
પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા તે બાદ પણ મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતા : મનમોહનનો આક્ષેપ
નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને આર્થિક બાબતોમાં નિપુણ માનવામાં આવતા મનમોહનસિંહે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે ચીંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નોટબંધી દેશનું સૌથી મોટુ કૌભાંડ હતું જેણે લાખો લોકોની નોકરી છીનવી લીધી અને અર્થતંત્રની કમ્મર તોડી નાખી.
અગાઉની સરકારે મોદી સરકારને વિકાસનો રસ્તો સોંપ્યો હતો પણ મોદી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા, પાંચ વર્ષમાં જો મોદીએ સારુ કામ કર્યું હોત તો દેશમાંથી ગરીબી નાબુદ થઇ ગઇ હોત. પણ હવે પરિસ્થિતિ વધુ નિકરાળ બની છે.
બે વખત વડા પ્રધાન પદ સંભાળી ચુકેલા મનમોહનસિંહે જણાવ્યું હતું કે બહુ જ શરમજનક કહેવાય કે જ્યારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો થયો અને ૪૦ જવાનો શહીદ થયા તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક પાર્કમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તેઓએ ખરેખર આવા સમયે તાત્કાલીક સુરક્ષા બેઠક બોલાવવી જોઇએ પણ તેઓ પોતાની પબ્લિસિટીમાં જ વ્યસ્ત રહ્યા હતા. મોદી આતંકવાદના ખાતમાની દલીલો કરી રહ્યા છે પણ હકીકત એ છે કે ૨૦૧૪ પછી દેશમાં આતંકવાદ વધ્યો છે.
માત્ર જમ્મુ કાશ્મીરમા જ આતંકી હુમલામાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. જ્યારે સરહદે પાકિસ્તાન દ્વારા થઇ રહેલા ગોળીબારમાં પાંચ વર્ષમાં એક હજારગણો વધારો થયો છે. પઠાણકોટ હુમલા બાદ પાકિસ્તાની એજન્સીના અધિકારીઓને ભારત બોલાવવા મોદી સરકારનું મુર્ખતાપૂર્ણ પગલું હતું.
મનમોહનસિંહે વધુમાં જણાવ્યું હતું કે જે સરકાર દેશના આમ નાગરીકોની સમસ્યાઓ પર ધ્યાન નથી આપતી તે સરકારને બહારનો રસ્તો દેખાડવાનો સમય આવી ગયો છે. મનમોહનસિંહે જણાવ્યું હતું કે મોદી ઔર ભાજપા કે બડબોલેપન કે ખિલાફ એક ખામોશ લહર દૌડ રહી હૈ ઔર ભાજપા હાર રહી હૈ. મોદી રાજમાં યુવાઓ, ખેડૂતો, વ્યાપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે, આ સરકારને હવે બહારનો રસ્તો દેખાડવાનો સમય આવી ગયો છે. હાલ દેશ અતી ખરાબ પરિસ્થિતિમાં છે અને મંદી તરફ આગળ વધી રહ્યો છે.
સપા-બસપાનું ગઠબંધન નવા વડાપ્રધાન નક્કી કરશે : અખિલેશ
(પીટીઆઇ) સુલતાનપુર, તા. 5 મે, 2019, રવિવાર
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે દેશને નવા વડાપ્રધાન મળવાનું નક્કી છે. આ ઉમેદવાર એમના બસપા અને રાલોદ સાથેના ગઠબંધનમાંથી હોઇ શકે યાદવે વડા પ્રધાન મોદીને '૧૮૦ અંશ વડા પ્રધાન' ગણાવ્યા છે. કારણ કે તેઓ કહે છે એના કરતાં ઠીક ઉલટું કરે છે.
''કોંગ્રેસે ભાજપના મત કાપવા માટે, કે જેથી સપા-બસપા જોડાણને લાભ થાય એ હેતુથી ઉમેદવારોને ઉભા રાખ્યા છે''. એ મતલબની અખિલેશે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની કથિત ટિપ્પણીઓને ફગાવી દેતાં કહ્યું કે કોંગ્રેસી નેતાઓ જાણે છે કે સપા-બસપાનું જોડાણ જીતવાનું છે અને લોકો એની સાથે છે. માટે સપા-બસપાને ફાયદો થાય માટે ઉમેદવારો ઊભા રાખ્યા હોવાની વાતો કરે છે.
અખિલેશે આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં આમ જણાવીને ઉમેર્યું કે સપા-બસપા અને રાલોદનું જોડાણ ધરતી પર પગ ટેકવીને કામ કરે છે. આ લોકો ગઠબંધનની સફળતા માટે ચૂંટણી લડે છે એ મહત્તમ બેઠકો જીતશે. એમણે કર્યું કે અમારૂં ગઠબંધન સામાજિક ન્યાય માટે પ્રતિબધ્ધતા સાથે ઉત્તર પ્રદેશમાં વિકાસનો નવો યુગ શરૂ કરશે, જે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ જળવાઇ રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H0EUwX
No comments:
Post a Comment