
- રાજસ્થાનમાં સાળીની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રેલ્વે સ્ટેશન પર રીક્ષામાં પરિવાર સાથે જઈ રહ્યા હતા
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, તા. 3 મે 2019, શુક્રવાર
વતન રાજસ્થાનમાં સાળીની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પત્ની, બાળકો સાથે ગત મોડી રાત્રે રીક્ષામાં રેલ્વે સ્ટેશન જઈ રહેલા એકાઉન્ટન્ટની પત્નીના હાથમાંથી ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ નજીક મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા રૂ.૬.૨૬ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ.૧૨,૦૦૦ સહિત રૂ. ૬.૩૮ લાખની મત્તાની બેગની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની અને સુરતમાં સારોલી બીઆરટીએસ પાસે મોડલ ટાઉન રેસીડેન્સી એ/૩/૧૦૦૧ માં રહેતાં ૩૯ વર્ષીય રામદેવભાઇ સંપતલાલ જોશી સારોલી ખાતે રાધાકૃષ્ણ માર્કેટમાં હરીઓમ એન્ટરપ્રાઇઝ માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
વતન બિકાનેરમાં રહેતી સાળીની દીકરીના લગ્ન હોય ગત મોડીરાત્રે રામદેવભાઈ પત્ની અને બે બાળકો સાથે રાજસ્થાન જવા માટે ઘરેથી ભાડાની રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. રામદેવભાઈ રીક્ષા ડ્રાઈવરની બાજુમાં બેસ્યા હતા. જ્યારે તેમના પત્ની અને બાળકો પાછળની સીટ પર બેસેલા હતા.
સવા અગિયાર વાગ્યાના અરસામાં તેમની રીક્ષા ન્યુ બોમ્બે માર્કેટના સર્કલ આગળ તરોપાની દુકાન પાસેથી પસાર થતી હતી ત્યારે મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા રીક્ષામાં પાછળ બેસેલા રામદેવભાઈના પત્નીએ ખભે લટકાવી હેન્ડબેગ ઝૂંટવીને ફૂલ સ્પીડમાં મોટરસાયકલ સહરા દરવાજા તરફ ભગાવી ફરાર થઈ ગયા હતા. રામદેવભાઈએ રીક્ષામાં તેમનો પીછો કર્યો હતો. પરંતુ તેમને સફળતા મળી ન હતી.
રામદેવ ભાઇના પત્નીએ ખભે લટકાવેલી હેન્ડબેગમાં રૂ.૬,૨૬,૧૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૧૨,૦૦૦ મળી કુલ રૂ. ૬,૩૮,૧૫૦ ની મત્તા હતી. આ અંગે તેમણે બાદમાં પૂણા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા પખવાડીયામાં આવી ત્રીજી ઘટના છે. વધુ તપાસ પીએસઆઈ કે એ સાવલિયા કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LhVMVk
No comments:
Post a Comment