
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.24 મે 2019, શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એન.સી.પી. પોત પોતાના મતદાર ક્ષેત્રના ગઢ સાચવી શકી નથી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક અને એન.સી.પી. ચાર બેઠક હાંસલ કરી શકી છે. આ ઉપરાંત કોંગ્રેસ-એન.સી.પી.ના નેતાઓની પોતાની બીજી પેઢી પણ ખાસ કાઠુ કાઢી શકી નથી.
ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર શંકરરાવ ચવ્હાણ પુત્ર, અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રદાન અશોક ચવ્હાણ પણ પરાજિત થયા હતા. જોકે વર્ષ ૨૦૧૪માં નાંદેડથી અશોક ચવ્હાણ જીત્યા હતા. આ વખતે ત્યાંથી ભાજપના ઉમેદવાર પ્રતાપ ચિખલીકર સામે ૪૪ હજાર મતોથી હારી ગયા હતા.
મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીના નિલેશ રાણે જેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેના પુત્ર છે. તેઓ રત્નાગિરી-સિંધુદુર્ગ મતદાર ક્ષેત્રમાં શિવસેનાના ઉમેદવાર વિનાયક રાઉત સામે કારમો પરાજય થયો હતો. હકીકતમાં તેઓ સ્થાનિક ગઢ સાચવી શક્યા નહિં. વિનાયક રાઉત ૧,૭૭,૦૦૦ મતોની સરસાઇ જીતી ગયા હતા.
માવળ મતદાર ક્ષેત્રમાંથી એન.સી.પી.ના નેતા અજીત પવારના પુત્ર પાર્થ પવાર પરાજીત થયા છે. આ વિસ્તારમાં તેમના કાકા-દાદા અને મરાઠા સ્ટ્રોગમેન તથા એન.સી.પી.ના વડા શરદ પવારે ચૂંટણી પ્રચાર માટે રેલી કાઢી હતી. પણ શિવસેનાના ઉમેદવાર શ્રીરંગ બારણે સામે પાર્થ પવાર ૨.૧૫ લાખ મતથી હારી ગયા હતા.
ઓસ્માનાબાદ મતદાર ક્ષેત્રથી ભૂતપૂર્વ પ્રધાન પદમસિંગ પાટીલ તથા એન.સી.પી.ના સીનિયર નેતાના પુત્ર અને વિધાનસભ્ય જગજીતસિંગ રાણા પરાજિત થયા છે. તેમના પ્રતિસ્પર્ધી શિવસેનાના ઉમેદવાર સોમ રાજે નિબારકર ૧,૨૬,૦૦૦ મતની સરસાઇથી ચૂંટાઇને આવ્યા હતા.
દક્ષિણ મુંબઇ મતદાર ક્ષેત્રમાંથી ભૂતપૂર્વ સાંસદ સ્વ. મુરલી દેવરાના પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરા પણ શિવસેનાના ઉમેદવાર અને વર્તમાન સાંસદ અરવિંદ સાવંતની સામે પરાજિત થયા હતા.
ઉત્તર મધ્ય મુંબઇ મતદાર ક્ષેત્રથી કોંગ્રેસના નેતા ભૂતપૂર્વ સાંસદ સ્વ. સુનીલ દત્તની પુત્રી અને ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્ત પણ પરાજિત થયા હતા. તેમના પ્રતિસ્પર્ધી ભાજપના નેતા તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન ૧,૨૭,૦૦૦ મતોની સરસાઇથી જીત હાંસલ કરી હતી.
આ બેઠક પર બન્ને દિગ્ગજ નેતાના પુત્રી માટે પ્રતિષ્ઠાની બેઠક હતી. આ બેઠક પર ગત ચૂંટણીમાં પણ પ્રિયા દત્ત પૂનમ મહાજન સામે પરાજિત થયા હતા. આ બીજી વખતે પ્રિયા દત્તને હાર સહન કરવી પડી છે.
નાશિકની લોકસભા મતદાર ક્ષેત્રમાં એન.સી.પી. નેતા છગન ભુજબળના ભત્રીજા અને ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળ પણ પરાજિત થયા હતા. ત્યાં શિવસેનાના ઉમેદવાર અને સાંસદ હેમંત ગોડસે ૨,૪૬,૦૦૦ મતની સરસાઇથી ચૂંટાઇ આવ્યા હતા.
જ્યારે બીડ મતદાર ક્ષેત્રથી ભાજપના નેતા સ્વ. ગોપીનાથ મુંડેની પુત્રી પ્રિતમ મુંડે અહીં બીજી ટર્મમાં પણ ભારે મતોથી વિજય થઇ હતી. જ્યારે બારામતી લોકસભા મતદાર ક્ષેત્રથી એન.સી.પી.ના વડા શરદ પવારની પુત્રી અને એન.સી.પી.ના ઉમેદવાર સુપ્રિયા સુળે પણ ત્રીજી વેળા ચૂંટાઇને આવ્યા છે.
એટલે કે એન.સી.પી.નો ગઢ સાચવી રાખ્યો હતો. અહમદનગર મતદાર ક્ષેત્રથી ભૂતપૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનો પુત્ર સુજયે વિખે પાટીલે ભાજપની ઉમેદવારી મેળવીને જીત હાંસલ કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JFARdk
No comments:
Post a Comment