
ધોરાજી, તા.13 મે 2019, સોમવાર
ધોરાજી ખાતે પીવાનું પાણી પુરુ પાડતા ફોફળ ડેમની લાઈન પર મુકેલા વાલ્વમાં ઠેરઠેર લીકેજને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલ ઉનાળાની સિઝનમાં એક તરફ પાણીની તંગીથી લોકો પીડાઈ રહ્યા છે અને ધોરાજી શહેરમાં દર આઠ આઠ દિવસે થતા પાણી વિતરણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ફોફળ ડેમથી ધોરાજી શહેરમાં આવતી પાણીની લાઈનો પર મુકેલા વાલ્વમાં ઠેર ઠેર લીકેજથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.
સમગ્ર મામલે ધોરાજી નગરપાલિકાના વોટર વર્કસ સમિતિના સુપ્રિટેન્ડેન્ટ રાજુભાઈ પોકિયાએ જણાવેલ કે ફોફળ ડેમથી આવતી પાણીની લાઈન પર અમુક અસામાજિક તત્વો દ્વારા વાલ્વ સાથે ચેડા કરી તોડફોડ કરી તેને લીકેજ કરી નાખવામાં આવે છે.
આ બાબતે ધોરાજી પોલીસ મથકે રજૂઆત કરવામાં આવશે તેમજ આ લાઈનવાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધે તે બાબતે યોગ્ય રજૂઆત કરાશે.
ધોરાજીમાં દર સાતથી આઠ દિવસે થતા પાણીના વિતરણ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ફોફળ ડેમમાં પાણીનો જથ્થો ઓછો રહ્યો છે. જે પાણી ધોરાજીમાં ગ્રેવિટીથી અપાતું હતું. તેના બદલે હાલ પમ્પીંગ દ્વારા અપાઈ રહ્યું છે અને ડેમ વિસ્તારમાં મોટર ઉતારી તેના દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ ધોરાજીમાં પાણી વિતરણની વ્યવસ્થાના દિવસોમાં ઘટાડો થાય અને રેગ્યુલર પાણી વિતરણ થાય તે પ્રકારે વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
ધોરાજીમાં અનિયમિત થતા પાણી વિતરણ સામે નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ વ્યાપી રહ્યો છે જ્યારે બીજી તરફ પાઈપલાઈનમાં વાલ્વના લિકેજના બનાવો સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા લીકેજ સત્વરે બંધ કરી શહેરને નિયમિત પાણી વિતરણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vTbHiu
No comments:
Post a Comment