પરશોતમભાઇ સક્રિય ન હોવા છતાં ભાવનગર ગ્રામ્યએ અડધા લાખથી વધુની લીડ આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

પરશોતમભાઇ સક્રિય ન હોવા છતાં ભાવનગર ગ્રામ્યએ અડધા લાખથી વધુની લીડ આપી



ભાવનગર, તા. 24 મે 2019, શુક્રવાર

૨૦૧૪માં ભાજપે ચાલુ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાને સ્થાને કોળી સમાજની શિક્ષિત મહિલા ડો.ભારતીબેન શિયાળને મેદાનમાં ઉતારી ધારાસભ્યને સાંસદ બનાવવાનો દાવ ખેલ્યો હતો અને તે સફળ પણ રહ્યો. આ ટર્મમાં પણ કોળી સમાજના આ મહિલાને ભાજપે પુનઃ ટિકિટ આપી તેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિશ્વાસ ભાવનગરના મતદારોએ સાચો ઠેરવ્યો છે સાથે કોળી મતદારોએ પણ કોઇના હોવા ન હોવાને બાજુ પર રાખી ભાજપના ઉમેદવારને ખોબલામોઢે મત આપ્યા છે. ભાવનગર ગ્રામ્યના મતદારોએ અડધા લાખથી વધુ મતની લીડ ભારતીબેનને આપી તેની ઐતિહાસિક જીતમાં પોતાનો સિંહફાળો નોંધાવેલો છે.

મંત્રી પરશોતમભાઇ સોલંકીનો ભાવનગર ગ્રામ્યમાં પુરૂ આધિપત્ય હોવાનું મનાય છે. નાદુરસ્ત તબિયતને કારણે આ ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ સહેજ પણ સક્રિય રહ્યા ન હતા. આ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ કોઇને કોઇ કારણસર પુરા સક્રિય ન હતા. 

આ સંજોગોમાં આ વિધાનસભા વિસ્તારના મતદારો ભાજપથી વિમુખ થાય અને તેનો ફાયદો કોંગ્રેસને મળે તેવુ ગણિત મંડાતું હતુ. જો કે, પરિણામ જોતા ભાવનગર ગ્રામ્યના કોળી, ક્ષત્રિય, પાલિવાલ કે અન્ય તમામ સમાજના મતદારોએ ભાજપ અને ભારતીબેનમાં વિશ્વાસ વ્યક્ત કર્યાનું સ્પષ્ટ થયું છે. આ વિધાનસભા મત વિસ્તારમાંથી ભારતીબેનને ૧,૦૫,૫૪૭ મત જ્યારે કોંગ્રેસના મનહર પટેલને ૪૮,૧૮૩ મત મળ્યા છે. આમ ૫૭,૩૬૪ મતની લીડ આ વિસ્તારમાંથી ભાજપને મળી છે. 

૨૦૧૪માં ભાજપ-કોંગ્રેસ બંનેના કોળી ઉમેદવારો હોય ભાજપને આ વિસ્તારાંથી લીડ ૨૦૧૯ની તુલનાએ ઓછી રહી હતી. તે સમયે ભારતીબેનને ૮૦,૬૬૬ જ્યારે પ્રવિણભાઇ રાઠોડને ૩૨,૩૪૬ મત મળ્યા હતા. આમ તે સમયે ભારતીબેનને ૪૮,૩૨૦ મતની લીડ મળી હતી.

૨૦૧૯માં ભારતીબેનની આ વિસ્તારની લીડ વધવા પાછળ કોંગ્રેસના ઉમેદવાર પટેલ સમાજના હોવાનું પણ મનાય રહ્યું છે. આ વિસ્તારમાં મનહર પટેલે મિટીંગ અને સીટીંગ સાથે ગોઠવણો પણ કરી હતી પરંતુ આખરે મતદારોએ ભાજપને જ લીડ આપી વિજયી બનાવ્યા છે ત્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભાજપનો દબદબો કોઇ એક વ્યક્તિના હોવા ન હોવા છતાં યથાવત હોવાનું સાબિત થયું છે.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HAQ4Kj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages