
- નહેરનું પાણી બંધ કરાવવાની આપેલી ચીમકી મુજબ ટોળું પહોંચ્યું પણ પોલીસે અટકાવ્યા, બે દિવસમાં પાણી પહોંચાડવા બાંહેધરી આપતા આંદોલન સમેટાયું
વ્યારા, તા. 13 મે 2019, સોમવાર
તાપી જિલ્લાનાં આદિવાસી વિસ્તારોને ઉકાઈ ડેમનું પાણી નહીં મળતાં અને ઉદ્યોગોને પાણી ફાળવવામાં આવતા તાપી જિલ્લા જળ સંકટ નિવારણ સમિતિ દ્વારા ઉકાઈ ડેમનાં ગેટ પાસે જઇ નહેરનું પાણી બંધ કરવાની ચીમકી આપી હતી. પાંચ દિવસમાં પાણી આપવાની માંગણી નહીં સંતોષાતા જળ સંકટ નિવારણ સમિતિ અને ભીલીસ્તાન ટાઇગર સેનાના સંગઠનનાં લોકોએ ભેગા થઈને ઉકાઇ ડેમ નહીં નહેર બંધ કરાવવા પહોંચી જતાં પોલીસે અટકાવ્યા હતા. સિંચાઈ વિભાગનાં અધિકારીએ સ્થળ પર આવી ર દિવસમાં પાણી પહોંચાડવા બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.
તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાંથી નીકળતી કેનાલોનું પાણી જિલ્લા બહારનાં વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે. પણ તાપી જિલ્લાનાં ખેડૂતોને પુરતું પાણી પહોંચતું નથી, હાલ ગરમીની ઋતુ હોય, જિલ્લાભરમાં પીવાનાં પાણીનો કકળાટ ચાલે છે. ટેન્કરો મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લા જળ સંકટ નિવારણ સમિતિનાં કન્વીનર આકાશભાઈ ગામીત, ભીલીસ્તાન ટાઈગર સેનાનાં આગેવાન ધવલ ચૌધરી સહિત આદિવાસી સંગઠનો દ્વારા ઉકાઈ ડાબા કાંઠા નહેરનું પાણી ઉદ્યોગોને આપવાનું બંધ કરી જિલ્લાનાં લોકોને આપવાની માંગણી કરી તા.૮મેનાં રોજ વ્યારા ખાતે કલેકટરને આવેદન આપ્યું હતું અને પ દિવસમાં પાણી આપવાની માંગ કરી પ્રજાને પાણી નહીં મળે તો તા.૧૩મેનાં રોજ ઉકાઈ ડેમનાં ગેટ પાસે જઈ નહેરનું પાણી અટકાવી દેવાની ચીમકી આપી હતી.
જેથી સોમવારે સવારથી નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી, સંજય રાયની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમનાં ગેટ પાસે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બપોરે ૧રઃ૩૦ કલાકે મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં આગેવાનો મહિલાઓ ટોળું લઈને ઉકાઇ ડેમના ગેટની નજીક આવતા હતા. જેથી પોલીસે ટોળુંને અટકાવ્યું હતું અને ઉકાઇ ડેમનું નહેરમાં જતું પાણી અટકાવવા જવા દીધા ન હતા. ત્યારબાદ વેર-ર સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર પ્રતાપ વસાવા સાથે અડધો કલાક સુધી તેઓની ચર્ચા ચાલી હતી. જેમાં કાર્યપાલક ઈજનેરે ર દિવસમાં જે-તે વિસ્તારોમાં ટેન્કરો મારફતે પણ પાણી આપવાની બાંહેધરી આપતાં આંદોલન સમેટયું હતું. અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vmb8Ib
No comments:
Post a Comment