
ભાજપ માટે લોકસભાની ચૂંટણી તો સેમીફાઇનલ હતી અને હવે ખરો જંગ તો બે વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેલાવાનો છે જે મમતા બેનરજીએ પોતાનું રાજકીય અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ સાબિત થવાનો છે
સમગ્ર ભારતમાં ફૂંકાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંધીની અસર પશ્ચિમ બંગાળમાં પણ થઇ છે. છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમ બંગાળમાં રાજકીય અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરી રહેલા ભાજપે મમતા બેનરજી અને તેમની તૃણમુલ કોંગ્રેસને જોરદાર ઝાટકો આપ્યો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને આખરે મમતા બેનરજીના ગઢમાં મોટું ગાબડું પાડવામાં સફળતા મળી છે. રાજ્યની ૪૨ લોકસભા બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો છે. તો તૃણમુલ કોંગ્રેસની બેઠકો ૩૪થી ઘટીને ૨૨ થઇ ગઇ છે.
લોકસભાની ચૂંટણીમાં જે રાજ્યોમાં રસાકસીભર્યા મુકાબલાની શક્યતા હતી એમાં એક રાજ્ય પશ્ચિમ બંગાળ પણ હતું. એક્ઝિટ પોલની જેમજ પશ્ચિમ બંગાળના પરિણામો પણ ચોંકાવનારા રહ્યાં છે. એક્ઝિટ પોલના અનુમાનો આવ્યાં ત્યારે કોઇને આશા પણ નહોતી કે ભાજપ પશ્ચિમ બંગાળમાં સપાટો બોલાવશે પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામોએ ભલભલા રાજકીય પંડિતોના પૂર્વાનુમાનોને ખોટા સાબિત કર્યાં. રાજ્યમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ ન થવાના કારણે મતોનું ધૂ્રવીકરણ જોવા મળ્યું. લેફ્ટ પાર્ટીઓ સીપીઆઇ અને સીપીએમના વોટ ભાજપના ખાતામાં જતાં રહ્યાં.
પશ્ચિમ બંગાળમાં મતોની ટકાવારીની દૃષ્ટિએ પણ ભાજપે બાજી મારી છે. ગત લોકસભાની ચૂંટણીના ૧૭ ટકા મતોની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં ભાજપે બમણા કરતા પણ વધારે એટલે કે ૪૦ ટકા મત મેળવ્યાં છે જે તૃણમુલ કોંગ્રેસના ૪૩.૨૮ ટકા વોટ કરતા ત્રણ ટકા જ ઓછા છે. મતલબ કે બંગાળમાં ભાજપના જનાધારમાં જંગી વધારો થયો છે. એક સમયે પશ્ચિમ બંગાળમાં એકહથ્થુ શાસન કરનારા ડાબેરી પક્ષો હાંસિયામાં ધકેલાઇ ચૂક્યાં છે.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં સીપીએમને ૬.૨૮ ટકા તો સીપીઆઇને તો એક ટકા કરતા પણ ઓછા મત મળ્યાં છે. તો મૃતપાય અવસ્થામાં પહોંચી ગયેલી કોંગ્રેસને પણ માત્ર પાંચ ટકા મત મળ્યાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં પાર્ટી માટે ૨૩ બેઠકોનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું જે પૂરેપૂરું તો સફળ ન થયું પરંતુ રાજ્યમાં ભાજપે બે બેઠકો પરથી સીધી ૧૮ બેઠકો પર છલાંગ લગાવી છે.
હકીકતમાં પશ્ચિમ બંગાળમાં જનાધાર મજબૂત કરવા માટે ભાજપે અને ખાસ કરીને અમિત શાહે ભારે પરસેવો વહાવ્યો છે. ભાજપને તૃણમુલ કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહે મળીને ૩૪ જેટલી રેલીઓ યોજી જેની અસર પણ પરિણામો પર જોવા મળી રહી છે.
આ ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભારે હિંસા પણ થઇ અને ભાજપ તેમજ તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અનેક વખત અથડામણો થઇ. હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની તરફેણમાં આવેલા પરિણામોએ મમતા બેનરજીની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. બે વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમના માટે ભાજપ ભારે ખતરાસમાન બની ગયું છે. હકીકતમાં ભાજપનું આગામી લક્ષ્યાંક હવે મમતા બેનરજીની ગાદી પર કબજો મેળવવાનું જ છે. આમ પણ પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપે છેલ્લા થોડા સમયથી જોરદાર સપાટો બોલાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના જવલંત વિજયે રાજકીય પંડિતોને પણ ચકિત કરી દીધા છે. વિશ્લેષકો પણ એ વાતે માથું ખંજવાળી રહ્યાં છે કે છેવટે ભાજપે બંગાળની વાઘણ ગણાતા મમતા બેનરજીના ગઢના કાંગરા કેવી રીતે ખેરવી દીધાં? જાણકારોના મતે કેટલીક બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ વિરોધી લહેરનો ફાયદો ભાજપને મળ્યો છે. તો ચૂંટણી દરમિયાન મોદી અને મમતા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો જે દોર ચાલ્યો એણે પણ પરિણામોને ખાસી અસર કરી છે.
મમતા બેનરજી પણ રાજ્યમાં ભાજપના વઘી રહેલા પ્રભાવને પામી ગયાં હતાં અને એટલા માટે જ તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે રાજ્યમાં તેમને હરાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે કોઇ ગુપ્ત સમજૂતિ થઇ લાગે છે. મમતાને અંદાજ આવી ગયો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો જનાધાર વધી રહ્યો છે અને લેફ્ટ તેમજ કોંગ્રેસના વોટ ભાજપ તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. પરિણામો જોતા આ વાત સ્પષ્ટ જણાઇ રહી છે.
લેફ્ટ અને કોંગ્રેસ વચ્ચે તાલમેલના અભાવે મતદારોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું. હકીકતમાં લેફ્ટ અને કોંગ્રેસના ઘટી રહેલા પ્રભાવના કારણે તેમના મતદારોને મમતા બેનરજીના વિકલ્પ તરીકે માત્ર ભાજપ જ દેખાઇ રહ્યો છે અને એટલા માટે આ મતદારોએ ભાજપના પક્ષમાં જોરદાર વોટિંગ કર્યું. ઉપરાંત કેટલાંક વિસ્તારોમાં ભાજપે તૃણમુલ કોંગ્રેસની લઘુમતિ વોટબેંકમાં પણ ગાબડું પાડયું છે.
રાજકીય પંડિતોના મતે વડાપ્રધાન મોદીની સભાઓ અને મમતા બેનરજી પરના જોરદાર હુમલાઓએ પણ મતદારોના અભિપ્રાય બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જંગલમહલ નામે જાણીતા ઝારખંડના સીમાવર્તી વિસ્તાર ઉપરાંત ઉત્તર બંગાળના આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં ભાજપે કરેલા પ્રદર્શનથી સ્પષ્ટ છે કે પાર્ટી આદિવાસીઓનો ભરોસો જીતવામાં સફળ રહી છે. આ તમામ વિસ્તારોમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી સભાઓની પણ મતદારો પર સારી એવી અસર પડી જે છેવટે મતોમાં ટ્રાન્સફર થઇ.
ભાજપે આ વખતે તૃણમુલ કોંગ્રેસ વિરુદ્ધ નાગરિકતા સંશોધન બિલ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ને મુખ્ય મુદ્દા બનાવ્યા હતાં. આમ પણ પાડોશી બાંગ્લાદેશમાથી ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો પ્રત્યે મમતા બેનરજીનું વલણ કાયમ નરમ રહ્યું છે. તો એનઆરસીનો તેઓ વિરોધ કરતાં રહ્યાં છે. મમતા બેનરજી કાયમ એનઆરસીનો વિરોધ કરતા આવ્યાં છે અને પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ ન કરવાનો દૃઢ ઉચ્ચાર કર્યો છે.
ભાજપે મમતા બેનરજી પર આરોપ મૂક્યો કે તેઓ બંગાળમાં અને ખાસ કરીને કોલકાતામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વસાવીને તેમની વોટબેંક મજબૂત કરવા માંગે છે પરંતુ આ ઘૂસણખોરો જ રાજ્ય અને દેશ માટે ખતરાસમાન છે. આ બાબતોએ રાજ્યના સ્થાનિકો અને ખાસ કરીને હિન્દુ મતદારોના મનમાં નકારાત્મક છાપ ઊભી કરી છે.
ગરીબી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા બંગાળમાં ભાજપે વાયદો કર્યો કે જો તે સત્તામાં આવશે તો એનઆરસી લાગુ કરશે અને તમામ ગેરકાયદેસર ઘૂસણખોરોનો દેશનિકાલ કરશે. રાજ્યની જનતાએ ભાજપના આ વાયદા પર ભરોસો મૂક્યો અને ખોબે ખોબે મત આપ્યાં.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વસતા હિન્દુઓનો પક્ષ લઇને ભાજપે મમતા બેનરજી પર તુષ્ટિકરણના આરોપ મૂક્યાં. આમ પણ ભૂતકાળમાં મમતા બેનરજી દુર્ગા પૂજા અને મોહર્રમ વિવાદના કારણે હિન્દુઓની નારાજગી વહોરી ચૂક્યાં છે. ભાજપે આ મુદ્દાને ઝડપી લઇને રાજ્યના હિન્દુઓના મનમાં એ વાત ઠસાવવામાં સફળતા મેળવી કે મમતા બેનરજી અમુક સમુદાય વિશેષ માટે કામ કરી રહ્યાં છે.
રામનવમીની શોભાયાત્રા હોય કે પ્રતિમા વિસર્જન હોય, મમતા બેનરજીના નિર્ણયો અને જિદને ભાજપે અદાલત સુદ્ધાંમાં પડકાર્યાં જેના કારણે મમતા બેનરજીની હિન્દુવિરોધી છબિ મજબૂત બની. એકંદરે રાજ્યના બહુમતિ હિન્દુ વસતીનો ભરોસો જીતવામાં ભાજપને સફળતા મળી જે છેવટે પરિણામોમાં પણ જોવા મળી છે.
ભાજપના ધમાકેદાર પ્રદર્શને બે વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ માટે સૌથી મોટો ખતરો બનાવી દીધાં છે. આમ પણ અમિત શાહ અગાઉ કહી ચૂક્યાં છે કે લોકસભાની ચૂંટણી તો તેમના માટે સેમીફાઇનલ છે અને ફાઇનલ તો વિધાનસભાની ચૂંટણી જ છે. લોકસભાની ચૂંટણીમાં સાંપડેલી નિરાશા બાદ ૨૦૨૧ની લડાઇ મમતા બેનરજી માટે અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ સાબિત થવાની છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ જે તેજીથી મજબૂત બની રહ્યો છે એને લઇને ભાજપના નેતાઓમાં એટલો આત્મવિશ્વાસ આવી ગયો છે કે તેઓ એક અવાજે કહી રહ્યાં છે કે બંગાળમાં મમતા બેનરજીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. બંગાળ ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ તો ત્યાં સુધી કહ્યું છે કે પરિણામોના ૬૦ દિવસો બાદ જ મમતા બેનરજીની સરકારનું પતન થશે.
દેશભરમાં ભારે બહુમતિ હાંસલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વખતની સરકારમાં ચોક્કસ તેમની સ્થિતિ વધારે મજબૂત બનશે જ્યારે મમતા બેનરજીની તાકાત ઉત્તરોત્તર ઘટતી જશે, એવામાં મમતા બેનરજી પાસે બહુ ઓછા વિકલ્પ બાકી રહે છે. આમ પણ આગામી સમયમાં બંને પાર્ટીઓ વચ્ચેના સંઘર્ષમાં વધારો થશે અને રાજ્યમાં રાજકીય હિંસાના બનાવો ચિંતાજનક રીતે વધી શકે છે. મમતા બેનરજી સમક્ષ એક વિકલ્પ એ છે કે તેઓ પોતાના હથિયાર નાખીને એનડીએમાં સામેલ થઇ જાય. અગાઉ વાજપેયી સરકાર વખતે પણ તેઓ એનડીએનો હિસ્સો રહી ચૂક્યાં છે.
તેઓ આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું અનુસરણ કરી શકે છે. ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેરાત થતાં જ નીતીશ કુમારની પાર્ટી જેડીયૂએ એનડીએથી છેડો ફાડી નાખ્યો હતો.
પરંતુ એ પછીના સમયમાં વડાપ્રધાન મોદીની વધતી જતી તાકાતને જોઇને નીતીશ કુમારે શરણાગતિ સ્વીકારી લીધી અને એક સમયે વડાપ્રધાન બનવાના સપના જોઇ રહેલાં નીતીશ કુમારે હાલ એનડીએમાં મોદીના જુનિયરનું સ્થાન સ્વીકારી લીધું છે. મમતા બેનરજી પાસે બીજો માર્ગ એ છે કે તેઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને પશ્ચિમ બંગાળમાં ભાજપવિરોધી તાકાતને મજબૂત કરે. હવે જોવું એ રહ્યું કે બંગાળના આ ઘાયલ થયેલા વાઘણ વધારે છંછેડાય છે કે પછી શરણાગતિ સ્વીકારી લે છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EzMsX5
No comments:
Post a Comment