપ્તાહનો સમય થવા છતાં કોઈ નક્કર કામગીરી નહીં થતાં સોમવારે ભીલીસ્તાન ટાયગર સેનાનાં પ્રમુખ અને કાર્યકરો-ટેકેદારોએ કલેકટર કચેરીનાં મુખ્ય દરવાજાપાસે બેસી કચેરીનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર ઉચ્ચારતા વાતાવરણ તંગ બન્યું હતું.

મહિલા કાર્યકરોએ મુખ્ય દ્વાર પર માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. કલેકટર કચેરીમાં ગુજરાત સરકાર હાય...હાય....નાં  નારા સાથે વહીવટી તંત્રનો હુરીયો બોલાવતા આહવીનાં મહિલા પી.એસ.આઈ., એલ.સી.બી., સી.પી.આઈ સહિત ડી.વાય.એસ.પી.નો કાફલો ઘસી આવ્યો હતો અને ભીલીસ્તાન ટાયગરસેનાનાં કાર્યકરોને કલેકટર કચેરીમાંથી બહાર કાઢી મામલો શાંત પાડયો હતો.

જોકે કલેકટર કચેરીનાં પટાંગણમાં ભીલીસ્તાન સેનાનાં કાર્યકરોએ પોતાની માંગ પર અડગ રહેતા સંબંધિત પાણી પુરવઠા સહિત આહવા ગ્રામ પંચાયતનાં તલાટી સ્થળ પર આવી સત્વરે પાણીની સમસ્યા દૂર કરવા ખાત્રી આપતાં મામલો શાંત પડયો હતો. ત્યારબાદ ભીલીસ્તાન સેનાનાં આગેવાનોને કલેકટરે મુલાકાત આપી તેમની અન્ય પડતર માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી.

આ સંદર્ભે ભીલીસ્તાન ટાયગર સેનાનાં પ્રમુખ રાકેશ પવારે જણાવ્યું કે, આવેદન પત્ર આપ્યા બાદ તંત્ર દ્વારા બોરીંગ મરામત અંગે હેલ્પલાઈન જારી કર્યો હતો, તેમ છતાં બોર રીપેરીંગની માંગ ધ્યાને લેવાઈ ન હતી. જેથી અમારે ન છૂટકે તંત્રની ઉંઘ ઉડાડવા આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડયું છે. હાલ કલેકટરે તમામ માંગ પૂર્ણ કરવા ખાત્રી આપી છે. તેમ છતાં તે કામગીરી અધૂરી રહેશે. તો અમે આગામી દિવસોમાં કલેકટર કચેરીને તાળા બંધી કરવાની જંગ છેડીશું. જેની તમામ જવાબદારી રાજ્ય સરકારની ગણાશે.

ડાંગ જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઈ

લોકસભા ચૂંટણીની આચાર સંહિતા અને જિલ્લામાં સુલેહ શાંતિ જળવાય રહે તે માટે સભા સરઘસ પર ડાંગ જિલ્લામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ભીલીસ્તાન ટાયગર સેના અને સેંકડો કાર્યકરોએ આહવા નગરમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકારી કલેકટર કચેરીને ઘેરવાનો પ્રયાસ કરતા ડાંગ જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. તે સમયે આહવા પોલીસ હાજર નહીં રહેતા અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારબાદ પીએસઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjY2va

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages