તલત મહમૂદ: સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલ કી ઝુબાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

તલત મહમૂદ: સમજેગા કૌન યહાં દર્દ ભરે દિલ કી ઝુબાં


પાકિસ્તાનમાં કોન્સર્ટમાં આવવાનો તલતે ઇનકાર કરતા નૂરજહાંએ કોરો ચેક મોકલ્યો, તોય ભાયડો ન પલળ્યો

તમારી કારકિર્દી, તમારી સફળતા તમે લીધેલા સાચા નિર્ણયોનું પરિણામ છે. તમે ગમે તેટલા પ્રતિભાવંત હો, ગમે તેટલા મહાન હો, પરંતુ સાચા નિર્ણય ન લઈ શકો તો તમને જે મળવું જોઈએ તે નહીં મળવાનું. તલત મહમૂદ સાથે કંઈક એવું જ બનેલું. તેમની ગાયન પ્રતિભા જેટલી અસીમ હતી એટલી જ તેમની સફળતા સીમિત. જોકે ચાહકો તેમની સીમિત સફળતાને બદલે અસીમ ગાયકીને જ નજરમાં રાખે છે અને આજે પણ યાદ કરે છે.

મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશના નકલચીઓ શેરીએ-ગલીએ મળે છે, પણ તમે ક્યારેય વોઇસ ઑફ તલત મહમૂદ વિશે સાંભળ્યું છે ખરા? ન મળે. લગભગ અસંભવ છે. તેમના જેવો મીઠો, થરથરતો અને મખમલી અવાજ કાઢવા માટેનો કંઠ ક્યાંથી લાવવો!

રફી, કિશોર અને મુકેશ જેવા વડલાઓની ઉપસ્થિતિમાં કોઈ તલત મહમૂદ જ પાંગરી શકે. બીજા કોઈનું ગજું નથી. મન્નાડે અને તલત મહમૂદ હંમેશા સાઇડલાઇન થયા, પણ તેમને ચાહનારા તેમનું મૂલ્ય, તેઓ શું ચીજ છે તે બરાબર સમજતા હતા, હજુ સમજે છે.

તેમનો જન્મ સાહિત્યના શહેર લખનઉમાં થયો. (મુસ્કુરાઈયે આપને લખનઉ કા નામ સુના હૈ...!) ૨૪ ફેબુ્રઆરી ૧૯૨૪. બહુ જ નાની ઉંમરમાં ગાવાનો ચસ્કો લાગી ગયો હતો, પરંતુ પરિવાર રૂઢિચૂસ્ત હોવાથી ધાર્મિક કૃતિઓ જ ગાતા. મોરિસ કોલેજમાં સંગીતની તાલીમ લીધી.

૧૫ વર્ષની ઉંમરે તેમની ગાયન કારકિર્દી આરંભાઈ ચૂકી હતી. ઓલ ઇંડિયા રેડિયો પર તેઓ મીર તકી મીર, દાગ દેહલવી, જીગર મુરાદાબાદીની ગઝલો ગણગણવા લાગ્યા હતા.  ૧૯૪૧માં કમલ દાસગુપ્તા માટે સબ દિન એક સમાન નહીં-ગીત ગાયું. લખનઉમાં બહુ ફેમસ થયું.

તે સાંભળીને એક જ વર્ષમાં એચએમવીની ટીમ કલકત્તાથી લખનઉ આવી અને બે ગીત રેકોર્ડ કર્યા. બીજા ચાર ગીત રેકોર્ડ કર્યા. તસવીર તેરી દિલ મેરા બહલા ન સકેગી ગઝલ ખૂબ લોકપ્રિય થઈ, જે પાછળથી ફિલ્મમાં લેવામાં આવી. ૧૯૪૧માં એક એલ્બમ ગાવાના તેમને અધધધ ૬ રૂપિયા મળ્યા હતા. 

તલતના ફિલ્મી ગીતોનો પરિવારમાં જોરદાર વિરોધ થયો. તેમણે કારકિર્દી અને પરિવાર આ બેમાંથી એક ચીજ પસંદ કરવાની હતી. તેમણે પ્રથમ ચીજ પસંદ કરી. ૧૦ વર્ષ પરિવારથી દૂર રહ્યા. જ્યારે તેઓ લોકપ્રિય ગાયક બની ગયા ત્યારે પરિવાર પીગળ્યો અને એકબીજાને અપનાવી લીધા.

કે. એલ. સહગલ જ્યારે કલકત્તાથી મુંબઈ આવી ગયા હતા ત્યારે તલત કલકત્તા ઊપડયા. ત્યાં બંગાળી ફિલ્મોમાં તપન કુમાર ઉપનામથી ૧૦૦ જેટલા ગીત ગાયાં. દેખાવમાં હેન્ડસમ હતા અને એ સમયમાં સેહગલ સહિતના ગાયકો અભિનય કરતા એટલે તેમને પણ અભિનયનો શોખ હતો. જોકે જેટલા સારા ગાયક હતા એટલા સારા અભિનેતા નહોતા જ. ૧૫ ફિલ્મો કરેલી.

અમુક ફિલ્મો હિટ ગયેલી. નૂતન, માલા સિન્હા, સુરૈયા જેવી મોટી હીરોઈન સાથે કામ કર્યું, પણ પોતે અભિનેતા તરીકે સ્થાપિત ન થયા તે ન જ થયા. ૧૯૮૫માં આ વિશે એક પત્રકારે તેમને પૂછતા કહ્યું, અરે યાર તમે એ ભૂલને ભૂલી નહી શકો? મારી ભૂલ છે જ. કયો માણસ એવો છે જેને દિલીપ કુમાર બનવાની ઇચ્છા ન હોય?

થોડા વર્ષો બાદ કલકત્તાથી બોમ્બેની દિશા પકડી. તસવીર તેરા દિલ મેરા બહલા ન સકેગી-આખા દેશમાં ગૂંજેલી. શરૂઆતમાં તેમના અવાજના કંપનને કારણે તેમને મુંબઈમાં ગાયક તરીકે રીજેક્ટ કરવામાં આવતા હતા. સમય જતા એ થરકાટ તેમની યુએસપી બની.

અનિલ બિશ્વાસની તેમના અવાજ પર નજર પડી. ત્યારે તેઓ ફિલ્મ આરઝૂ માટે મ્યુઝિક આપી રહ્યા હતા. બધા ગીત રેકોર્ડ થઈ ચૂક્યાં હતા. અનિલ બિશ્વાસે ડિરેક્ટરને વધુ એક ગીત ઉમેરવા મનાવી લીધા. મઝરુહ સુલ્તાનપુરી પર એક ગીત લખાવાયું અને દિલીપ કુમાર પર ફિલ્માંકિત કરાયું. ગીત ડુપરહિટ થયું. એ પછી તો તલતે દિલીપ સાબ માટે ઢગલા મોઢે ગીતો ગાયાં.

૧૯૬૪માં એક ફિલ્મ આવી હતી, જહાંઆરા. તેમાં અજબ સમસ્યા પેદા થઈ ગઈ. સંગીતકાર મદન મોહન બધા ગીતો તલત મહમૂદ પાસે ગવડાવવા માગતા હતા. પ્રોડયુસર ઇચ્છતા હતા કે રફી સાહેબ ગાય. મદનમોહન અડી ગયા.

પ્રોડયુસરે આનાકાની કરી તો મદન મોહન સાહેબે પોતાના ખીસામાંથી પૈસા ખર્ચીને તલત મહમૂદ પાસે ગવડાવ્યું. ગીતો સુપર હીટ ગયા. ફિર વહી શામ, તેરી આંખ કે આંસૂ પી જાઉં, મે તેરી નઝર કા સુરુર હૂં. મદનમોહનનો નિર્ણય રફીસાહેબને બહુ જ અખરેલો.

નૌશાદ રેકોર્ડિંગ પહેલા સિગારેટના સખત વિરોધી હતા. તલત મેહમૂદે તેમની સળી કરવા માટે બાબૂલ ફિલ્મના મેરે જીવનસાથી ગીતના રેકોર્ડિંગના બિલકુલ પહેલા સિગારેટ પીધી. ધુમાડો નૌશાદના મોં પર છોડયો. એ પછી નૌશાદે ક્યારેય તેમની સાથે કામ ન કર્યું.

ગાયક તરીકે તેમનો સિતારો ચડતીમાં હતો, પરંતુ તેમણે પિક્ચરોમાં અભિનય પાછળ ઘણો સમય બરબાદ કરી નાખ્યો. ખાસ કરીને પાંચમા દાયકાનો ઉત્તરાર્ધ. મોટો ગેપ પડી ગયો. પછી જ્યારે તેમણે ગાવા માંડયું તો બોલિવુડ મ્યુઝિક બદલાઈ ચૂક્યું હતું. ૬૦ના દશકમાં તો એવું બન્યું કે તલત મહમૂદ માટે સ્પેસ ઓર ઓછી થઈ ગઈ. આખી જિંદગીમાં તેઓ ૮૦૦ જ ગીતો ગાઈ શક્યા. જો તેમણે સંપૂર્ણપણે ગાયકી પર જ ફોકસ કર્યું હોત તો આજે તેમના ગીતોની યાદી છે એના કરતા ઘણી અધિક લાંબી હોત.

એ વાત અલગ છે કે તેઓ ગઝલ ગાયકીના પર્યાય બની ગયા હતા. તેઓ જે રીતે ગઝલ ગાતા એ રીતે તેમના સમકાલીનોમાંથી બીજું કોઈ ન્યાય આપી શકતું નહોતું. જગજીત સિંઘ અને પંકજ ઉધાસ તેમને આદર્શ માનતા. પાકિસ્તાની સિંગર સજ્જાદ અલી પણ તેમને ગુરુ માને છે. ગઝલ ગાયક હોય તેની શબ્દ પસંદગી સ્વાભાવિક રીતે જ ઊંચી હોવાની. તેઓ જે ગીત ગાતા તેના શબ્દો પણ ઊંચા હોય એવો આગ્રહ રાખતા. ગીતકારોની કસોટી થઈ જતી. તેમને ડર રહેતો કે તલત સાહેબને મારું લખેલું ગીત ગમશે કે નહીં ગમે?

નૂરજહાં તેમની ગાયકીની કાયલ હતી. તેમને ૧૯૬૬માં પાકિસ્તાનમાં એક કોન્સર્ટમાં શિરકત કરવા નિમંત્રિત કર્યા. મહમૂદ સાહેબે સાદર ઇનકાર કર્યો. નૂરજહાંને થયું કે કદાચ તેમને પૈસા ઓછા પડયા હશે. તેમણે કોરો ચેક મોકલ્યો. તલત સાહેબ અડગ રહ્યા. તેમણે ચેક પાછો મોકલાવી દીધો.

અત્યારે બોલિવુડ ગાયકો વિદેશમાં કોન્સર્ટ યોજી ધૂમ કમાણી કરે છે. એ ચીલો તલત સાહેબે શરૂ કરેલો. પોતાના કંઠથી ચાતરેલો. દક્ષિણ આફ્રિકામાં ૧૯૫૬માં તેમનો સર્વપ્રથમ કોન્સર્ટ યોજાયો હતો. એ પછી બ્રિટન, વેસ્ટ ઇન્ડીઝ, અમેરિકા, ઘણા બધા  ઠેકાણે તેમના જલસા થયા.

સાહિરે લખેલું એસ ડી બર્મને સ્વરબદ્ધ કરેલું જાયે તો જાયે કહાં આજે એન્થમ બની ગયું છે. ગાલિબની ગઝલ દિલે નાદાં તુજે હુઆ ક્યા હૈ ઘણાએ ગાઈ છે, પણ તલતે જે અંદાઝથી ગાઈ છે તે અદ્વિતિય છે. મદન મોહને સંગીતબદ્ધ કરેલી ગઝલ હમ સે આયા ન ગયા ઉન સે બુલાયા ન ગયા...ની તો વાત જ શું કરવી! જલતે હૈ જિસકે લિયે, ઇતના ન તૂ મુજસે પ્યાર બઢા, એ મેરે દિલ કહીં ચલ, મે દિલ હૂં ઇક અરમાન ભરા, મિલતે હી આંખે દિલ હુઆ દિવાના કિસી કા, ફિર વહી શામ ફિર વહી તનહાઈ હૈ, તસવીર બનાતા હૂં મગર તસવીર નહીં બનતી, સીને મેં સુલગતે હૈ અરમાં આંખો મેં ઉદાસી છાયી હૈ, શામ-એ-ગમ કી કસમ આ જ ગમગીન હૈ હમ, મેરી યાદ મેં તુમ ન આંસૂ બહાના, ઇતના તૂ ન મુજસે પ્યાર બઢા મેં એક બાદલ આવારા, એ મેરે દિલ કહી ઔર ચલ ગમ કી દુનિયા સે દિલ ભર ગયા ને બીજું કેટ કેટલું કર્ણપટલ પર ગૂંજી ઊઠે છે.

નવમી મે ૧૯૯૮ના રોજ એ થરકતો અવાજ હંમેશા માટે થીજી ગયો. તેમનો રેકોર્ડેડ અવાજ ક્યારેય ધૂ્રજતો અને આપણને ધુ્રજાવતો બંધ થવાનો નથી.

આજની નવી જોક
છગન: આજે મને મારી ખરી કિંમત સમજાઈ ગઈ.

મગન: કેમ શું થયું?

છગન: કસ્ટમર કેરવાળી છોકરીએ કહ્યું, સર તમારો કોલ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

મગન: હેં!?

હોય નહીં
જાપાનમાં ૨૪ ટકા વસ્તી ૬૫ વર્ષ કરતા મોટી ઉંમરની
વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમને સાચવવા માટે સરકારોએ નવી નીતિઓ ઘડવી પડશે. વર્લ્ડ બેંકનો રીપોર્ટ જણાવે છે કે દુનિયામાં સૌથી વધુ વૃદ્ધો જાપાનમાં રહે છે. ૨૪ ટકા. જર્મની ૨૧ ટકા સાથે બીજા નંબર પર છે. ફ્રાંસ ૧૯ ટકા સાથે ત્રીજા નંબર પર અને બ્રિટન ૧૮ ટકા સાથે ચોથા ક્રમે છે. અમેરિકા ૧૫ ટકા સાથે પાંચમા નંબર પર છે. રશિયામાં ૧૪ ટકા, ચીનમાં ૧૦ ટકા, બ્રાઝિલમાં આઠ ટકા, ભારતમાં છ ટકા અને પાકિસ્તાનમાં ચાર ટકા વસ્તી ૬૫ કરતા મોટી ઉંમરની છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMJnKy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages