રામ રાજ : થાઈલેન્ડના રાજાનો હિન્દુ વિધિથી રાજ્યાભિષેક! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

રામ રાજ : થાઈલેન્ડના રાજાનો હિન્દુ વિધિથી રાજ્યાભિષેક!

6ઠ્ઠી મેના દિવસે રાજ્યાભિષેક વિધિ પૂર્ણ થયા પછી રાજા રામ દશમ તરીકે ઓળખાશે, જે બ્રાહ્મણો વિધિ કરાવી રહ્યા છે એ મૂળ રામેશ્વરમ્ના છે. રાજા પાઈલટ હોવાથી પરદેશ જાય ત્યારે પોતાનું બોઈંગ-737 પોતે જ ઉડાવે છે!


થાઈલેન્ડ પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે. ત્યાં થતી કેટલીક આછકલી પ્રવૃત્તિ માટે બદનામ પણ છે. પરંતુ ત્યાંની રાજાશાહી, રાજાઓની હિન્દુ ધર્મ પ્રત્યેની મમત અને રાજસી ઠાઠમાં ઠેર ઠેર જોવા મળતી રામાયણની અસર જાણવા જેવી છે. અત્યારે થાઈલેન્ડના રાજા વજિરાલોંગકોર્નની રાજ્યાભિષેક વિધિ ચાલી રહી છે. આમ તો 2016માં રાજા ભૂમિબોલ અતુલ્યતેજનું અવસાન થયું ત્યારથી વજિરાલોંગકોર્ન જ રાજા છે.

પરંતુ થાઈલેન્ડની પરંપરા પ્રમાણે રાજાના મૃત્યુ પછી યુવરાજનો રાજ્યાભિષેક થોડા વર્ષો પછી થાય છે. કહેવાય યુવરાજ પરંતુ રાજા વજિરાલોંગકોર્નની ઉંમર અત્યારે 66 વર્ષની છે. એપ્રિલ મહિનાથી તેમની રાજ્યાભિષેક વિધિ ચાલુ થઈ છે અને 6ઠ્ઠી મેના દિવસે તાજ માથે ચડાવશે એ સાથે પૂરી થશે.

રાજા બની ગયા પછી તેમને નવું નામ મળશે રામ દશમ એટલે કે રામના દશમા અવતાર. થાઈલેન્ડ પર 72વર્ષ સુધી લગલગાટ શાસન કરનારા ભૂમિબોલ રામ નવમા હતા. વર્તમાન રાજા વજિરા તેમની રંગીન પ્રકૃત્તિ માટે જાણીતા છે. હમણાં જ તેમણે પોતાની ભૂતપૂર્વ બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા છે.

એ તેમની ચોથી પત્ની છે. રાજાને ગમે એ રાણી કહેવત ત્યાં યથાર્થ સાચી પડે છે. ભારત જેવા દેશોએ રાજાશાહી ક્યારની ત્યજી દીધી છે. પરંતુ થાઈલેન્ડની રાજાશાહી ઘણા અંશે ભારતીય પરંપરાને મળતી આવે છે. 

એ તો જાણીતી વાત છે કે થાઈલેન્ડમાં રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. અયોધ્યામાં આવેલા આંતરરાષ્ટ્રીય રામાયણ મ્યુઝિયમમાં થાઈલેન્ડનો એક કોર્નર પણ છે.

એટલું જ નહીં થાઈલેન્ડમાં અયોધ્યા નગર છે, એક નદીનું નામ તાપી પણ છે. એવુ તો ઘણુ રામાયણ સાથે સીધો સબંધ ધરાવે છે, કેમ કે ખૂદ રાજા જ પોતાને રામવંશી ગણાવે છે. રાજા બેશક રઘુકુળના ન હોય, પરંતુ પ્રજા તેમને રામના અવતાર તરીકે જૂએ એવી પરંપરા ચાલી આવે છે.

આપણે ત્યાં કોઈ યુવતી સૌંદર્યવાન હોય તો ચહેરાની સરખામણી કોઈ હિરોઈન સાથે કરવામાં આવે, પરંતુ થાઈલેન્ડમાં સુંદર યુવતીની આંખોને સીતાજીના ચક્ષુ સાથે સરખાવવામાં આવે છે. કોઈ પણ થાઈ યુવતી માટે એ સૌભાગ્યની વાત છે.

એ થાઈલેન્ડના 'મહા વજિરાલોંગકોર્ન દ્વાદેબાયા વારાંકુન' એવુ આખુ નામ ધરાવતા રાજા હવે સત્તા પર આવ્યા છે. તેમના આ લાંબા નામનો અર્થ 'વજ્રધારી ઈન્દ્ર જેવા મહાબલી દેવતાના વંશજ' એવો થાય છે.

થોડા વર્ષો સુધી જર્મનીના સુંદર વેબેરિયા પ્રાંતમાં આલિશાન મકાનમાં તેઓ રહેતા હતા.

અહીં તો રાજસી પોશાક ત્યજીને જિન્સ-ટિશર્ટમાં સાઈકલ ફરતા અનેક લોકોએ તેમને જોયા છે. રામાયણ અને હિન્દુ સંસ્કૃતિનો પ્રચંડ પ્રભાવ હોવાથી બધા રાજવી કાર્યો રાજ પુરોહિતની સલાહ મુજબ થાય છે.

ગઈ 6ઠ્ઠી એપ્રિલે 11:52થી 12:38 વચ્ચે શુભ મૂહુર્તમાં વિધિનો આરંભ થયો હતો. શરૂઆત આખા થાઈલેન્ડમાં રહેલા 76 પવિત્ર જળશાયોમાંથી જળ એકઠું કરવાથી થઈ હતી. એ પછી પાણી પર વિધિ કરી તેના કળશ તૈયાર કરવામાં આવ્યા. 

એ કળશ દેશભરના મુખ્ય બોદ્ધ મઠોમાં ફર્યા, જ્યાં તેમનું શુદ્ધિકરણ થયું. એ જળમાં ગંગાજળ પણ મિક્સ કરવામાં આવ્યુ હતું. તેનો ઉપયોગ રાજ્યાભિષેકની વિવિધ પૈકીની કેટલીક પરંપરા માટે થયો હતો. 

થાઈલેન્ડની પ્રજા રાજાને ઘણું માન આપે છે. કોઈ રાજા વિરૂદ્ધ બોલે તો વળી 15 વર્ષનો જેલવાસ પણ થાય. રાજાશાહીના નિયમો આખી દુનિયામાં સૌથી કડક થાઈલેન્ડમાં છે.

એટલા બધા કડક કે વર્તમાન રાજા વજિરાલોંગકોર્નના ત્રીજા નંબરના રાણી સિરામીને રાણી પદેથી કાઢી મુકવામાં આવ્યા હતા અને તેમના પરિવારના કેટલાક સભ્યોને જેલભેગા કરી દેવાયા હતા. કેમ કે એ બધા રાણીના નામનો ઉપયોગ કરીને ભ્રષ્ટ્રાચાર કરતાં પકડાયા હતા.

રાજાશાહી થાઈલેન્ડમાં અંતિમ સત્તા તો લશ્કરી શાસકોના હાથમાં જ છે. મૂભળૂત રીતે લશ્કરી શાસન ધરાવતો દેશ છે. અલબત્ત, મોટા ભાગનો વહીવટ લોકશાહી ધોરણે ચાલે છે એટલે બર્માની જેમ થાઈલેન્ડમાં આપખુદશાહી જોવા મળતી નથી. જોકે રાજા અને સત્તાધીશો વચ્ચે નાનો-મોટો ખટરાગ થતો રહે છે.

1932પહેલાં થાઈલેન્ડમાં સંપૂર્ણ રાજાશાહી હતી. પરંતુ દેશવ્યાપી ચળવળ થયા પછી રાજાની સત્તાઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. ત્યારથી રાજાનું માન જળવાઈ રહે એટલા પૂરતી રાજાશાહી રાખી છે.

થોડા વર્ષો એવા પણ પસાર થયા હતા જ્યારે રાજાશાહી જ ન હતી. સત્તા સેનાના હાથમાં છે, પ્રજાની લાગણી રાજા તરફ છે. માટે કોઈ એકબીજાને ઓવરટેક કરી શકે એમ નથી. એ સ્થિતિનો લાભ લઈને રાજાએ બંધારણમાં પણ જરૂરી ફેરફારો કરાવી લીધા છે. 

પોતાના દેશને પ્રેમ કરતાં રાજાઓ મોટે ભાગે તો પશ્ચિમના દેશમાં ભણેલા હોય. ભૂમિબોલ હાવર્ડમાં ભણ્યા હતા, તો વજિરા બ્રિટન અને ઑસ્ટ્રેલિયમાં ભણ્યા છે. 

થાઈલેન્ડના રાજાના નામે બીજો વિક્રમ વિશ્વના સૌથી ધનાઢ્ય રાજા તરીકેનો છે. તેમની સંપત્તિ 60 અબજ ડૉલર છે. એટલે રાજ જતું રહે તો પણ રાજવી ઠાઠથી એ અને એમની સાત પેઢી જીવી શકે એમ છે. રાજાએ લશ્કરી તાલીમ લીધી છે, પાઈલટિંગ કરી જાણે છે અને બીજા ઘણા આધુનિક કહી શકાય એવા શોખ તેમણે વિકસાવ્યા છે. પરદેશ પ્રવાસે જાય તો પોતે જ પોતાનું બોઈંગ-737 ઉડાવતા હોય છે. 

ભૂમિબોલના કુલ ચાર સંતાનો છે, પરંતુ તેમાંથી ત્રણ દીકરી છે. દીકરીને સિંહાસન સોંપવાની પ્રથા ત્યાં નથી. રાજા માટે પુત્ર પેદા કરવો ફરજિયાત છે. એક રાણીથી પુત્ર પેદા ન થાય તો બીજી, બીજીથી ન થાય તો ત્રીજી એમ સિલસિલો ચાલ્યા કરે છે. આગલા ત્રણ લગ્નથી રાજા વજિરાલોંગકોર્નને કુલ સાત સંતાન થયા છે. એમાં ભાવિ વારસદાર પણ આવી જાય છે. માટે ચોથા લગ્નનો ઉદ્દેશ કુંવર પેદા કરવાનો નથી. પરંતુ સ્વભાવે રંગીન છે.

રાજ-કાજ કરતાં તેમનું ધ્યાન યુવતીઓ પર વધારે હોય છે. લગ્ન ન કર્યા હોય એવી પ્રેમિકાઓ પણ છે, જેનાથી પેદા થયેલા બીજા 6 સંતાનો પણ હોવાનું કહેવાય છે. 1987માં જાપાન ગયા ત્યારે રાજાની ઈચ્છા પોતાની પ્રેમિકાને સાથે રાખવાની હતી. જાપાની પરંપરા એ માટે છૂટ આપતી ન હતી. માટે રાજાએ એકલું રહેવું પડયું તેની તેમને ભારે રીસ ચડી હતી. એ પછી રાજાએ રીસ 1996માં ઉતારી હતી.

એ વખતે એક સંમેલનમાં ભાગ લેવા જાપાની વડા પ્રધાન બેંગકોંગ આવ્યા હતા. ત્યારે જાપાની વડા પ્રધાનનું વિમાન રાજાએ પોતાના વિમાન વડે કેટલોક સમય રોકી રાખ્યું હતું!

રાજ્યાભિષેકની જવાબદારી બેંગકોંગ પાસે આવેલા વાટ સુથાત મંદિરની છે. આ મંદિરના બ્રાહ્મણો તેના કામમાં લાગેલા છે અને વિધિ-વિધાન પ્રમાણે શ્લોક ઉચ્ચારી રહ્યા છે. આ બ્રાહ્મણો મૂળ તમિલનાડુના રામેશ્વરમના રહેવાસી છે. તેમના પૂર્વજો રામેશ્વરમથી થાઈલેન્ડ શિફ્ટ થયા હતા.1782માં રાજા રામ પ્રથમ ગાદી પર આવ્યા તેના બે વર્ષ પછી જ તેમણે દેવસ્થાન કહેવાતા મંદિરની સ્થાપના કરી હતી.

દક્ષિણ ભારતના પણ ઘણા મંદિરો દેવસ્થાનમ તરીકે જ ઓળખાય છે. 6મેના દિવસે કાર્યવાહી પૂરી થશે, પરંતુ મહત્ત્વની વિધિ 4થી મેના દિવસે થઈ હતી. એ દિવસે સવારના 4:09 વાગ્યાથી રાજાને પવિત્ર પાણીથી નવડાવવા, શરીર પર લેપ કરવો, સિંહાસન પર બેસાડવા, માથા પર મુગટ ગોઠવવો, રાજવી વસ્ત્રો પહેરાવવા, હથિયારો ધારણ કરવા.. વગેરે વિધિ 4 તારીખે પૂર્ણ કરવામાં આવી છે.

મુગટ પહેર્યા પછી રાજા પહેલો સત્તાવાર આદેશ જાહેર કરતાં હોય છે. જે મુગટ પહેરે એ રોજ રોજ પહેરી રાખવો શક્ય નથી કેમ કે 66 સેન્ટિમિટર ઊંચો મુગટ 7 કિલોગ્રામ જેટલુ વજન ધરાવે છે. એ વિધિ પત્યા પછી રાજમહેલમાં પ્રવેશ, ત્યાં ભોજન લેવું, વગેરે કામગીરી થઈ હતી.

એ દિવસે જ રાજવી પરિવારના સભ્યો, લશ્કરી અધિકારીઓ, દેશના વહિવટકારો વગેરેની શુભેચ્છા રાજાને પ્રાપ્ત થાય, સત્તાવાર મિટિંગ મળે.. પછી તો ઘણી નાની-મોટી વિધિ ચાલ્યા કરે. 

થાઈલેન્ડની પ્રજા માટે આ બહુ મોટો ઉત્સાહ છે. કેમ કે છેલ્લે 1950માં ભૂમિબોલનો રાજ્યાભિષેક થયો હતો. માટે સાત દાયકા દરમિયાન જન્મેલી પેઢીઓને તો રાજ્યાભિષેક કેવો હોય તેની ખબર જ નથી. માટે પ્રજા તો રાજાના સત્તારોહણની મજા લઈ રહી છે. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H2h6Kz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages