(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
જુનાગઢમાં પત્રકારો પર પોલીસે કરેલા લાઠીચાર્જ અને હુમલાના બનાવ બાદ શહેર પોલીસ તંત્રના એક એલઆરડી જવાને કરેલી વિવાદાસ્પદ પોસ્ટનો વિવાદનો અંત આવે તે અગાઉ જ આજે ફરી રાવપુરા પોલીસ મથકની એક મહિલા પીએસઅઆઈએ પણ પત્રકારો પર લાઠીચાર્જની ઘટનાને યોગ્ય ઠેરવતી એક પોસ્ટ સોશ્યલ મિડિયામાં પોસ્ટ કરતા પોલીસ તંત્રમાં ચકચાર જાગી હતી. '
જુનાગઢમાં સમાચારનું કવરેજ કરવા માટે ગયેલા પત્રકારો અને કેમેરામેન પર પોલીસે હુમલો કરી આડેધડ લાઠીચાર્જ કર્યો હતો. આ બનાવના સમગ્ર રાજ્યમાં ઉગ્ર પડઘા પડતા પત્રકારો પર હુમલો કરનાર એક પીએસઅઆઈ સહિતના ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવાની પોલીસ તંત્રને ફરજ પડી છે. જોકે પત્રકારો પર પોલીસ દમનની ઘટનાને વડોદરા શહેરના એક લોકરક્ષક દળના જવાને યોગ્ય ઠેરવીને સોશ્યલ મિડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરતા વડોદરામાં પણ વિવાદ ઉભો થયો હતો.
જોકે આ વિવાદ શમે તે અગાઉ જ હવે શહેરના રાવપુરા પોલીસ મથકની એક મહિલા પીએસઆઈએ ફરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શહેરના રાવપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પ્રોબેશન પીએસઆઈ જે ડી મીરે સોશ્યલ મિડિયામાં એવી પોસ્ટ શેર કરી છે કે ' સાલુ ઈ સમજાતુ નથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ લાકડી શા માટે ઈશ્યુ કરે છે ?...ઢોર ચરાવવા ??? ' દરમિયાન મહિલા પીએસઅઆઈની આ વિવાદાસ્પદ પોસ્ટ સોશ્યલ મિડિયામાં વાયરલ થતા જ આ પોસ્ટે વિવાદ ઉભો કર્યો છે.
જુનાગઢમાં મિડિયા પર પોલીસ દમનની ઘટનાને સ્પષ્ટ રીતે સમર્થન આપતા હોય તે રીતે આવી આડકતરી પોસ્ટ કરીને મહિલા પીએસઆઈએ નવો વિવાદ ઉભો કર્યો છે. જોકે આ બનાવ અંગે પીએસઆઈ જે ડી મીરને પુછતા તેમણે આ વિવાદ અંગે પહેલા તો મને કંઈ ખબર નથી તેમ કહીને વાત કરવાનું ટાળ્યું હતું અને ત્યારબાદ તેમને કરેલી પોસ્ટ અંગે પુછતા તેમણે ઉલ્ટાનું એવુ જણાવ્યું હતું કે 'કેમ હું પોસ્ટ ના મુકી શકું મારી રીતે ?' અને ત્યારબાદ તેમણે ફોન કટ કર્યો હતો.
જયારે આ બનાવ અંગે રાવપુરા પીઆઈ બી જી ચેતરિયાને જાણ થતાં તેમણે તુરંત પીએસઆઈ મીરની પુછપરછ કરી હતી. પીઆઈ ચેતરિયાએ જણાવ્યું હતું કે મે પીએસઆઈ સાથે વાત કરી હતી જેમાં તેમણે માત્ર પોલીસને લાકડી કેમ આપવામાં આવી છે તેવો પ્રશ્ન કર્યો છે પરંતું કોઈની લાગણી દુભાવવા માટે આવી પોસ્ટ નથી કરી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E90jTW
No comments:
Post a Comment