શેત્રુંજી ડેમમાં જુલાઇ માસ સુધી ચાલે તેટલું જ પાણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

શેત્રુંજી ડેમમાં જુલાઇ માસ સુધી ચાલે તેટલું જ પાણી


ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર

ભાવનગર જિલ્લા અને મહાપાલિકા વિસ્તારના વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ હલ કરવા માટે પાણી પુરવઠા તંત્ર, સિંચાઇ વિભાગ અને મહાપાલિકા વોટર વર્કસ વિભાગ દ્વારા અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 661 ગામ અને 16 શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાંથી હાલ ભાવનગરની 12 તથા અમરેલી જિલ્લાની એક મળી કુલ 13 ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફત જિલ્લાના 493 ગામોને તેમની જરૂરિયાત મુજબ પાણી પુરૂ પાડવામાં આવે છે. બાકીના 168 ગામ પૈકી 165 ગામ હાલ પોતાના લોકલ સોર્સમાંથી તેમજ ૩ ગામને ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવે છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી બોદરના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના 16 શહેરી વિસ્તારો (ભાવનગર અને પાલિતાણા સિવાય)ને નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે. જ્યારે પાલિતાણા શહેર શેત્રુંજી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવે છે તેમજ ભાવનગર શહેરને શેત્રુંજી ડેમ ઉપરાંત નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં આગામી ઉનાળાની પરિસ્થિતી તથા સંભવિત પાણી તંગીને ધ્યાને લઇ કન્ટિન્જન્સી માસ્ટર પ્લાન બનાવાયો છેજે મુજબ સંભવિત પાણી તંગીવાળા કુલ 123 ગામમાં 8/6 ઇંચના બોર હેન્ડપંપ તથા ટેન્કર મારફત પાણી પહોંચાડવા માટે કુલ રૂ. 616.55 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના જે ત્રણ ગામને ટેન્કરથી પાણી પૂરૃ પાડવામાં આવે છે, તેમાં ભાવનગર તાલુકાના ભડભડિયા, તળાજાના મીઠીવીરડી તેમજ શિહોરના ટોડાનો સમાવેશ થાય છે.

પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ભાવનગર શહેર, પાલિતાણા શહેર તથા ગારિયાધાર અને પાલિતાણા તાલુકાના 86 ગામ માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો અનામત રખાયો છે. આ જથ્થો આગામી જુલાઇ-2019 સુધી ચાલે તેટલો છે. આ અંગે સિંચાઇ વિભાગના અધિકારી એસ.જી. પટેલના જણાવ્યા અનુસાર જિલ્લાના શેત્રુંજી ડેમમાં 11 ફૂટના જળસ્તરે હાલ 37.48 એમસીએમ જેટલો પીવાના પાણીનો જથ્થો છે, આ ઉપરાંત વધારાનું 300 એમસીએફટી પાણી ડેડ સ્ટોરેજ તરીકે અલાયદુ રાખવામાં આવેલ છે. આ ડેમમાંથી ગારિયાધાર, પાલિતાણા અને ભાવનગરના 87 ગામોને પાણી પૂરૃ પાડવામાં આવે છે. આ ઉપરાંત, મહુવા તાલુકાના રોજકી ડેમમાં 17 ગામ માટે વાર્ષિક 50 એમસીએફટી પાણી અનામત રાખ્યું છે. રોજકી ડેમમાં હાલ 8 ફૂટના જળસ્તરે 0.4908 એમસીએમ પાણીનો જથ્થો છે. જેમાંથી કુલ 17 ગામને પાણી આપવામાં આવે છે.

અછત પાણી તંગી અન્વયે જિલ્લા અછત પાણી સમિતિ દ્વારા કુલ 73 ગામ માટે બોર મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી સફળ થયેલા 48 બોર પૈકી 44 ગામોમાં મશીનરી ફાળવી આપેલ છે. જ્યારે 4 ગામમાં કામગીરી કરવાની રહે છે. જિલ્લાના 548 ગામમાં હાલ કુલ 2497 હેન્ડપંપ કાર્યરત છે. જિલ્લાની અછત પાણી સમિતિની બેઠક દર સોમવારે યોજાય છે. જેમાં ગામોની સમીક્ષા કરી, આવેલી દરખાસ્તોનો જરૂરિયાત મુજબ મંજૂરી આપીને નિકાલ કરવામાં આવે છે. રાજ્યમાં જાહેર કરવામાં આવેલા 51 અછતગ્રસ્કત તાલુકામાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનો સમાવેશ થાય છે. જે માટે કન્ટિન્જન્સી માસ્ટર પ્લાનમાં રૂ. 96.50 લાખનું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગરવાસીઓને ઓગષ્ટ મહિના સુધી પાણી મળી રહે તેવું આયોજન

ભાવનગર મહાપાલિકા વોટર વર્કસ વિભાગના ઇજનેર દેવમુરારીના જણાવ્યા અનુસાર મહાપાલિકા વિસ્તારને 8 ઝોન હેઠળ 225 સબઝોનમાં વહેંચી 92% શહેરી વિસ્તારને પાણી વિતરણ હેઠળ આવરી લેવાયો છે. જે અંતર્ગત અઠવાડિયામાં 6 દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરી હદ વિસ્તાર વધતા મહાપાલિકામાં ઉમેરાયેલા નવા ગામો રૂવા, અકવાડા, તરસમિયા, સિદસર, નારને વર્ષ 2015થી મહાપાલિકાના મેઇન લાઇનના નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.

જ્યારે શહેરના ઉંચાણવાળા અને છેવાડાના અમુક વિસ્તારો કે જ્યાં વોટર વર્કસ નેટવર્ક મારફત પાણી પૂરવઠો ઓછો મળતો હોય તેવા સ્થળોએ 7 વાહનો મારફત દૈનિક સરેરાશ 55 ટેન્કર ફેરા દ્વારા પાણી પૂરૂ પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, શહેરી વિસ્તાર માટે શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જ્યારે બોરતળાવમાં પાણીનો પૂરવઠો બંધ થતાં હાલ નર્મદાની પાઇપલાઇનમાંથી અગાઉ મળતા 35 એમએલડી પાણીના જથ્થામાં વધારો કરીને તા. 02-05-2019થી આ જથ્થો દૈનિક 50 એમએલડી કરવામાં આવ્યો છે. આ સિવાય વધારાની જરૃરિયાત માટે મહાપાલિકા વિસ્તારમાં આશરે 450 જેટલા હેન્ડ પમ્પ પણ છે.

દરમિયાન, બે દિવસ પહેલા નારી વિસ્તારમાં હવાડાની મોટર બગડી જતા મહાપાલિકા દ્વારા નવી મોટર લગાવી પાણીનો જથ્થો પુનઃ કાર્યરત કરાયાનું દેવમુરારીએ જણાવી ઉમેર્યું હતુ કે, હાલ વોટર વર્કસ વિભાગ દ્વારા કરાયેલા આગોતરા આયોજન મુજબ હાલની સ્થિતિએ મહાપાલિકા હેઠળના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઓગષ્ટ-2019 સુધી પીવાનું પાણી મળી રહે તે પ્રકારનું આયોજન છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H3iqN6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages