
- ત્રણ પેઢીથી અંધારામાં રહેતાં આ વિસ્તારના લોકોમાં વિજળીનો પૂરવઠો પહોંચતાં અનેક આશાઓ જીવંત થઈ
મુંબઇ, તા. 3 મે 2019, શનિવાર
મુંબઈથી માત્ર ૨૦ કિમીને અંતરે આવેલ ગોરાઈ ગામના ઝામજડ પાડામાં ગત અનેક વર્ષોથી ઈલેક્ટ્રિસિટીને અભાવે અંધારપટ છવાયો હતો. અહીંના નાગરિકો વર્ષોથી વીજળીની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. જોકે તેમની એ પ્રતિક્ષાનો હવે આખરે શુક્રવારે અંત આવ્યો છે. ગામમાં વીજ પૂરવઠો શરુ થઈ ચૂક્યો છે અને એ વાતને કારણે સ્થાનિકો ખૂબજ આનંદિત થયા છે.
પ્રાપ્ત વિગતાનુસાર, અદાણી ઈલેક્ટ્રિસિટી કંપની દ્વારા ગત અઠવાડિયાથી આ વિસ્તારમાં વીજવાહિનીઓ નાંખવાનું કામ ચાલી રહ્યું હતું. શુક્રવારે આ કામ પૂર્ણ થયું અને આખું ગામ રોશનીથી ઝળહળી ઉઠયું. સ્થાનિકોએ આ ક્ષણને વધાવી લેવા નાચ-ગાન સાથે ઉત્સવની જેમ ઉજાણી કરી હતી.
ઝામજડ પાડાએ મુંબઈથી માત્ર ૨૦ કિમીના અંતરે હોવા છતાં આ વિસ્તારમાં હજી સુધી ઈલેક્ટ્રિસિટીનો અભાવ હતો. જેને કારણે દૈનંદિન વ્યવહારમાં પણ અનેક અડચણો ઊભી થતી હતી. ઉપરાંત બાળકોને અભ્યાસ કરવામાં પણ તકલીફ થતી હતી તો સાથેજ મનોરંજન માટે કોઈના ઘરમાં ટીવી પણ આવી શક્યા નહોતા. એટલે સુધી તો ઠીક પણ રાતના અંધારામાં લાઈટને અભાવે સ્થાનિકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ થતી હતી. આ વિસ્તારમાં હવે વીજળીનો પૂરવઠો આવી જતાં જાણે સ્થાનિકોના જીવનમાં નવી રોશની ઉમેરાઈ હતી.
આ વિસ્તાર જિલ્લાધિકારીની જમીન પર વસેલો છે. અહીં વીજવાહિનીઓ નાંખવા માટે પરવાનગી મળી રહી નહોતી. આથી ગત ત્રણ પેઢીથી લોકો અંધારામાં વસવાટ કરતા હતાં. ચાર-પાંચ વર્ષ પહેલાં પાસેના એક પાડામાંથી ગ્રામસ્થો વીજ ખેંચી આવ્યા. પરંતુ તેમની પાસે પોતાની વીજળી ન હોવાથી તેમને ખૂબજ મંદ ઉજાસ મળતો હતો. ઝામજડ પાડામાં આશરે ૫૨ (બાવન) ઘરો છે. આ બાવન ઘરના લોકોને માટે જાણે ચૈત્ર માસે દિવાળી આવી હોય તેવો ઉત્સવ અને ઉત્સાહ આ રોશની સાથે ઝળક્યો છે.
આ સંદર્ભે આ વિસ્તારના જ એચ વ્યક્તિએ જણાવ્યું કે, આટલા વર્ષોથી અમે વીજળીના પૂરવઠાની પ્રતિક્ષામાં હતાં. આજે આખરે અમને અમારા હક્કની વીજળી મળી છે, તેનો અમને ખૂબજ આનંદ છે. હવે આ પ્રકાશમાં અમારા બાળકો ભણી શકશે, અન્ય મનોરંજનની વસ્તુઓ સાથે સામાન્ય વૈદકીય સુવિધાઓ પણ મેળવી શકાશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PV7d4d
No comments:
Post a Comment