
- લોકસભાની ચૂંટણીની જીતથી ભાજપ ગેલમાં, કોંગ્રેસમાં સન્નાટો
ભાવનગર, તા.23 મે 2019, ગુરૂવાર
ભાવનગરની લોકસભા બેઠક પર પર આજે ગુરૂવારે ભાજપનો ઐતિહાસીક વિજય થયો હતો, જયારે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવારનો જંગી લીડથી વિજય થતા અગ્રણી-કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને ગુલાલ ઉડાડી ઉમેદવારના હારતોરા કરવામાં આવ્યા હતાં. ભાજપના ઉમેદવારનુ ભવ્ય વિજય સરઘસ શહેરમાં કાઢવામાં આવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર-સમર્થક જોડાયા હતાં. વિજયના પગલે ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જયારે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાય ગયો હતો.
ભાવનગર લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તા. ર૩ એપ્રિલે યોજાય હતી. આજે ગુરૂવારે સવારે ૮ કલાકે શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની મતગણતરી સાત વિધાનસભા બેઠક મુજબ કરવામાં આવી હતી, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડાનો સમાવેશ થાય છે.
સાતેય વિધાનસભાના જુદા જુદા રૂમ તૈયાર કરી ૧૪ ટેબલ પર રાઉન્ડ મુજબ મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી મતગણતરીના ૧૮ થી ર૩ રાઉન્ડ હતાં. ભાવનગરની લોકસભા બેઠક પર પ૮.૪૧ ટકા મતદાન નોંધાયુ હતુ અને કુલ ૧૦,૩ર,૧૧૦ મતદારોએ મતદાન કર્યુ હતુ, જયારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી ૧ર હજારથી વધુ મતદાન કર્યુ હતું.
ર૦૦પ ઈવીએમના મત, બેલેટ પેપરના મતની ગણતરી કરાઈ હતી અને ઈવીએમની સાથે ૩પ વીવીપેટના મતની સરખામણી કરવામાં આવી હતી. મતગણતરી શરૂ થતા પહેલા રાઉન્ડમાં જ ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શીયાળને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલની સરખામણીએ વધુ મત મળ્યા હતા અને ત્યારબાદ એક પછી એક રાઉન્ડની ગણતરી કરવામાં આવતા ભાજપના ઉમેદવારની લીડ સતત વધતી ગઈ હતી.
મતગણતરી દરમિયાન એક પણ વાર કોંગ્રેસના ઉમેદવારને ભાજપની સરખામણીએ વધુ મળ્યા ન હતાં. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ભારતીબેનને ઐતિહાસીક લીડ મળી હતી. ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થતા અગ્રણી, કાર્યકર, સમર્થક ઉત્સાહમાં આવી ગયા હતા અને ઝુમવા લાગ્યા હતાં. ભાજપના ઉમેદવારને લીડ મળતા વિજય સરઘસની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી અને હજુ મતગણતરી પૂર્ણ થઈ ન હતી તે પૂર્વે જ શહેરના જુદા જુદા વિસ્તારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યુ હતું.
વિજેતા ઉમેદવારને હારતોરા કરવામાં આવ્યા હતા અને વિજયની શુભકામના લોકોએ પાઠવી હતી. વિજય સરઘસમાં ગુલાલ ઉડાડી, ફટાકડા ફોડી કાર્યકરોએ આનંદ માણ્યો હતો. ભાજપની ભવ્ય જીત થતા કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ હતો, જયારે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતા કોંગ્રેસ કાર્યાલયમાં સોંપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની લોકસભા બેઠક પર ભાજપનો વર્ષ ૧૯૯૧થી ભાજપનો દબદબો રહ્યો છે અને ફરીવાર ભાજપના ઉમેદવારને લોકોએ પ વર્ષ માટે જીત આપી છે ત્યારે ભાવનગરમાં વિકાસના કામ થાય તેવી લોકો આશા રાખી રહ્યા છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wgEEVS
No comments:
Post a Comment