વડોદરા,તા.14 મે,2019,મંગળવાર
અકોટા રોડ પર બે કાર ટ્રાન્સફોર્મરમાં ઘૂસી જઇ આગ લાગવાના બનેલા બનાવમાં પોલીસે ૨૦ દિવસ પહેલાં જ કાર છોડાવનાર કાર ચાલકની ધરપકડ કરી છે.
અકોટા રોડ પર ગઇકાલે રાતે અઢીવાગ્યાના સુમારે ગાય સર્કલ થી અકોટા બ્રિજ તરફ જઇ રહેલી નવી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર પાર્ક કરેલી કારમાં તેની કાર ઘૂસી ગઇ હતી અને ત્યારબાદ ૧૫ ફૂટ ઘસડાયેલી બંને કાર ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર ભટકાતાં આગ લાગી હતી.
ઉપરોક્ત બનાવમાં બંને કાર આગમાં ખાક થઇ ગઇ હતી અને એક બાઇક સવારનો બચાવ થયો હતો.જ્યારે,કારચાલક પણ બહાર નીકળી જતાં તેનો પણ બચાવ થયો હતો.
ગોત્રી પોલીસના પીઆઇ ડીકે રાવે આ બનાવની તપાસ હેકો કિશનભાઇને સોંપી હતી.કારનો નંબર નહીં હોઇ પોલીસે શો રૃમોમાં તપાસ કરી હતી.છાણીના શો રૃમમાંથી કારના માલિકને લગતી માહિતી મળતાં પોલીસે કાર ચાલક અધિરાજ સુનિલભાઇ શાહ (રહે.સંગમ એપાર્ટમેન્ટ, બગીખાના પાસે,પોલોગ્રાઉન્ડ)ની ધરપકડ કરી છે.
પોલીસની પૂછપરછમાં કાર ચાલક અટલાદરા વિસ્તારની ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાની અને સેવાસી ગામે રહેતા મામાને ત્યાંથી પરત ફરતી વખતે ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKve0i
No comments:
Post a Comment