
ભાવનગર, તા. 05 મે 2019, રવિવાર
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા પટેલ આધેડ આજે શનિવારે બપોરે લાઠીથી અડધા કરોડ જેટલી કિંમતના હીરાના પડીકા સહિતનો મુદ્દામાલ ભરેલો થેલો લઈ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે ભાવનગર-રાજકોટ હાઈવે પરના ઈશ્વરિયા નજીક શેરડીનો રસ પીવાના બહાને આધેડને કારમાંથી નીચે ઉતારી બે શખસ હીરાના પડીકા ભરેલો થેલો લઈ નાસી જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા બન્ને શખસને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી હતી.
ચકચાર મચાવનાર ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના ચિત્રા, ગણેશનગરમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા ભીમજીભાઈ કાળુભાઈ ભીકડીયા (ઉ.વ.46) આજે શનિવારે બપોરે બે વાગ્યા આસપાસ અમરેલીના લાઠીથી આશરે 43 થી 45 લાખ રૂપિયાની કિંમતના હીરાના પડીકા ભરેલો થેલો લઈ ભાવનગર આવવા નીકળ્યા હતા.
લાઠીથી તેઓ ભાવનગર સુધીનું 50 રૂપિયા ભાડુ નક્કી કરીને એક લાલ કલરની કારમાં બેઠા હતા. દરમિયાનમાં આ કાર ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા ઈશ્વરિયાના પાટિયા નજીક પહોંચતા કારના ચાલકે શેરડીનો રસ પીવાના બહાને કાર થંભાવી હતી. જેથી ભીમજીભાઈ ભીકડીયા શેરડીનો રસ પીવા માટે કારમાંથી નીચે ઉતાર્યો હતા. ત્યારે પોતાનો ઈરાદો પાર પાડતા જોઈ કારચાલક અને તેની સાથેનો અન્ય એક શખસ તક મળતા જ હીરાના પડીકા ભરેલો થેલો લઈ કારને હંકારી નાસી છુટયા હતા.
આ ઘટના બાદ ભીમજીભાઈ પટેલ સીધા ભાવનગર આવી ગયા હતા અને સમગ્ર હકીકત જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓને વર્ણવી હતી. જેથી પોલીસે તુરંત પગલા લઈ જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી તેમ જાણવા મળ્યું છે. જ્યારે બનાવને લઈ ભીમજીભાઈ કાળુભાઈ ભીકડીયાએ બે શખસ સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H3tZUx
No comments:
Post a Comment