દમણ પ્રદેશ ભાજપ પ્રમુખનો પુત્ર કુકને ઇલેક્ટ્રીક શોક આપવાના કેસમાં જેલમાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

દમણ પ્રદેશ ભાજપ પ્રમુખનો પુત્ર કુકને ઇલેક્ટ્રીક શોક આપવાના કેસમાં જેલમાં


- ચૂપચાપ ધરપકડ કરી પોલીસે રિમાન્ડ લીધા પણ કશું ઉકાળી ન શકી  કેસ ડાયરી રજૂ કર્યા વિના માંગેલા વધુ રિમાન્ડની અરજી કોર્ટે ફગાવી

વાપી, તા. 3 મે 2019, શુક્રવાર

દીવ-દમણ પ્રદેશ ભાજપ પ્રમુખના પુત્રની કુકને ઈલેક્ટ્રીક શોક આપવાના ગુનામાં આખરે પોલીસે બે મહિના બાદ કોઈને જાણ ના થાય તે રીતે ચુપચાપ ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા હતા. પણ રિમાન્ડમાં કશું ઉકાળી નહીં શકનારી પોલીસે કેસ ડાયરી વિના જ વધુ રિમાન્ડ માંગતાં કોર્ટે રિમાન્ડની માંગ ફગાવી આરોપીને તા.૧૪મી મે સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દીધો છે. 

દમણના દેવકા સ્થિત આવેલી હોટલ સી પ્રિન્સેસમાં કુક તરીકે કામ કરતાં મુકેશ સતનભાઈ મલિકને તા.૨૬ ફેબુ્રઆરીના રોજ હોટલ પર બોલાવી હોટલમાં ચોરી કરી હોવાના આરોપસર દીવ-દમણ પ્રદેશ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલ અને અન્ય ચાર શખ્સોએ મુકેશનું અપહરણ કરી હોટલ સી વ્યુ ખાતે લઈ ગયા હતા. જ્યાં ધારદાર લાકડા અને ઘાતક હથિયારો વડે માર મારવાની સાથે ઈલેક્ટ્રીક શોક આપી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે તેને મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.

તા.૧ માર્ચના રોજ મુકેશ મલિકે હેમરાજ ટંડેલ સહિત પાંચ સામે આઈપીસી કલમ ૩૪૧, ૩૦૭, ૩૨૫, ૩૨૬, ૫૦૬(૨), ૫૦૪ અને ૨૦૧ મુજબ ફરિયાદ આપી હતી.  આ ગુનામાં નાસતા-ફરતા હેમરાજ ટંડેલે આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. બાદમાં લોકસભાની ચૂંટણીમાં પુત્રની કરતુતોને લઈ ભાજપ પક્ષને ડેમેજ થાય તેવી શક્યતા હોવાથી પોલીસ વિભાગે આ મામલાને ઠંડો પાડી દીધો હતો. અને ૬૦ દિવસ સુધી હેમરાજ ટંડેલની ધરપકડ કરવાનું ટાળ્યું હતું.

જોકે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તા.૨૬ એપ્રિલના રોજ તેની ધરપકડ કરી તે-જ દિવસે કોર્ટમાં રજૂ પણ કરી દીધો હતો. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાંથી બે દિવસ તો સારવારના બહાના હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ કશું ઉકાળી નહીં શકતાં વધુ રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કેસ ડાયરી રજૂ કર્યા વિના જ રિમાન્ડની કરેલી માંગ કોર્ટે ફગાવી આરોપી હેમરાજને તા.૧૪મી મે સુધી મેજીસ્ટ્રેરીયલ કસ્ટડીમાં ધકેલવા આદેશ કર્યો છે. 

દમણ પોલીસની હાઈપ્રોફાઈલ કેસોને દબાવવાની પેટર્ન યથાવત્

દમણ પોલીસ હાઈપ્રોફાઈલ બનેલા કેસોની વિગતો લોકો સુધી નહીં પહોંચે તેની ખાસ તકેદારી રાખતી હોવાની ભારે ચર્ચા છે. જ્યારે પાકિટચોર, બાઈકચોર કે નાના ગુનામાં પકડાયેલા આરોપીઓ અંગેની વિગતો પત્રકાર પરિષદ યોજીને આપે છે. દમણ પોલીસના આ બેવડા વલણને કારણે પ્રદેશમાં ગુનાખોરીની સાચી વિગતો લોકો સુધી નહીં પહોંચતી હોવાથી પ્રદેશમાં બધુ સમુસુથરૂં હોવાનો જ લોકોને ભાસ થતો હોય છે. ત્યારે ડિજિટલાઈઝેશન પર ભાર મુકતાં અને ગુજરાતમાં ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળી ચુકેલા પ્રશાસક દ્વારા પાડોશી રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્રની જેમ દીવ-દમણમાં પણ ગુનાની વિગતો પબ્લિક ડોમેઈન પર મુકાય તે દિશામાં કામગીરી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LiBfQp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages