
ભાવનગર, તા. 24 મે 2019, શુક્રવાર
ભાવનગર લોકસભાની સીટ પર ડો.ભારતીબેન શિયાળ ફરી વિજેતા થયા છે. માત્ર જીત જ નહીં પરંતુ ઐતિહાસિક સરસાઇ સાથે તેમણે ફરી કેસરીયો સાફો પહેર્યો છે ત્યારે તેમની આ લીડમાં મોટો હિસ્સો ભાવનગર પૂર્વના મતદારોનો રહ્યો છે. વિધાનસભા હોય કે સંસદ ભાવનગર પૂર્વનો વિસ્તાર ભાજપની સાથે રહ્યો છે અને અહીંનો મતદાર ઉમેદવાર નહીં પરંતુ ભાજપ પક્ષને નજર સામે રાખી સતત તેને જ વિજેતા બનાવતો રહ્યો છે તે ફરી સાબિત થયું છે.
૨૦૧૯ની લોકસભાનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપના ભારતીબેન શિયાળ ૩ લાખથી વધુ લીડ સાથે પોતાનો ૨૦૧૪નો રેકોર્ડ તોડીને વિજયી બન્યા છે. સાત વિધાનસભા વિસ્તાર સાથેની આ લોકસભા સીટમાં સૌથી વધુ લીડ ભાવનગર પૂર્વની બેઠકમાંથી મળી છે. ભાવનગર પૂર્વમાંથી ભાજપને ૧,૧૨,૯૨૫ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને ૪૩,૦૧૨ મત મળ્યા છે. આમ ૬૯,૯૧૩ મતની લીડ અહીંથી ભારતીબેનને મળી છે.
સાતેય વિધાનસભામાં આ સૌથી વધુ સરસાઇ છે. ભાવનગર પૂર્વમાં વિધાનસભાની વાત કરીએ તો પણ ઉમેદવાર કોઇપણ હોય અહીંના મતદારે ભાજપનો સાથ આપ્યો છે. આ વિસ્તારમાં કોળી મતદારોની સંખ્યા વધુ છે અને યાદ કરવું ઘટે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિભાવરીબેન દવે સામે કોળી મહિલા ઉમેદવાર નીતાબેન રાઠોડને મેદાનમાં ઉતાર્યાં હતા. આમ છતાં ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પ્રવિણભાઇ રાઠોડ (કોંગ્રેસ) અને ભારતીબેન શિયાળ (ભાજપ) બંને કોળી ઉમેદવાર હતા ત્યારે પણ ભાવનગર પૂર્વએ સાતેય વિધાનસભામાં સૌથી વધુ લીડ ભાજપના ભારતીબેનને અપાવી હતી. ૨૦૧૪માં ભારતીબેનને ૯૬,૧૮૧ મત મળ્યા હતા. જ્યારે પ્રવિણભાઇ રાઠોડને ૩૩,૧૬૩ મત મળ્યા હતા.
આ સમયે આ વિધાનસભા બેઠક મુજબ ભારતીબેનની લીડ ૬૩,૦૧૮ રહી હતી. આ વખતે મતદારો પણ વધ્યા છે અને તેની સામે લીડ પણ વધી છે. સામાપક્ષે એ પણ નોંધવું રહ્યું કે, આ વખતે કોંગ્રેસે પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતા આ વિસ્તારમાં ભાજપને વધુ ફાયદો થયો છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YGauYa
No comments:
Post a Comment