વડોદરા, તા.3 મે 2019, શુક્રવાર
નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટની દીવાલમાં મળી આવેલા ત્રણ બાકોરામાંથી બે બાકોરા પૂરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, અને મોડી સાંજે કામ પૂરૃં થયું છે અને એક બાકોરાનું પૂરાણ બાકી છે.
નિમેટા પ્લાન્ટની દીવાલમાં બાકોરા હોવાથી ગંદુ પાણી ફરી આવતું રહેતું હતું અને વાલ્વ પણ બંધ હોવાથી પાણી ભરાઇ રહેતા શુધ્ધિકરણ બરાબર નહીં થતાં લોકોને છેલ્લા ત્રણ મહિનાથી ગંદા અને માટીવાળા પાણી પીવાનો વારો આવ્યો હતો. ગઇકાલે ચેકીંગ દરમિયાન પ્લાન્ટની દીવાલના બાકોરામાંથી પાણી લીકેજ થતાં તે ઉલેચવા માટે મોટા પંપો મૂકવા પડયા હતા. બાકોરામાંથી ૪૦ લાખ લિટર પાણીનો વેડફાટ થયો હતો.
દરમિયાન જે વાલ્વને કારણે દૂષિત પાણીના પ્રશ્નો ઊભા થયા છે તે તમામ બદલી નાખવામાં આવશે. નિમેટા પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા ફટકડીને બદલે પીએસી કેમિકલ વાપરવામાં આવ્યું હતું, આ કેમિકલ ગુજરાત સરકારના પરિપત્રના આધારે જ વપરાયું હોવાનું કોર્પો.ના વર્તુળોએ જણાવ્યું હતું. અત્રે એ નોંધનીય છે કે ૨૦૦૯માં નિમેટા પ્લાન્ટ નં-૩ રૃા.૭.૦૬ કરોડના ખર્ચે ઓ એન્ડ એમ (ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ) સહિતનો ઓર્ડર અપાયો હતો. આમા કોન્ટ્રાકટરે ઓ એન્ડ એમમાં કેમિકલ ડોઝિંગ કરવાનું, પાણીની ગુણવત્તા ચકાસવાની, દરરોજ રિપોર્ટ કરવાના, પાર્ટસ રિપેર નહીં પણ રીપ્લેસ કરવાના, નિષ્ણાતો રાખવા સહિતની શરતોનું પાલન કરવાનું હોય છે.
આ બધી શરતોનું પાલન થયુ કે નહીં તે તપાસ રિપોર્ટમાં બહાર આવશે. દરમિયાન ગયા જાન્યુઆરી મહિનામાં પ્લાન્ટના ચેકીંગ દરમિયાન ક્ષતિ બહાર આવી હતી અને તે બદલ ધ્યાન દોરવા છતાં આંખ આડા કાન કર્યા હતા.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKcHE2
No comments:
Post a Comment