
- દારુની બોટલ તોડી ગળે મુકી ધમકી આપી, અડધો કલાકમાં રૂા.૧૦ લાખ મગાવીને બાકીના હપ્તેથી આપજે નહી તો જાનથી મારી નાંખીશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 મે 2019, શુક્રવાર
નાણાંકીય લેતીદેતીમાં ગત બપોરે પીપલોદ ગોવર્ધન હવેલી થી જિંજર હોટેલની ગલી વચ્ચેના સવસ રોડ ઉપર શેરદલાલનું ત્રણ અજાણ્યા એ અકસ્માતના બહાને ઝઘડો કરી તેની જ કારમાં અપહરણ કર્યું હતું અને તેને સચીન ચાર રસ્તા નજીક લઈ ગયા હતા. શેરદલાલ પાસે છેલ્લા બે વર્ષથી પૈસા માંગી રહેલા વ્યક્તિ અને સાગરીતોએ બાદમાં ધમકી આપી છોડી મૂકતા શેરદલાલે આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૈસા લેવા માટે શેરદલાલનું અપહરણ કરનાર મુખ્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પીપલોદ ચાંદની ચોક સ્નેહસાગર સરિતા ૭/જી માં રહેતા ૩૬ વષય સુમિતભાઈ ગંગાધર કલાની શેરદલાલ તરીકે કામ કરે છે. સંદીપ અગ્રવાલ નામનો વ્યક્તિ છેલ્લા બે વર્ષથી તેમની પાસેથી રૂ. ૫૭ લાખની માંગણી કરતો હતો. પરંતુ સુમિતભાઈના મતે માત્ર રૂ.૧૫ લાખ આપવાના બાકી હતા. આથી તેમની વચ્ચે વિખવાદ ચાલતો હતો.
દરમિયાન, ગત બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સુમિતભાઈ પોતાના એક મિત્રને ગોવર્ધન હવેલી પાસે છોડી પોતાની કારમાં સવસ રોડ થઈ ઘરે જતા હતા ત્યારે જીંજર હોટલની ગલી પાસે એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યાએ અને બાદમાં આવેલા એક અજાણ્યાએ અકસ્માતના બહાને ઝઘડો કરી સુમિતભાઇનું તેમની જ કારમાં અપહરણ કર્યું હતું અને તેમને સચીન ચાર રસ્તા પાસે એક ખુલ્લા પ્લોટ નજીક લઈ ગયા હતા.
રસ્તામાં સંદીપ અગ્રવાલ અને અન્ય ત્રણ વ્યક્તિ એક કારમાં તેમને મળ્યા હતા. સંદીપ અને તેના ત્રણ સાગરીતો સચીન ચાર રસ્તા પાસે પહોંચ્યા બાદ તમામે સુમિતભાઈને ધાકધમકી આપી તેમજ છરો અને દારૂની બોટલ તોડી ગળા ઉપર મૂકી અડધો કલાકમાં રૂ.૧૦ લાખ મંગાવી લે અને બાકીના રૂપિયા હપ્તેથી આપી દે નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં સુમિતભાઈએ ગુડગાંવમાં એક વ્યક્તિ ઉપર પોતાની દીકરીના શારીરિક શોષણ બાબતે પોલીસ કેસ કરેલો હતો તે વ્યક્તિને સંદિપે વિડીયો ફોન કરી સુમિતને સોંપીએ તો તમે કેટલા રૂપિયા આપશો તેવી પણ વાત કરી હતી.
ગભરાયેલા સુમિતભાઈએ હું કાલે ગમે તેમ કરીને તમને બે લાખ રૂપિયા આપી દઈશ એવું જણાવતા સંદિપ અગ્રવાલ અને અન્યોએ ધાકધમકી આપી તેમને છોડી મૂક્યા હતા. મોડી રાત્રે ઘરે પહોંચેલા સુમિતભાઈએ આ અંગે આજે મળસકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંદિપ અગ્રવાલની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ કે એ ગઢવી કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDwKnL
No comments:
Post a Comment