
ઉત્તર પ્રદેશમાં 14, રાજસ્થાનમાં 12, પશ્ચિમ બંગાળમાં સાત, મધ્ય પ્રદેશમાં સાત, બિહારમાં પાંચ, ઝારખંડમાં ચાર બેઠકો પર મતદાન યોજાશે :, સોનિયા ગાંધી અને રાજનાથસિંહ પણ મેદાનમાં
જે બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાંથી ૪૦ પર ભાજપ જીત્યું હતું, આ વખતે બરાબરીની ટક્કર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂર્વે જ ચૂંટણી અધિકારીનું મોત, પરિવારજનોનો હંગામો
નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે હવે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. આ પાંચમાં તબક્કામાં લોકસભાની ૫૧ બેઠકો પર મતદાન યોજાશે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ જેમ કે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાનીની બેઠકો પર પણ મતદાન યોજાવાનું છે. આ ૫૧માંથી ૪૦ બેઠકો એવી છે કે જ્યાં ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું જ્યારે કોંગ્રેસને બે અને અન્ય પક્ષોને ૧૦ જેટલી બેઠકો મળી હતી.
આ પાંચમાં તબક્કામાં સાત રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં ૧૪, રાજસ્થાનમાં ૧૨, પશ્ચિમ બંગાળમાં સાત, મધ્ય પ્રદેશમાં સાત, બિહારમાં પાંચ, ઝારખંડમાં ચાર બેઠકો પર મતદાન યોજાશે. આ બેઠકો માટે સાતેય રાજ્યોમાં આશરે ૯૪ હજાર જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીના સૌથી નાના તબક્કામાં આશરે ૮.૭૫ કરોડ મતદારો આશરે ૬૭૪ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. ઉત્તર પ્રદેશમાં અમેઠી રાહુલ ગાંધીની સામે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રાય બરેલીમાં સોનિયા ગાંધી અને લખનઉથી રાજનાથસિંહ ચૂંટણી લડી રહ્યા છે.
આ તબક્કો પૂર્ણ થતા જ રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થઇ જશે, જ્યારે લોકસભાની ૫૪૩માંથી ૪૨૪ બેઠકો પર પણ મતદાન પુરુ થયુ ગણાશે, બાકીના બે તબક્કામાં અન્ય બેઠકો વધી છે તેના પર મતદાન થશે.
રાજસ્થાનમાં પૂર્વ ઓલમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને ક્રિશ્ના પૂનિયા વચ્ચે જયપુર ગ્રામીણ બેઠક પર ટક્કર જોવા મળશે. જ્યારે ઝારખંડમાંથી કેન્દ્રીય પ્રધાન જયંત સિંહા ફરી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, તેઓ અહીંની હઝારીબાગ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બીજી તરફ મતદાનના એક દિવસ અગાઉ જ ફરજ પર તૈનાત એક કર્મચારીનું મોત નિપજ્યું છે, ઉત્તર પ્રદેશના ગોંડામાં મતદાન કર્મીનું ગુંગળામણથી મોત નિપજ્યું છે, મતદાન અધિકારી વૃજેંદ્ર કુમાર ડયુટી પર પહોંચ્યા જ હતા કે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યા તેમનું મોત નિપજ્યું હતું,
તેઓ અગાઉથી જ બિમાર હતા છતા ડયુટી પર મોકલાયા તેવો પરિવારે આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાં સૌથી વધુ ૨૭ ઉમેજવારો મેદાનમાં છે. આ બેઠક પર અગાઉ સ્મૃતિ ઇરાની હારી ગયા હતા ત્યારે ફરી તેઓ અહીં રાહુલ ગાંધીને ટક્કર આપી રહ્યા છે.
પુલવામામાં આજે મતદાન ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ
કાશ્મીરના પુલવામામાં આજે મતદાન થશે. અનંતનાગ લોકસભા વિસ્તારમાં આવતા આ શહેરના લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે અહીં મતદાન નહીં થાય અને કેટલાંક ઇ.વી.એમ. ઉપયોગ થયા વગર પરત જાય તેવું પણ શક્ય છે. જો કે અહીંના સ્થાનિક અધિકારીઓ પણ કહી રહ્યા છે કે મતદાનની ટકાવારી દસ ટકાથી વધશે નહીં. ૧૪ ફેબુ્રઆરીના રોજ પુલવામા હુમલા બાદ અહીં ભયનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે. મહેબૂબા મુફ્તી આ બેઠકના ઉમેદવાર છે પરંતુ તેઓ અહીં પ્રચાર માટે આવ્યા નથી ઉપરાંત તેમના પક્ષે પણ કોઇ પ્રચાર કામગીરી અહીં હાથ ધરી નથી. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે પણ પુલવામાાં પ્રચારકાર્ય માત્ર પાર્ટી ઓફિસમાં જ કર્યુ છે. અહીં કોઇ બિલ્ડીંગ, ઘર કે દિવાલો પર પાર્ટીના ઝંડાઓ કે ચૂંટણી પોસ્ટરો જોવા મળી રહ્યા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H0F07N
No comments:
Post a Comment