
જગતની જુદી-જુદી પ્રજામાં ડહાપણનું સ્તર અલગ-અલગ હોય છે, પણ એક બાબતે તેઓમાં સમાનતા જોવા મળે છે. અસ્મિતા બાબતે. કોઈ પણ પ્રજા તેની અસ્મિતા ગુમાવવા તૈયાર થતી નથી. ઈતિહાસ કહે છે કે આ વિશે જે પ્રજા ગાફેલ રહી છે તેની હસ્તી માત્ર પાનાંમાં છપાયેલી રહી ગઈ છે. બલૂચ આવામ જરાય બેપરવા નથી. ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરે તેની અસ્મિતા પર જોખમ ઊભું કર્યું છે અને તે ચીનાઓ પર હુમલા કરીને સતત પોતાનો વિરોધ દર્જ કરાવી રહી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાન્તમાં ગ્વાદર પોર્ટ પર એક આલિશાન ફાઇવ સ્ટાર હોટલ આવેલી છે. લેખમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે જ. હોટલ પર્લ કોન્ટિનેન્ટલ. તાજેતરમાં ત્યાં ત્રાસવાદી હુમલો થયો. ત્રણ ત્રાસવાદીઓ હોટલમાં ઘૂસી આવેલા. તેમણે હોટલના ચાર કર્મચારીઓ અને સેનાના એક જવાનનો ભોગ લીધો. આતંકીઓનો ટાર્ગેટ ચીની નાગરિક હતા. તેઓ સફળ ન થયા તે અલગ વાત છે.
આ કારસ્તાન હતું અલગાવવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)નું. બીએલએ વર્ષોથી અલગ બલૂચિસ્તાનને અલગ દેશ બનાવવાની માગણી કરી રહ્યું છે. એક દશકાથી લડી રહ્યું છે. ચીને અહીં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરડોર બાંધવાનું આરંભ્યા પછી અનેક વખત ચીની નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. તાજેતરમાં થયેલો હુમલો પાંચમો છે.
એની પહેલા બીએલએએ ગત ઓગસ્ટમાં ડેરા બૂગતી જિલ્લામાં ચીની નાગરિકો અને એન્જિનિયરોને લઈ જતી એક બસને ટાર્ગેટ બનાવી હતી. તેના પર આત્મઘાતી હમલો કર્યો હતો. ત્રણ ચીની નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગત નવેમ્બરમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર આત્મઘાતી હુમલો થયેલો. તેમાં બે પોલીસ અધિકારી અને વિઝા લેવા આવેલા બે પાકિસ્તાની નાગરિકોનાં મોત થયાં હતાં.
એ હુમલાને અંજામ આપ્યો હતો ત્રણ સંગઠનોએ. બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડે. ગત ૩૦મી માર્ચે સી-પેકમાં કાર્યરત ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા ૨૨ વાહનોના કાફલા પર કરાંચીમાં હુમલો થયો હતો. તેમાં ચીની કર્મચારીઓ સહિત ઘણા બધાને ઈજા પહોંચી હતી.
શા માટે ચીનના નાગરિકોને જ લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે? તેની પાછળના કારણો છે. ચીને પાકિસ્તાનમાં ૬૦ અબજ ડોલરનો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો તેમાં માત્ર પાકિસ્તાનને જ પક્ષકાર બનાવ્યું. બલૂચિસ્તાન અને ભારત બંનેની ઉપેક્ષા કરાઈ છે. તમને એમ થાય કે ચીનમાં પ્રોજેક્ટ સ્થાપવા માટે અમેરિકાએ ભારતને પૂછવાની જરૂર શી? છે. જરૂર છે.
કેમ કે આ પ્રોજેક્ટ ચીન બાદ સીધો બાલ્ટિસ્તાનમાંથી પસાર થઈ રહ્યો છે. બાલ્ટિસ્તાન પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરનો ભાગ છે, જે વિવાદિત ભૂમિ છે. જે ધરતી પર ભારત અને પાકિસ્તાન બંનેનો દાવો છે ત્યાં ચીન માત્ર પાકિસ્તાન સાથે મળીને આર્થિક પ્રોજેક્ટ કઈ રીતે નક્કી કરી નાખે? તેમ છતાં ભારતે ચીન સામે વિરોધ દર્જ કરાવવા સિવાય બીજા કોઈ પગલાં લીધા નથી. એક દેશ તરીકે તે આપણી શાલીનતા છે.
હવે વાત બલૂચોની. બલૂચિસ્તાનના લોકો વર્ષોથી આઝાદીની માગણી લઈને બેઠા છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન જ્યારથી અસ્તિત્ત્વમાં આવ્યું છે ત્યારથી તેમનું માત્ર શોષણ થતું રહ્યું છે. બલૂચ લોકોને સતત સામાજિક ભેદભાવનો સામનો કરતો રહેવો પડયો છે.
સી-પેક આવ્યો ત્યારે તેમણે શરૂઆતમાં વિરોધ કર્યો નહોતો અથવા સામાન્ય વિરોધ દર્જ કરાવ્યો હતો. તેમને આશા હતી કે સી-પેકના બહાને બલૂચિસ્તાનમાં વિકાસ આવશે. નોકરીઓ આવશે, કિન્તુ તેના પર અરબ સાગરનું પાણી ફરી વળ્યું છે. ચીન સી-પેકના બાંધકામ માટેના ઇજનેરો, મજૂર, કોન્ટ્રાક્ટરો બધું ચીનથી લાવી રહ્યું છે.
સ્થાનિક લોકોને એક પણ કામ માટે રાખવામાં આવ્યા નથી. એટલે જે પ્રમાણેના જોબ ક્રિએશનની તેઓ ઇચ્છા રાખી રહ્યા હતા તે ફળીભૂત થઈ નથી. સી-પેક બનાવવા માટે જે જમીનો સંપાદિત કરવામાં આવી છે તેમાં પણ સ્થાનિકોને પૂરતું વળતર અપાયું નથી. સી-પેકનો મોટો હિસ્સો બલૂચિસ્તાનમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓને કોઈ ફાયદો નહીં? બહોત નાઇન્સાફી હૈ.
બલૂચિસ્તાનમાં ચીન એક સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બાંધી રહ્યું છે ત્યાં પાંચ લાખ ચીની નાગરિકોને વસાવવાનું છે. બલૂચોને આની સામે સૌથી મોટો વાંધો છે. તેમને નોકરી પણ ન અપાય અને બહારથી લાખો લોકોને લાવીને બલૂચિસ્તાનમાં વસાવાય તો બલૂચીઓની આઇડેન્ટિટીનું શું? આમાં તો જતા દહાડે તેમની હાલત રેડ ઇંડિયન્સ જેવી થાય.
પહેલા બલૂચીઓ દ્વારા સામાન્ય હુમલા કરવામાં આવતા હતા. હવે વધારે હિંસક અટેક કરાય છે. ડ્રેગન માટે સી-પેક ગળી પણ ન શકાય અને થૂંકી પણ ન શકાય એવું હાડકું થઈ ગયું છે. એક સમયે પાકિસ્તાન વિચાર કરતું હતું કે સી-પેક પ્રોજેક્ટ થવા દેવો કે નહીં. આજે જે રીતે હુમલા વધી રહ્યા છે તે જોતા ચીને વિચારવું પડે એવી સ્થિતિ છે.
એક વાત તો પાકી છે. ડ્રેગન જો બલૂચોને વિશ્વાસમાં નહીં લે, તેમને વિકાસમાં ભાગીદાર નહીં બનાવે તો બલૂચિસ્તાનમાં ત્રાસવાદી હુમલા કમ થવાના નથી. મસૂદ અઝહર બલૂચોના હુમલા રોકવામાં ચીનને મદદ કરી રહ્યો હતો, પણ તેને યુએને આતંકી જાહેર કરી દેતા આ મદદ બંધ થઈ ચૂકી છે. ડ્રેગન હવે કઈ ચાલ ચાલે છે તે જોવાનું રહે છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- ડોનલ્ડ ટ્રમ્પ ચીન સાથેના ટ્રેડ વૉરને આગામી પ્રમુખીય ચૂંટણીનો મુદ્દો બનાવવા માગે છે. તેમણે ધમકી આપી કે ચીન અત્યારે સમજૂતિ કરી લે નહીં તો ૨૦૨૦માં સ્થિતિ વધારે ખરાબ થશે. તેમણે એમ પણ કહ્યું કે ચીન રાહ જોઈ રહ્યું છે. તે વિચારે છે કે ૨૦૨૦માં જો ડેમોક્રેટ ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ જશે તો અમે અમેરિકાને વર્ષે ૫૦૦ અબજ ડોલરનો ચૂનો ચોપડી શકીશું.
- પાકિસ્તાન હાલ ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમાંથી બહાર નીકળવા માટે આઇએમએફ(આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ) તેને ત્રણ વર્ષમાં છ અબજ ડોલરની સહાય કરશે. ૪૨,૦૦૦ કરોડ રૂપિયા, એવું ડોન અખબારને ઈમરાન ખાનના આર્થિક સલાહકાર ડૉ. અબ્દુલ હફીઝ દ્વારા જણાવાયું હતું.
- શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર પર ચર્ચમાં થયેલા હુમલા મુદ્દે મુસ્લિમો સામે લોકરોષ ફાટી નીકળ્યો છે. મુસ્લિમ સમુદાયના લોકો પર હુમલા વધી ગયા છે. તેમને સિંહલી પ્રજાના આક્રોશનો સમાનો કરવો પડી રહ્યો છે. તેની ગંભીરતાને ધ્યાને લઈને સરકાર દ્વારા કર્ફ્યુ ઘોષિત કરી દેવામાં આવ્યો છે.
- અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ મુદ્દે રશિયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં આ મુદ્દે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો વચ્ચે મુલાકાત થઈ હતી. ક્રિમલિનના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકા ઈરાનને ઘેરી રહ્યું છે, તેને ઉશ્કેરી રહ્યું છે. તેમ ન કરવાનું તેણે આશ્વાસન આપ્યા પછી પણ અટકી રહ્યું નથી.
- અમેરિકાના એક ભૂતપૂર્વ જાસૂસ પર ચીનને ગોપનીય માહિતી વેચવાનો ગુનો સાબિત થયો છે. તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેનું નામ છે, કેવિન પી. મેલરી. હાલ તેની ઉંમર ૬૨ વર્ષ છે. એક વખતે તે અમેરિકી સેનામાં હતો. નિવૃત્ત થયા બાદ સીઆઇએ (સેન્ટ્રલ આર્મી ઇન્ટેલિજન્સ) અને ડીઆઈએ (ડીપાર્ટમેન્ટ ઑફ આર્મી ઇન્ટેલિજન્સ)માં તાલીમ લીધી.
તે અતિગોપનીય સ્તર સુધી કોઈ પણ પ્રકારની ઝડતિ વિના જઈ શકતો હતો. નિવૃત્ત થયા બાદ તેણે કન્સલ્ટન્સી ફર્મ ખોલી હતી. તેમાં નુકસાન જવા લાગતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તે ચીની ગુપ્તચરોના સંપર્કમાં આવ્યો અને તેમને ગુપ્ત માહિતી વેચવા લાગેલો. જોકે તે ગુનો સ્વીકારવાનો ઈનકાર કરતા એવો બચાવ કરી રહ્યો છે કે હું ચીનને ગેરમાર્ગે દોરી રહ્યો હતો.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTtWKh
No comments:
Post a Comment