આવકવેરાએ વર્ષમાં 30 હજાર કરોડની બિનહિસાબી આવક પકડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

આવકવેરાએ વર્ષમાં 30 હજાર કરોડની બિનહિસાબી આવક પકડી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 3 મે, 2019, શુક્રવાર

ગુજરાતના આવકવેરા ખાતાના ડિરેક્ટર જનરલ ઑફ ઇન્વેસ્ટિગેશનની વિંગના અધિકારીઓએ ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં ૩૧ દરોડા, ૧૬ તપાસ અને માહિતીને આધારે કરેલી તપાસના કેસોમાં મળીને કુલ રૂા.૨૯,૭૬૪ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડય હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

તેમાંથી એકલા અમદાવાદમાંથી રૂા. ૧૯૮૭૯.૮૩ કરોડની બિનહિસાબી આવક પકડાઈ છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં દરોડામાં રૂા.૩૭૫૫ કરોડની બિનહિસાબી આવક અને તપાસમાં રૂા.૩૬૬૬ કરોડની બિનહિસાબી આવક પકડી પાડવામાં આવકવેરા ખાતાને સફળતા મળી હતી.

આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે આ દરોડા ને તપાસમાં રૂા.૧૯૬૫ કરોડની બિનહિસાબી આવક હોવાની કબૂલાત કરી લેવામાં આવી છે. તેમાં અમદાવાદમાંથી બિનહિસાબી આવક રૂા.૧૯૪૮.૧૨ કરોડની અને સુરતમાં રૂા.૧૭.૭૩ કરોડની બિન હિસાબી આવક કર્યાની કબૂલાત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૧૮ અને સુરતમાં ૧૩ સ્થળોએ ૨૦૧૮-૧૯માં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અમદાવાદમાં રૂા.૫૯.૮૩ કરોડની અસ્ક્યામતોને અને સુરતમાં ૮.૨૪ કરોડની અસ્ક્યામતો જપ્ત કરવામાં આવી હતી.

ગુજરાતમાં ૧૬ કરદાતાઓ પર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી. આ ૧૬ કરદાતાઓએ મળીને રૂા.૧૯૮૭ કરોડની બિનહિસાબી આવક કરી હોવાની કબૂલાત કરી લીધી છે. તેમ જ તેમણે જાહેર ન કરેલી રૂા.૫૧૨ કરોડની આવકની પણ કબૂલાત કરી લીધી હતી.

ડિરેક્ટર જનરલ ઑફ ઇન્કમટેક્સ - ઇન્વેસ્ટિગેશન વિંગને તેમના સૂત્રો તરફથી મળેલી માહિતીને આધારે તેમણે કરેલી તપાસમાં રૂા. ૭૮૯૬ કરોડની બિનહિસાબી આવક મળી આવી હતી. તેમાં અમદાવાદમાંથી રૂા.૭૮૩૫ કરોડની અને સુરતમાંથી રૂા.૨૯૦૧ કરોડની બિનહિસાબી આવક પકડી પાડવામાં સફળતા મેળવી હતી. ઇન્વેસ્ટિગેશન વિંગને મળેલી ફરિયાદોને આધારે તેમણે કરેલી તપાસમાં રૂા.૬૧.૪૦ કરોડની બિનહિસાબી આવક પકડી પાડી હતી.

આ તમામ બિનહિસાબી આવક મળીને ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષ દરમિયાન રૂા.૨૯૭૬૪ કરોડની બિનહિસાબી આવક પકડી પાડવામાં આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગને સફળતા મળી છે. આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં પ્રોસિક્યુશનના ૨૨ કેસ અમદાવાદમાં અને ૨૨ કેસ સુરતમાં કરવામાં આવ્યા છે. તેમ જ ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી રૂા.૧૧.૩૮ કરોડની રોકડ પકડી પાડવામાં સફળતા મળી હતી.

ચૂંટણીની આચારસંહિતા દરમિયાન અમદાવાદમાંથી રૂા.૬.૬૪ કરોડની, સુરતમાંથી રૂા. ૧.૩૧ કરોડની અને રાજકોટમાંથી રૂા.૧.૧૪ કરોડની અને વડોદરામાંથી રૂા.૭૫.૩૬ લાખની રોકડ મળી આવી હતી. વાપીમાંતી પણ રૂા.૧.૫૨ કરોડની રોકડ પકડાઈ હતી. તદુપરાંત રૂા.૩.૩૫ કરોડના દાગીના પણ મળી આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V0KJ2m

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages