
રાજકોટ,તા. 4 મે 2019, શનિવાર
એપ્રિલના અંતમાં અસહ્ય તાપ વરસ્યા બાદ સૌરાષ્ટ્રમાં મેના આરંભે હવામાનમાં આજે પલટો આવ્યો. દક્ષિણ રાજસ્થાન તથા ગુજરાત ઉપર સમુદ્રસપાટીથી દોઢ કિ.મી.સુધી સવારની હવાની ચક્રાકાર ગતિ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સર્જાતા સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે પાંખા વાદળો છવાયા હતા તો અમરેલી જિલ્લામાં તેમજ જસદણ પંથકમાં આજે તીવ્ર પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યાના અહેવાલો છે. જો કે હવામાન ખાતાએ ફોની વાવાઝોડા અન્વયે ગુજરાતના બંદરો માટે કોઈ એલર્ટ જારી કર્યું નથી અને હવામાનનો આ પલટો ઉપરોક્ત સ્થાનિક પરિબળથી આવ્યાનું તારણ છે.
અમરેલી જિલ્લામાં તીવ્ર ગરમી વચ્ચે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો, આકાશમાં વાદળો ધસી આવ્યા હતા અને ધારી, ચલાલામાં પવન સાથે વરસાદી ઝાપટાં વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. તો સાવરકુંડલા પંથકમાં પણ છાંટા વરસ્યા છે. પવનની ગતિ વધી હતી અને ગરમીમાં થોડી રાહત થઈ હતી.
તો બાબરાથી અહેવાલો મૂજબ લાઠી અને બાબરા તાલુકામાં પણ આજે સાંજે કમોસમી વરસાદી છાંટા વરસતા માર્ગો ભીંજાયા હતા. બે દિવસથી અસહ્ય તાપમાં પણ રાહત મળી છે. આ ઉપરાંત જસદણ તાલુકાના શિવરાજપૂર અને આસપાસના ગ્રામ્ય પંકમાં પણ આજે મોડી સાંજે તોફાની પવન સાથે પંદરેક મિનિટ સુધી વરસાદી ઝાપટાં વરસતા પાણી ફરી વળ્યા હતા.
બીજી તરફ રાજકોટમાં આજે આકાશમાં પાંખા વાદળો છવાયા હતા. આજે રાજ્યમાં કચ્છના કંડલા એરપોર્ટે ૪૨.૬ સે.ને બાદ કરતા રાજકોટ ૪૧.૯ સે.તાપમાને સૌથી ગરમ શહેર રહ્યું હતું. મહાપાલિકા દ્વારા આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરાયું છે. તો અન્યત્ર અમરેલી ૪૦.૮, ભાવનગર ૩૯.૬, જુનાગઢ ૩૭.૫, દ્વારકા ૩૧.૧, પોરબંદર ૩૨.૨, વેરાવળ ૩૨.૭, સુરેન્દ્રનગર ૪૧.૬, ભૂજ ૪૧.૮, દિવમાં ૩૩.૮ સે.તાપમાન નોંધાયું છે. જ્યારે ભૂજમાં આજે ૧.૪ મિ.મિ.વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતા અનુસાર આગામી બે ત્રણ દિવસ તાપમાન સાધારણ રહેશે અને હીટવેવની આગાહી નથી.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H1bVdI
No comments:
Post a Comment