
રાજકોટ,તા.3 મે 2019, શુક્રવાર
ગત મંગળવારે અટીકા વિરાણી અઘાટમાં સલુજા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં ઘૂસી તેનાં માલીક બલદેવ દેવેન્દ્રભાઈ સલુજા (૨૪)ને છરી મારી, ભય બતાવી ૧ લાખનાં મુદામાલની લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ ત્રણ આરોપીઓ કિશન ભરત ડોડીયા (ઉ.વ.૨૨, રહે. ૨૫ વારીયા, વિશ્વકર્મા સોસાયટી, પુનિતનગર પાણીનાં ટાંકા પાસે), તિરંગો ઉર્ફે અપ્પુ નાનજી દવેરા (ઉ.વ.૨૨)અને નિતિન ઉર્ફે કાનો વલ્લભ વાઘેલા (ઉ.વ.૨૦, રહે. બંને આંબેડકરનગર, એસ.ટી. વર્કશોપ પાછળ)ને ઝડપી લેતા કુલ બે લૂંટનાં ગુનામાં ભેદ ઉકેલયા છે.
સમી સાંજે થયેલી આ લૂંટનાં ટેકનોલોજીની મદદથી ભેદ ઉકેલાયો છે. લૂંટની ઘટના બાદ પોલીસે આઈ-વે પ્રોજેકટનાં સીસીટીવી ચેક કરતા તેમાંથી લૂંટમાં વપરાયેલા બાઈકનો નંબર મળ્યો હતો. જેનું લોકેશન ભાવનગરમાં મળ્યું હતું. એટલું જ નહીં સીસી ટીવીમાં દેખાયેલા ત્રણ આરોપીઓમાંથી એક કિશન હોવાનું ઓળખાઈ જતાં તેનાં વિશે સુરક્ષા કવચ એપમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જે ટપોરી તરીકે નોંધાયેલો હતો.
આ બધી માહિતીનાં આધારે એએસઆઈ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ વગેરેને મળેલી બાતમીનાં આધારે પીઆઈ હિતેષ ગઢવી અને પીએસઆઈ ધાખડાએ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે છરી, મોબાઈલ, ૭૦ હજારનો લૂંટનો મુદ્દામાલ, બાઈક વગેરે કબ્જે કર્યા હતો.
પોલીસ સમક્ષ આરોપીઓએ વીરાણી અઘાટની લૂંટનાં દોઢથી બે કલાક પહેલા જ એસટી વર્કશોપ પાછળ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નંબર ૧૬/૧૭ માં એન્ટેક વાયર કેબલનાં કારખાના બહાર મોબાઈલ પર વાત કરતાં રામાબાબુ જટુબી શાહ ગુપ્તા (ઉ.વ.૩૯, રહે. મૂળ બિહાર)પર છરી વડે હુમલો કરી તેનો મોબાઈલ લૂંટી લીધાની કબુલાત આપી હતી.
આરોપી કિશન સામે અગાઉ મારામારી, ચોરીનો, નિતિન સામે ધોરાજીમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. મોજશોખ કરવા બે કલાકમાં બે લૂંટ ચલાવી હતી. પરંતુ હવે ગુનાનાં ડિટેકશનમાં મહત્વની બનતી ટેકનોલોજીના આધારે ભાંડો ફુટી ગયો હતો અને ત્રણે દિવસમાં ઝડપાઈ ગયા હતાં.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhReiR
No comments:
Post a Comment