અમદાવાદ,તા.3 મે 2019, શુક્રવાર
દક્ષિણ ભારતમાં ત્રાટકેલા ફાની વાવાઝોડાને લીધે પૂર્વી તટીય રેલવે ઉપર ટ્રેનોનું સંચાલન ખોરવાઇ ગયું છે. જેના કારણે વિવિધ ટ્રેનોને સલામતીના કારણોસર એકાએક રદ કરી દેવાનો નિર્ણય રેલવેના અધિકારીઓ દ્વારા લેવાયો છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા ટ્રેનોની સ્થિતિ જાણી લેવાની અપીલ રેલવેતંત્ર દ્વારા કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં કુલ ૬ ટ્રેનો આ વાવાઝોડાના કારણે અસર પામી છે. જેમાં ચાર ટ્રેનો રદ કરવા ઉપરાંત બે ટ્રેનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
આજે તા.૩ મે ના રોજ ટ્રેન નં.૧૮૪૦૬ અમદાવાદ-પુરી એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા. તા.૪ મેને શનિવારના રોજ પણ ટ્રેન નં. ૧૨૮૪૩ પુરી-અમદાવાદ એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. ૨૨૯૭૪ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ કરી દેવામાં આવી છે.
તા.૭ મેને મંગળવારના રોજ અજમેરથી ઉપડનારી ટ્રેન નં. ૧૮૪૨૨ અજમેર-પુરી એક્સપ્રેસ પણ આજ કારણોસર રદ કરી દેવાની જાહેરાત રેલવેતંત્ર દ્વારા કરવામાં આવી છે. ગત તા. ૧ મે ના રોજ ગાંધીધામથી ઉપડેલી ટ્રેન નં. ૨૨૯૭૩ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ કે જે અધવચ્ચે રસ્તામાં હતી તેને સલામતીના કારણોસર ટીટીલાગઢ-સંબલપુર-અંગુલ-ખુર્દા રોડના વૈકલ્પિક રૂટ પરથી દોડાવાનો નિર્ણય લેવાયો છે. તેવી જ રીતે ગત ૧ મેના રોજ ઓખાથી નીકળેલી ૧૮૪૦૨ ઓખા-પુરી એક્સપ્રેસને વીજીનગર-ટીટીલાગઢ, સંબલપુર-અંગુલ-ખુર્દા રોડના વૈકલ્પિક રૂટ પરથી દોડાવાઇ હતી.
અમદાવાદ-હબીબગંજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
અમદાવાદથી હબીબગંજ હમસફર એસી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આ ટ્રેનને વાયા ગોધરા, રતલામ, ઉજ્જૈન થઇને દોડાવાશે. જેને લઇને વેકેશનના આ ગાળામાં મુસાફરોને મોટી રાહત થઇ જશે.
ટ્રેન નં.૦૧૬૭૦ હબીબગંજથી તા.૬ મે થી ૧ જુલાઇ સુધી દર સોમવારે રાત્રે ૨૦ઃ૪૫ કલાકે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે મંગળવારે સવારે ૦૯ઃ૦૦ કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નં.૦૧૬૬૯ અમદાવાદથી તા.૭ મે થી તા.૨ જુલાઇ સુધી દર મંગળવારે સવારે ૧૦ઃ૪૦ કલાકે ઉપડશે. જે રાત્રે ૨૩ઃ૪૫ કલાકે હબીબગંજ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં સંત હીરદારમનગર, સિહોર, સુજાલપુર, મક્સી, ઉજ્જૈન, નાગડા, રતલામ, મેધનગર, દાહોદ, ગોધરા, ડાકોર, નડિયાદ સ્ટેશનો પર રોકાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JdF9Yd
No comments:
Post a Comment