
હાર્ડડિસ્કની મિરર ઇમેજ લેવામાં આવી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 3 મે, 2019, શુક્રવાર
ઊંઝામાં વેપારીઓ જીરૂના બેસ્ટ ક્વોલિટી માલ ટ્રકમાં લોડ કરાવીને હલકી ક્વોલિટીની વરિયાળાની બિલ બનાવીને ટ્રકે રૂા. ૮૦,૦૦૦થી રૂા. ૯૦,૦૦૦ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરતાં હોવાનું બહાર આવી રહ્યું છે.
રોજની ઢગલાબંધ ટ્રકો આ જ મોડસ ઓપરેન્ડીથી બહાર કાઢી જવામાં આવતી હોવાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓ સુપેરે જાણતા હોવા છતાંય આ કૌભાંડ પરત્વે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજું આ કૌભાંડમાં ગુજરાતના રાજકારણીઓ સાથે નિકટતા ધરાવનારાઓની સંડોવણી હોવાથી આ કેસમાં દરોડા પડયા પછીય પાંચ દિવસે પૂર્ણ હકીકત બહાર આવી રહી નથી.
ઊંઝાના જાણકારોનું કહેવું છે કે નબળી ક્વોલિટીના જીરૂના મણદીઠ ભાવ રૂા.૨૮૦૦ની આસપાસના અને બેસ્ટ ક્વોલિટી માલના ભાવ રૂા. ૩૧૦૦થી ૩૨૦૦ના છે. તેની સામે નબળી ક્વોલિટીની વરિયાળીના મણદીઠ ભાવ રૂા. ૫૦૦ અને મિડિયમ ક્વોલિટીના ભાવ રૂા. ૧૩૦૦થી ૧૪૦૦ના છે.
આ સંજોગોમાં બંને વચ્ચેનો ગાળો એક ટને રૂા. ૮૦૦૦ની આસપાસનો છે. આ ગાળાને પરિણામે ક્વિન્ટલે રૂા. ૪૦૦ અને ટને રૂા.૪૦૦૦ની ચોરી શક્ય બને છે. તેમ જ દડો તરીકે ઓળખાતી મિક્સ ક્વોલિટીની વરિયાળીના બિલ બનાવી દઈને ચોરી કરવામાં આવી રહી છે.
આ ચૌરી જગજાહેર હોવા છતાંય હકીકતને જાણતા જીએસટીના અધિકારીઓના સેટિંગ હોવાથી તેઓ આ મોડસ ઓપરેન્ડી પકડી પાડીને વેરાની વસૂલી કરવાની દિશામાં આગળ વધતા નથી. જીરૂની માફક તમાકુમાં પણ મોટી વેરાની ચોરી ચાલી રહી છે. તમાકુમાં ૨૮ ટકા જીએસટી ઉપરાંત સેસ લેવાતો હોવાથી ટેક્સની ટકાવારી ૪૫ ટકાની આસપાસ પહોંચી જાય છે.
ઊંઝાના દરોડામાં તમાકુની એક પાર્ટીને આવરી લેવામાં આવી છે. તેથી જ આ દરોડા પડયા ત્યારથી આજ સુધી ઉનાવાના તમાકુના માર્કેટ તેમના પર પણ દરોડા પડવાની બીકે ખૂલ્યા નથી. આ હકીકતથી પણ અધિકારીઓ સુપેરે જાણકાર છે.
આ બધાં ઉપરાંત એક જ ઇ-વૅ બિલ પર ત્રણથી ચાર વાર માલ ટ્રાન્સફર કરીને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડાવી લેતા વેપારીઓ બેસ્ટ ક્વોલિટીના માલ એક્સપોર્ટ કરે છે ત્યારે જ તેના અસલ બિલ બનાવીને માલ કાઢતા હોવાનું પણ બધાં જ જાણે છે, છતાંય દરોડા પાડનારા અધિકારીઓ તેનાથી અજ્ઞાાત છે. તેમ જ રૂા.૫ લાખનો માલ જતો હોય તેના માત્ર રૂા. ૧ લાખના જ બિલ બનાવાતા હોવાનું દરેક વેપારીઓ અને અધિકારીઓ જાણે જ છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગની આજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રીજી મેએ સાંજ સુધી પણ ઊંઝામાં દરોડાના કાર્યવાહી ચાલુ જ છે. તેમાં અત્યાર સુધીમાં રૂા. ૧.૯૦ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી. પહેલા દિવસે તેમણે રૂા. ૬૪ લાખની, ત્યારબાદ રૂા. ૮૨ લાખની અને આજે રૂા. ૪૪ લાખની જીએસટીની ચોરી પકડી પાડી હતી.
ઊંઝામાં દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા ૩૯ વેપારીઓમાંથી ૧૦ વેપારીઓના કોમ્પ્યુટર અને લેપટોપ ઉપરાંત ૧૪ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટરમાંથી ડીલીટ કરી દેવામાં આવેલા ડેટાની વિગતો મેળવવા માટે એક્સપર્ટની મદદ લઈને હાર્ડ ડિસ્કની મિરર ઇમેજ લેવામાં આવી રહી છે.
ઊંઝાના દરોડામાં ઇન્સ્પેક્ટરને હાર્ટએટેક આવતાં અવસાન
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ઊંઝાના જીરૂના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન જોઇન્ટ કમિશનરની કચેરીમાં કામ કરતાં ઇન્સ્પેક્ટર આર.કે. પટેલને હાર્ટ એટેક આવતા ગઈકાલે તેમનું અવસાન થયું હતું. દરોડાની કાર્યવાહી ચાલુ જ હતી ત્યારે તેમને અસ્વસ્થતા લાગતા તેમને એસિડિટીની તકલીફ થઈ હશે તેમ માનીને તેમને સાથીદારોએ પ્રાથમિક મદદ કરી હતી, પરંતુ તેમ છતાંય તેઓ સ્વસ્થ ન થતાં તેમને ઊંઝાના દવાખાને લઈ જવાયા હતા, ત્યાં સ્વસ્થ ન જણાતા તેમને મહેસાણા હોસ્પિટલ રવાના કરાયા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZRnlZ3
No comments:
Post a Comment