
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 3 મે, 2019, શુક્રવાર
ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતા દરમિયાન ૨૮મી માર્ચે રૂા. ૧ કરોડની રોકડ લઈ જતા હરિકેશ પટેલને પોલીસે બપોરે ત્રણથી સાડાત્રણે રોક્યા પછી આ રોકડ બૅન્કમાંથી જ ઉપાડવામાં આવી હોવાનું બતાવવા જતાં રોકડની હેરાફેરી કરનારના બે કરોડ સલવાયા છે. તદુપરાંત આ કેસમાં આશાપુરા ટ્રેડિંગ અને બીજી એક કંપનીની સંડોવણી જણાતા તેમની સામે પણ તપાસ શરૂ થઈ ગઈ છે.
આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ૨૮મી માર્ચે અમદાવાદના ગુજરાત ચેમ્બર સામે વલ્લભસદન નજીકથી એક કરોડ રોકડ લઈ જતાં હરિકેશ પટેલને પોલીસે પકડયા હતા. આ બાબતની આવકવેરા ખાતાને અંદાજે ત્રણેક વાગ્યે જાણ કરવામાં આવતા આવકવેરાની ટીમ પહોંચી ગઈ હતી.
આવકવેરા ખાતાની પૂછપરછમાં રોકડ ધરાવનાર વ્યક્તિએ પરિમલ ગાર્ડન પાસેની ઇન્ડસઈન્ડ બૅન્કના પ્રણવ અંબાલાલ પટેલના ખાતામાંથી આ રકમનો રોકડથી ઉપોડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું. તેથી આવકવેરાખાતાના અધિકારીઓ આ મામલે તપાસ કરવા ઇન્ડસઈન્ડ બૅન્કમાં પહોંચ્યા હતા. બૅન્કમાંથી નાણાં વિડ્રો થયા હોવાની વાતને સમર્થન મળ્યું હતું. આ નાણાં ક્યાંથી ક્રેડિટ થયા તેની પણ તપાસ કરી હતી. આ નાણાં બે કંપનીઓના ખાતામાંથી જમા લેવામાં આવ્યા હતા.
તેમાંની એક આશાપુરા ટ્રેડિંગ કંપની છે. બીજી કંપનીમાં હજી તપાસ ચાલી રહી છે. કંપની શંકાસ્પદ જણાતા આવકવેરા અધિકારીઓએ બૅન્ક પાસેથી સી.સી. ટી.વી.ના ફૂટેજ મંગાવ્યા હતા. બૅન્ક મૅનેજરે સાત કલાકની જફાને અંતે સીસીટીવી ફૂટેજ આપ્યા હતા.
સીસીટીવીના ફૂટેજની ચકાસણી કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે બૅન્કમાંથી નાણાંનો ઉપાડ તો સાંજે ૫.૨૦ કલાકે થયો હતો. તો પછી બપોરે ત્રણ વાગ્યે પકડાયેલી રોકડ ક્યાંથી આવી? આ અંગે પૂછપરછ કરતાં એક કરોડ એન્ટ્રી પ્રોવાઈડર તરફથી આપવામાં આવ્યા હતા. હવે રૂા. ૧ કરોડના સાંજે ૫.૨૦ કલાકે કરાયેલા ઉપાડમાં પણ મોટી ગરબડ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વાસ્તવમાં બૅન્કમાંથી રૂા.૫૧.૬૫ લાખનો ઉપાડ કરવાનો ચેક લઈને ગયા હતા.
પરંતુ તેમની રૂા.૧ કરોડની રોકડ બપોરે પકડાઈ હતી તે બૅન્કમાંથી ઉપાડવામાં આવી હોવાનું બતાવવા તેમણે તે ચેક પર છેકછાક કરીને રૂા.૧ કરોડનો ચેક બનાવી છેકછાક વાળા ચેકથી એક કરોડનો ઉપાડ કર્યો હતો. તારીખની નાની અમથી ભૂલ સુધારીને રોકડનો ઉપાડ કરવા જનારને રોકડા ઉપાડવા ન દેનાર બૅન્કે એક કરોડના રોકડના ઉપાડના કેસમાં ભયંકર છેકછાકવાળા ચેકથી ઉપાડ કરવાની છૂટ આપી હતી.
બીજું રૂા.૧ લાખથી વધુનો રોકડનો ઉપાડ કરનારાઓની વિગતો સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટમાં ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ અને ઇલેક્શન કમિશનરને મોકલવાનો હોવાછતાંય બૅન્કે તે રિપોર્ટ મોકલ્યો જ નહોતો. આ રીતે રિઝર્વ બૅન્ક અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાની ધરાર અવગણના કરીને ગરબડ કરનારને છાવરવાનો બૅન્કે પ્રયાસ કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UU71mp
No comments:
Post a Comment