અમદાવાદ,તા. 3 મે 2019, શુક્રવાર
ઉનાળાની અસહ્ય ગરમીને લઇને અમદાવાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો સવારે ૧૦ઃ૩૦ કલાકને બદલે આજથી જ સવારે ૯ કલાકે જ શરૂ કરી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ૪૨ ડિગ્રી સુધીની ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે અને સવારમાં જ લોકોના કામો શરૂ કરી દેવાય તેવા માનવીય અભિગમથી જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં શરૂ થનારી શાળા-કોલેજોની પ્રવેશપ્રક્રિયા, આવાસ યોજના તથા અન્ય સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે જરૂરી આવકના દાખલા અને પ્રમાણપત્રો માટે જનસેવા કેન્દ્રોમાં લોકોની ભારે ભીડ રહેશે.
તેવામાં મે માસમાં ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયેલી ગરમીમાં લોકોને રાહત રહે અને ખરા બપોરે લાઇનમાં ઉભા રહેવું ન પડે તે માટે કલેક્ટર કચેરી સહિતના તમામ જનસેવા કેન્દ્રો દોઢ કલાક વહેલા એટલેકે સવારે ૯ કલાકથી જ શરૂ કરી દેવાનો આદેશ કલેક્ટર દ્વારા અપાયો છે.
આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ મે માસમાં વિવિધ પ્રમાણપત્રો અને દાખલાઓ મેળવવા માટે લોકોની ભારે ભીડ જનસેવા કેન્દ્રોમાં રહેતી હોય છે. તેવામાં ગરમીને જોતા લોકોને ઓછી હાલાકી ભોગવવી પડે તે માટે જનસેવા કેન્દ્રો દોઢ કલાક વહેલા શરૂ કરી દેવાની સુચના અપાઇ છે.
સવારે ૧૦ઃ૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી જનસેવા કેન્દ્રો ખૂલ્લા રહેશે. બીજા અને ચોથા શનિવારે તે બંધ રહેશે. ગરમીની સિઝન ચાલુ રહે ત્યાં સુધી જનસેવા કેન્દ્રોનો સમય સવારે ૯ કલાકનો રખાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYNAHL
No comments:
Post a Comment