મહારાષ્ટ્રમાં દુષ્કાળનું પાંચમું વર્ષ અને સરકાર હજુ યોજનાઓ વિચારે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

મહારાષ્ટ્રમાં દુષ્કાળનું પાંચમું વર્ષ અને સરકાર હજુ યોજનાઓ વિચારે છે

વડોદરા,તા.૦૪ મે ૨૦૧૯, શનિવાર

મહારાષ્ટ્રના પુનામાં ચક્રપાણી વસાહતમાં આવેલ ત્રણ રૃમ રસોડાના એક સામાન્ય ઘરમાં ૨૯ જણનો પરિવાર રહે છે. જેમાં ૨૫ બાળકો છે. આ ઘરનું નામ 'સ્નેહવન' અપાયુ છે. પુનાની એક આઇટી કંપનીમાંથી જોબ છોડીને યુવા આઇટી પ્રોફેશનલ અશોક દેશમાનેએ ચાર વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આપઘાત કરી લેનાર ખેડુતોના બાવન બાળકોને દત્તક લીધા છે અને તેને ભણાવી-ગણાવીને કારકિર્દી સેટ કરવાનું અભિયાન હાથમાં લીધુ છે.

અશોક દેશમાને આજે વડોદરા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં દુષ્કાળનું આ સળંગ પાંચમું વર્ષ છે.મરાઠાવાડા અને વિદર્ભની હાલત ખુબ જ ખરાબ છે. આ વિસ્તારમાં ખેતી સિવાય રોજગારીનું અન્ય કોઇ સાધન નથી. પાંચ વર્ષથી દુષ્કાળ અને સિંચાઇની કોઇ વ્યવસ્થા નહી હોવાથી ખેડૂત પરિવાર ભૂખે મરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઔદ્યોગીક વિકાસ સંતુલીત નથી. મુંબઇ, પુના, નાસીક અને ઔરંગાબાદને બાદ કરતા બાકીનું મહારાષ્ટ્ર માત્ર ખેતી પર નિર્ભર છે તેમાં પણ સિંચાઇ માટે જે ડેમ બનાવવામાં આવ્યા છે તે માત્ર પશ્ચિમ મહારાષ્ટ્રમાં જ છે'

અશોક દેશમાનેએ ઉમેર્યુ હતું કે 'મહારાષ્ટ્રમાં ૧૯૭૨થી દુષ્કાળની સ્થિતિ વિકટ બની રહી છે તેમ છતા અત્યાર સુધીની સરકારો માત્ર યોજનાઓ જ બનાવી રહી છે. ફિલ્મ સ્ટારો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે પરંતુ આપઘાત કરી લેનાર ગરીબ ખેડૂતોના એજ્યુકેશન માટે કોઇ કામ કરતુ નથી એટલે મે ડિસેમ્બર ૨૦૧૫માં મારી નોકરી છોડી દીધી અને મારા-માતા પિતાના સહયોગથી મારા ઘરમાં જ એવા ૧૮ બાળકોને પરિવારના સભ્યો બનાવ્યા કે જેમના ખેડૂત પિતાએ આપઘાત કરી લીધો હતો. તે પછી મારા લગ્ન થયા અને હાલમાં અમારો પરિવાર માતા-પિતા, હું મારી પત્ની અને આપઘાત કરનાર ખેડૂતોના ૨૫ બાળકો મળીને ૨૯ જણનો પરિવાર છે. આ ઉપરાંત અન્ય ૨૭ બાળકો એવા છે કે જે તેમની વિધવા માતા સાથે રહે છે પરંતુ તેમની જવાબદારી અમે લીધી છે. ૭ વર્ષથી લઇને ૧૭ વર્ષ સુધીના ૨૦ બાળકીઓ ૩૨ બાળકો મળીને કુલ ૫૨ બાળકોને ભણાવીને તેમની કારકીર્દિ સેટ કરવાની જવાબદારી મે મારી જાતે જ લીધી છે. મારી પત્ની રોજ બે ટાઇમ ચા, નાસ્તો, રસોઇ બનાવીને આ બાળકોને ભોજન કરાવે છે. બાળકો સ્કૂલ પછીના સમયમાં અમારી ૧૦ શિક્ષકોની ટીમ પાસેથી ટયુશન, સંગીત, નૃત્ય, ખેલ-કુદની તાલીમ મેળવે છે અને લાયબ્રેરીમાં વાંચન પણ કરે છે. અમારો લક્ષ્ય આ બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે'



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VR8EWM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages