ડબ્લીન, તા.૫
જોન કેમ્પબેલના ૧૭૯ અને તેના ઓપનિંગ જોડીદાર શાઈ હોપના ૧૭૦ રન તેમજ બંને વચ્ચેની ૩૬૫ રનની વિશ્વવિક્રમી ભાગીદારીને સહારે વિન્ડિઝે આયર્લેન્ડ સામેની ત્રિકોણીય જંગની પ્રથમ વન ડેમાં ત્રણ વિકેટે ૩૮૧ રન ખડક્યા હતા. કેમ્પબેલ અને શાઈ હોપે ઝંઝાવાતી બેટીંગને સહારે વન ડે ક્રિકેટમાં હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો વિશ્વવિક્રમ તોડી નાંખ્યો હતો. તેમણે વન ડેમાં કોઈ પણ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું હતુ.
વન ડે ક્રિકેટમાં કોઈ પણ વિકેટ માટે થયેલી સૌથી વધ રનની ભાગીદારીઓમાં કેમ્પબેલ અને હોપની જોડીને બીજુ સ્થાન મળ્યું છે. પ્રથમ ક્રમે વિન્ડિઝના જ ગેલ અને સેમ્યુઅલ્સ છે, જેમણે ૨૪ ફેબુ્રઆરી,૨૦૧૫માં કેનબૅરા ખાતે ઝિમ્બાબ્વે સામે બીજી વિકેટમાં ૩૭૨ રન કર્યા હતા. જ્યારે અત્યાર સુધી ૩૩૧ રનની ભાગીદારી સાથે બીજા ક્રમે રહેલા તેંડુલકર અને દ્રવિડ હવે ત્રીજા ક્રમે પહોંચ્યા છે, તેમણે ૧૯૯૯માં ન્યુઝીલેન્ડ સામેની હૈદરાબાદ વન ડેમાં બીજી વિકેટમાં આ વિક્રમી ભાગીદારી નોંધાવી હતી.
કેમ્પબેલ અને હોપ દુનિયાના એવા સૌપ્રથમ ઓપનર્સ બન્યા હતા કે,જેમણે એક જ મેચમાં૧૫૦-૧૫૦ થી વધુ રન ફટકાર્યા હોય. કેમ્પબેલે ૧૩૭ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૧૭૯ રન ફટકાર્યા હતા. જ્યારે શાઈ હોપે ૧૫૨ બોલમાં ૨૨ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૭૦ રન નોંધાવ્યા હતા. આયર્લેન્ડે ૧૫ વાઈડ નાંખ્યા હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VPm7hu
No comments:
Post a Comment